આવો તમને બધાયને સંભળાવું ઈમેઈલની અનોખી વાર્તા – ભાગ 2

0
339
Photo Courtesy: lifewire.com

દરરોજ સમગ્ર વિશ્વમાં કરોડો ઈમેઈલ્સ આવતા અને જતા હશે. તમે પણ દરરોજ કેટલાય ઈમેઈલ્સ વાંચતા કે લખતા હશો. ચાલો જાણીએ ઈમેઈલની અથ: થી ઇતિ! ગતાંકથી આગળ….

Photo Courtesy: lifewire.com

આ શિવા ઐયાદુરાઈને ઓળખવા ખૂબ જરૂરી છે એ પણ ખાસ કરીને ભારતીયો માટે.વી.એ. શિવા ઐયાદુરાઇ 1963માં મુંબઇ (તત્કાલીન બોમ્બે) માં મૂળ તમિલિયન વેલાયપ્પા ઐયાદુરાઇ તેમજ મીનાક્ષી ઐયદુરાઇ ના ઘરે જન્મ્યા હતાં. શિવાના જણાવ્યા મુજબ તેમના પિતાજી એક એન્જિનિયર તેમજ માતાજી એક ગણિતજ્ઞ હતા. શિવાને તેમના માતા તેમજ પિતાજી પર ખુબ જ ગર્વ હતો કારણકે તેઓ જે તે વખતના તમિલનાડુની ખૂબ જ રૂઢિચુસ્ત  વર્ણવ્યવસ્થાની દીવાલો તોડીને પોતે ભણી આગળ આવેલા હતા. માત્ર સાત વર્ષની ઉંમરના શિવાને લઈ તેમના માતા પિતા મુંબઈ છોડી કાયમ માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સ્થાયી થવા માટે નીકળી ગયા હતાં.

તેઓ બાળપણ થી જ ખૂબ તેજસ્વી હતા, ન્યુ જર્સીની લિવિંગસ્ટન સ્કૂલમાં ભણતાં ભણતાં તેઓ સમર સ્કૂલમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા. ત્યારબાદ MITમાંથી કમ્પ્યુટર સાયન્સ તેમ જ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ ભણ્યા.  ત્યારબાદ મેકેનિકલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સ કરવાની સાથે સાથે MIT મીડિયા લેબોરેટરીમાંથી  સાયન્ટિફિક વિઝયુઆઇલેશનમાં પણ માસ્ટર્સ કર્યું. પછી 2007માં બાયોલોજીકલ એન્જીનીયરીંગમાં ડૉક્ટરેટની પદવી મેળવી. 2007માં જ ઐયાદુરાઈ ને અમેરિકાનાં પ્રતિષ્ઠિત ફુલબ્રાઈટ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ ભારતના સિદ્ધા હિલિંગ તેમજ મોર્ડન મીડિસીન્સ વચ્ચે સેતુ સાંધવાના હેતુથી સ્કોલરશીપ પણ આપવામા આવી.

આગળ જણાવેલ ટ્વીટમાં તેમણે પોતે ઇ-મેલ ના સર્જક હોવાનો દાવો કર્યો અને ગુગલના નો રે ટોમલિંસનના ઇમેલ ના ખરા સર્જક તરીકેનો દાવો નકારી કાઢ્યો. પોતાનો દાવો વધુ મજબૂત કરવા તેમણે લખેલા એક ઓપન લેટરમાં જણાવ્યું કે માત્ર 14 વર્ષની ઉંમરે  1978માં યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી ઓફ ન્યૂજર્સીમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરતા તેમણે ઓફિસના આંતરિક કમ્યુનિકેશનને પહોંચી વળવા એક સોફ્ટવેર લખેલું હતું જેનું નામ એમણે EMAIL આપેલું હતું, જેનો ઉપયોગ આજ પહેલાં કદી થયેલો નહોતો,  આ EMAIL નામે ઓળખાતા સોફ્ટવેરના કોપીરાઇટ પણ યુએસ ગવર્મેન્ટ પાસેથી તેમણે 1982માં જ ઈસ્યુ કરાવેલા હતા. (નીચેનો ફોટો)

