સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ દુ પ્લેસીએ ભલે મેચ પત્યા બાદ ટોપ ઓર્ડરની નિષ્ફળતાને હાર માટે જવાબદાર ગણ્યો હોય પરંતુ તેની સમગ્ર ટીમ જ ફાઈટ આપવામાં નિષ્ફળ ગઈ છે તે તેણે સ્વીકારવું રહ્યું.

ધ ઓવલનું મેદાન વનડે મેચો માટે બેટ્સમેનોના સ્વર્ગ સમાન હોય છે. ટેસ્ટ મેચમાં પણ પહેલા ત્રણ દિવસ અહીંની પીચ બેટ્સમેનોને મદદ કરતી હોય છે અને બાદમાં સ્પિનરોને મદદ કરે તેવી બની જતી હોય છે. ટૂંકમાં કહીએ તો ભારત અથવાતો એશિયાના દેશોને અહીં રમવાની મજા પડે છે.
2019ના વર્લ્ડ કપની પહેલી મેચમાં એક પણ એશિયાઈ ટીમ ન હતી પરંતુ તેમ છતાં ઈંગ્લેડ, જે આ ટુર્નામેન્ટનું યજમાન છે અને તે કેમ આ વખતનો વર્લ્ડ કપ જીતવા માટે સહુથી મોટી ફેવરીટ ટીમ ગણાય છે તેણે તેની મહાશક્તિની પ્રથમ ઝલક દેખાડી દીધી હતી. બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડીંગ ક્રિકેટની રમતના આ ત્રણેય પાસાંઓમાં તે ઓવલની બેટિંગ પીચ પર સાઉથ આફ્રિકા કરતા ક્યાંય બળવાન સાબિત થયું હતું.
જો કે ઇંગ્લેન્ડના આ ત્રણેય પાસાંઓમાં સહુથી વધુ ચમકીને આવ્યો હતો તેનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ. હાલમાં જ પૂર્ણ થયેલી IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર બેન સ્ટોક્સનું ફોર્મ કાઈ ખાસ રહ્યું ન હતું પરંતુ ગઈકાલે તેણે ધમાકેદાર દેખાવ કર્યો હતો. પહેલા બેટિંગ કરતા 79 બોલ્સમાં 89 રન બનાવ્યા, પછી બોલિંગ કરતી વખતે 2 વિકેટો લીધી અને સોને પે સુહાગાની જેમ એન્ડિલ ફેહલુકવાયોનો ડીપમાં એક અદભુત કેચ પણ કર્યો!
સાઉથ આફ્રિકાએ શરૂઆત સારી કરી હતી, પછી બોલિંગની મધ્ય ઓવરોમાં તેણે મેચ પરથી પકડ ગુમાવી દીધી અને ઇનિંગના અંતમાં ફટાફટ વિકેટો લઈને ઇંગ્લેન્ડ જે 350ના સ્કોરની આસપાસ જઈ રહ્યું હતું તેને 311 પર જ રોકી દીધું. એક રીતે જોવા જઈએ તો છેલ્લી 5 થી 7 ઓવર્સમાં સાઉથ આફ્રિકાએ જે પ્રકારની બોલિંગ કરી અને તેને કારણે ઓલરેડી સેટ થઇ ગયેલા સ્ટોક્સને પણ શોટ્સ મારવામાં તકલીફ પડી રહી હતી તેનાથી અન્ય ટીમો પણ આવનારી મેચોમાં ઇંગ્લેન્ડ સામે કેવી રીતે બોલિંગ કરવી તે શીખી શકે છે.
અંતિમ ઓવરની બોલિંગ સિવાય સાઉથ આફ્રિકા પાસે એવું એક પણ પરફોર્મન્સ ન હતું જેનાથી તેને ગર્વ થઇ શકે અથવાતો એ હકારાત્મક મુદ્દે તે અગામી મેચો રમી શકે. જોફ્રા આર્ચરની શોર્ટ પીચ અને ફાસ્ટ બોલિંગ સામે ‘પ્રોટીયાઝની’ હાલત જોતા એવું લાગતું જ ન હતું કે આ સાઉથ આફ્રિકાની ટીમ રમી રહી છે. કોઈ એશિયાઈ દેશોની ટીમની જેમ તેણે પોતાના શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા.
સોશિયલ મિડીયામાં સાઉથ આફ્રિકાના દેખાવને ફરીથી ‘ચોકિંગ’ કહીને તેની મશ્કરી ઉડાવવામાં આવી હતી, પરંતુ આ ચોકિંગ બિલકુલ ન હતું આ તો સંપૂર્ણ આત્મસમર્પણ હતું કારણકે ચોકિંગ થાય તો ટીમ છેક છેલ્લે સુધી લડત આપીને અચાનક જ હારના ડરથી ધરાશાઈ થઇ જતી હોય છે.
સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જબરદસ્ત ફટકો પડ્યો છે, હવે તેણે આ ફટકામાંથી બહાર આવવા માટે ઘણી મહેનત કરવી પડશે અને એ પણ માનસિક કારણકે તેની આવતી મેચ ભારત સામે છે. ઇંગ્લેન્ડ માટે એવું નથી કે તેને આ મેચમાંથી કશું શીખવાનું નથી, ભલે જેસન રોય અને જો રૂટ કાલે સારું રમ્યા પરંતુ આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પના દડાને રમવા જ એવી તેમની ઈચ્છા પર તેમને લગામ આપવાની જરૂર છે. અને હા! છેલ્લી ઓવરોમાં પણ મળેલા મજબૂત પ્લેટફોર્મ પર મોટો સ્કોર કેમ ઉભો કરવો એ શીખવાની પણ જરૂર ખરી.
જો કે આ તો હજી પહેલી જ મેચ હતી પરંતુ તેમ છતાં વર્લ્ડ કપ એ વર્લ્ડ કપ છે અને અહીં ઘણીવાર તમારા બાકીના ગાયનનો સૂર તમારા પહેલા આલાપ પર આધારિત થઇ જતો હોય છે.
આજની મેચ: પાકિસ્તાન વિ. વેસ્ટ ઇન્ડિઝ, ટ્રેન્ટબ્રિજ, નોટીંગહામ
વેસ્ટ ઇન્ડિઝની જબરદસ્ત બેટિંગ અને પાકિસ્તાનના બોલિંગ પાવર વચ્ચેના જંગમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓનું બિન્ધાસ્તપણું પાકિસ્તાનને ભારે પડી શકે છે. આ આખી મેચનું પરિણામ શરૂઆતની 10 ઓવરોમાં બંને ટીમોનો દેખાવ નક્કી કરી શકે છે!
કોણ જીતશે?: વેસ્ટ ઇન્ડિઝ
eછાપું