નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTEC આગેવાનોને નિમંત્રણ પાછળની કુટનીતિ

0
253
Photo Courtesy: thedailystar.net

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતાની બીજી મુદત માટે શપથ લેશે ત્યારે BIMSTEC દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર રહેશે. આ હાજરી પાછળ કેટલાક ખાસ કારણો રહેલા છે જે આવનારા સમયમાં ભારતને જ લાભપ્રદ બનવાના છે.

Photo Courtesy: thedailystar.net

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014ના વિજયમાં અને 2019ના વિજયમાં ખાસ્સો તફાવત છે એવી જ રીતે આ બંને વિજય બાદની શપથવિધિમાં પણ ઘણો મોટો તફાવત છે જે ઉડીને આંખે વળગે તેવો છે. ગયા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SAARC સંગઠનના રાષ્ટ્રાધ્યક્ષોને શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું તો આ વખતે BIMSTEC જૂથના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

BIMSTEC એટલેકે ‘બે ઓફ બેંગોલ ઈનીશીએટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન’. આ જૂથના દેશો એકબીજા સાથે અથવાતો વિદેશી વ્યાપાર માટે બંગાળની ખાડી પર આધાર રાખતા હોય છે. આ દેશોમાં ભારત ઉપરાંત નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTECના દેશોને પોતાની શપથવિધિમાં આમંત્રણ આપીને ફરીથી “પહેલો સગો પડોશી”ના તેમના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. ઘણા ‘પંડીતો’ એમ પણ કહી રહ્યા છે કે માત્ર પાકિસ્તાનને શપથવિધિથી દૂર રાખવા માટે આ વખતે SAARCની જગ્યાએ BIMSTEC દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ખરેખર એવું નથી કારણકે SAARC સંગઠનનું સભ્ય તો ભારતનું ખાસ મિત્ર અફઘાનિસ્તાન પણ છે.

પરંતુ BIMSTEC દેશોને આમંત્રણ આપીને ભારત એ સાબિત કરવા માંગે છે કે તે તેની ‘એક્ટ ઇસ્ટ’ પોલીસીને વધારે મજબૂત કરવા માંગે છે. જો યાદ હોય તો ગયા વર્ષે ASEAN દેશોના તમામ રાષ્ટ્રાધ્યક્ષોને ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું જે એક્ટ ઇસ્ટ પોલીસીનો જ એક ભાગ છે.

BIMSTEC દેશોને આમંત્રણ આપવા પાછળનું બીજું કારણ અને એ પણ મુખ્ય કારણ એ છે કે આ દેશો વચ્ચે પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, ટેક્નોલોજી તેમજ કૃષિ, જાહેર સ્વાસ્થ્ય જેવા મહત્ત્વના વિષયો પર આગળ વધવા માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત BIMSTEC દેશો સાથે સહકાર વધારીને ભારતને ખુદને અત્યંત લાભ થાય છે અને તે ઉપરાંત ભારત આ દેશો સાથે સંબંધ મજબૂત બનાવીને હિન્દ મહાસાગર વિસ્તારમાં પોતાની વ્યુહાત્મક ક્ષમતાને પણ વિકસાવી શકે છે.

BIMSTEC દેશો ઉપરાંત ગુરુવારની શપથવિધિમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ તેમજ મોરેશિયસના વડાપ્રધાનને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ પાછળ પણ ખાસ કારણ રહેલું છે. આ કારણ એ છે કે કિર્ગીસ્તાન શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન એટલેકે SCOનું પ્રમુખ છે અને ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોને લીધે જ બે વર્ષ પહેલા તેનું સભ્ય બન્યું છે.

એ પણ ન ભૂલાય કે આવતે મહીને કિર્ગીસ્તાનની રાજધાની બિશકેકમાં SCOના રાષ્ટ્રાધ્યક્ષોની શિખર બેઠક છે અને અહીં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ આવવાના છે. પાકિસ્તાન કાગડોળે ભારતના એ નિર્ણયની રાહ જોઈ રહ્યું છે કે આ શિખર બેઠકના હાંસિયામાં નરેન્દ્ર મોદી ઇમરાન ખાન સાથે ઔપચારિક નહીં તો અનૌપચારિક મુલાકાત કરશે કે કેમ. તો આ બેઠક અગાઉ જ નરેન્દ્ર મોદી 31 મે ના રોજ કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સાથે નવી દિલ્હીમાં બેઠક કરીને SCOમાં પાકિસ્તાન અંગે પોતાનો એજન્ડા સેટ કરે તે પણ શક્ય છે.

મોરેશિયસ સાથે ભારતના સદીઓ જૂના સંબંધો છે અને આથી તેના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરેશિયસ હિન્દ મહાસાગરમાં વ્યુહાત્મક દ્રષ્ટીએ ભારત માટે અતિશય મહત્ત્વનું છે કારણકે મોરેશિયસ સાથેના છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સારા થયેલા સંબંધોને લીધે ચીનનો પ્રભાવ આ ક્ષેત્રમાં ઓછો પડી રહ્યો છે.

આમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત વિચારપૂર્વક BIMSTEC દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પોતાની શપથવિધિમાં આમંત્રણ આપીને એક કાંકરે અસંખ્ય પક્ષીઓ માર્યા છે. આમ કરવા પાછળ પાકિસ્તાનની અવગણના કરવાનું કોઈજ કારણ નથી પરંતુ ભારત માટે વ્યુહાત્મક રીતે તેમજ વ્યાપારિક દ્રષ્ટીએ મહત્ત્વના એક બીજા એશિયાઈ જૂથને પ્રોત્સાહન આપીને ભારત પોતાની વિદેશનીતિની જ ધાર તેજ બનાવી રહ્યું છે તે સ્પષ્ટ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here