Photo Courtesy: https://vashiva.com

આ દાવો દાવાનળની જેમ ઈન્ટરનેટ પર ફેલાવા લાગ્યો અને તેને સપોર્ટ કરવાવાળાની સંખ્યા પણ દિવસે દિવસે વધવા લાગી તેમાં મુખ્ય ફાળો ભારતીયોનો હતો. ઘણા બધા લોકોનું શિવાના આ દાવાને તરત માની લેવાનું કારણ હતું 2012ની શરૂઆતમાં અમેરિકાના એક પ્રતિષ્ઠિત દૈનિક અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલ એક અહેવાલ, જેમાં અખબારે એવો દાવો કરેલો હતો કે “અમેરિકા જ નહીં પણ વિશ્વના સૌથી મોટા સ્મિથસોનિયન મ્યુઝિયમે  શિવા ઐયાદુરાઈ ]ના 1978 માં લખેલા શિવાનાં 50000 લીટીના કોડસ, તે અંગેની ટેપ્સ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી સાચવવા માટે માંગ્યા છે અને મ્યુઝીયમ શિવાને સૌપ્રથમ ઇમેલ સોફ્ટવેર બનાવનાર વ્યક્તિ તરીકે બહુમાન પણ આપવા જઈ રહ્યુ છે.”

આ અહેવાલ પ્રગટ થયા બાદ સમગ્ર વિશ્વમાંથી આનો વિરોધ નોંધાવતા સમાચારો પ્રગટ થવા લાગ્યા. એક જાણીતા કમ્પ્યુટર ઇતિહાસકાર થોમસ હેગ એ આર્ટિકલ લખીને પ્રસ્થાપિત કર્યું કે જેને ઈમેઈલ કહી શકાય તેવી ટેક્નોલોજી અમેરિકામાં 60ના દાયકાથી જ છે અને ઐયદુરાઈનું યોગદાન નકારી ન શકાય પણ તેમને ઈમેઇલના શોધક તો ન જ માની શકાય. આ અને આવા અન્ય લોકોના વિરોધથી ઝૂકીને આટલા પ્રતિષ્ઠિત અખબારે પણ પોતાની ભૂલ સ્વીકારી અને પોતાનો પૂર્વે પ્રગટ થયેલો અહેવાલ ખોટો હતો તેવો લેખ 17 ફેબ્રુઆરી 2016 ના રોજ પ્રગટ કરવો પડ્યો. જેમાં લખ્યું હતું કે ઇમેઇલ એ 1978 પહેલાથી ચાલી આવતી વસ્તુ છે જેનો પાયો નાખનાર ARPANET તેમ જ રેમંડ ટોમલિંસન હતા.

શિવા અને તેના સમર્થકો (જેમાં જાણીતા વિચારક નોમ ચોમસ્કી પણ સામેલ છે) એ આનો જવાબ આપતા લેખો પણ લખ્યા અને પોતાની એવું દલીલ રજૂ કરી કે ARPANET દ્વારા મોકલાયેલ સંદેશો જ જો ટેકનિકલી ઈમેઈલ કહેવાતો હોય તો તો ટેલિગ્રામને પણ ઈમેઈલ કહી શકાય. ઐયદુરાઈના મત મુજબ સંપૂર્ણ રીતે જેને ઈમેલ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તેવો પહેલો ઈમેલ તેમણે પોતે જ 1978માં મોકલ્યો હતો અને EMAIL પણ તેમનું પોતાનું જ કોપીરાઈટેડ સોફ્ટવેર છે.

તેમના કહેવા પ્રમાણે ઈમેલની શોધ તેઓએ 1978માં લખેલા સોફટવેરથી જ ગણી શકાય. રેથીઈઓન કંપની જેના માટે યુદ્ધ એક ધંધો છે તે પોતાની શાખ તેમજ નફાખોરી સાચવવા માટે તેમને બદનામ કરવાના કાવતરાં કરે છે. ઐયાદુરાઈના કહેવા મુજબ રેથીઓનનો આખો બિઝનેસ રે ટોમલિંસને ઇમેઇલની શોધ કરી છે તેવી માન્યતા ઉપર જ ચાલે છે અને આ જ ઈમેજ ના દમ પર આ કંપની વાર્ષિક મિલિયન્સ ડોલર્સ ના કોન્ટ્રાકટ પણ લે છે. તેમના શબ્દોમાં “જે યોગદાન મેં આપ્યું છે ઈમેઈલ ના વિકાસ માં, જો મારા બદલે કોઈ ગોરી ચામડીનો માણસ હોત તો તેના ફોટા અહીંના સ્ટેમ્પ ઉપર છપાયા હોત પણ હું એક કાળી ચામડીનો અને ભારતીય મૂળનો હોવાથી મારી સિદ્ધિઓને નીચી પાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.”

જ્યારે બીજી તરફ ટોમલિંસનના સમર્થકોના મતે શિવા “ખાલી પ્રસિદ્ધિ પામવા ખાતર જ આવા ગતકડાં કરે છે અને તેના માટે જ તેને બહુ પહેલાથી જ  InventorofEmail.com, EmailInventor.com and DrEmail.com જેવા ડોમેઈન પોતાના નામે રજીસ્ટર કરવી રાખ્યા છે કે જેથી જ્યારે પણ કોઈ ઈમેલ ના શોધકનું નામ સર્ચ કરે તો તેનું જ નામ પહેલા દેખાય!” આમ આ એક હજી ચાલતી એવી અંતહીન ડિબેટ છે.

અંગત રીતે વિચારતાં એવું જણાય છે કે ટોમલિંસને ક્યારેય પોતે જ ઈમેલનો શોધક હોવાનો દાવો કર્યો નથી ઉપરથી તેમણે એમ કહ્યું હતું કે મેં જે વસ્તુઓ પહેલેથી જ હતી તેને મોડીફાય કરીને ઈમેલના વિકાસમાં મદદ કરી હતી. જ્યારે શિવાના પોતાને જ  ઈમેલના એકમાત્ર શોધક તરીકેના દાવામાં બહુ દમ લાગતો નથી કારણ કે આજના ઈમેલ ના બધા જ જરૂરી પાસા ટોમલિંસન વખત થી જ અસ્તિત્વ માં હતા તેવું જોઈ શકાય છે. જેથી 1978 પહેલા જ ઈમેલ કહી શકાય તે ટેક્નોલોજીની શોધ થઈ ચૂકી હતી એવું નિષ્ણાતોનું સર્વમાન્ય મંતવ્ય છે અને શિવાને ફેમસ કરનાર વોશિંગ્ટન પોસ્ટ પણ આ જાહેરમાં સ્વીકારી ચૂક્યું છે અને સ્મિથસોનિયન મ્યુઝીયમે પણ પાછળથી ચોખવટ કરવી પડી કે અમે શિવા ઐયદુરાઇ ને કોઈ ઓફિશિયલ સમ્માન આપવા માટે નહીં પણ ખાલી ઈમેલ ના ઇતિહાસ ને પ્રોપરલી ડોક્યુમેન્ટ કરવા જ આ દસ્તાવેજો માંગ્યા હતા.

આમ વ્યક્તિગત રીતે શિવા ઐયાદુરાઈ એક સફળ ઇનોવેટર તેમજ બિઝનેસમેન છે પણ ઈમેલના શોધક તરીકેના એમના દાવા એટલા મજબૂત જણાતા નથી. હવે તેમના રંગભેદના દાવાની વાત કરીએ તો તેમાં પણ બહુ માલ જણાતો નથી એના ઘણા કારણોમાં નું એક તો એ છે કે આપણે એવા ઘણા ભારતીયો ને જાણીએ છીએ કે જેમણે અમેરિકા સ્થાયી થયા બાદ ત્યાંની જ બિઝનેસ તેમજ એકેડેમિક ઈકોસીસ્ટમમાંથી પોષણ પામીને પોતાનું નામ કાઢ્યું છે. બીજું એ કે ઉપર જણાવ્યું તેમ છેક 1982 સુધી પ્રચલનમાં રહેલ પ્રોટોકોલ RC 561 ના રે ટોમલિંસન ઉપરાંત બીજા ત્રણ સહલેખક હતા જેમાના એક ભારતીય હતા જેમનું નામ અભય ભૂષણ હતું. જે અહીં આપેલી ઈમેજમાં જોઈ શકાય છે એમ તેમનું નામ ટોમલિંસન કરતાં પણ પહેલા મેન્શન થયેલું છે અને એમને એમની ડયુ ક્રેડિટ પણ મળેલી છે. તો માત્ર ભારતીય કે કાળી ચામડીના હોવાના કારણે જ કોઈને ક્રેડિટ ના મળી શકી તે માનવા જેવી વાત લાગતી નથી!

Photo Courtesy: fossbytes.com

આમ ઈમેલની શોધ કેવી રીતે થઈ તે એક અંતહીન ચર્ચાનો વિષય છે જેનો જવાબ વેદના ઋષિની માફક એક જ આપી શકાય, નેતિ નેતિ!  ઈમેલની શોધ કોને કરી એ ચર્ચા અને ડિબેટનો વિષય હોઈ શકે પણ એની આજના જીવનમાં ઉપયોગીતા એ નિર્વિવાદીત છે. આપણો મૂળ મુદ્દો છે ભારતમાં ઈમેલ અને ઈન્ટરનેટ ક્યારે શરૂ થયા અને એનો વ્યાપક ઉપયોગ ક્યારથી શરૂ થયો. જે નેક્સ્ટ આર્ટિકલ માં જોઈશું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here