CWC 19 | M 3 & 4 | Minnow કોણ? શ્રીલંકા કે અફઘાનિસ્તાન?

0
289
Photo Courtesy: twitter.com/cricketworldcup

ગઈકાલે વર્લ્ડ કપમાં બે મેચો રમવામાં આવી હતી. આ મેચમાં પણ શ્રીલંકા જેવી એક સમયની ચેમ્પિયન ટીમે કંગાળ દેખાવ કર્યો હતો તો અફઘાનિસ્તાનને ઓસ્ટ્રેલિયાને થોડીઘણી લડત જરૂર આપી હતી.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ગત વર્લ્ડ કપ બાદ ICCએ જ્યારે નિર્ણય કર્યો હતો કે Minnows એટલેકે આયર્લેન્ડ, સ્કોટલૅન્ડ કે પછી UAE જેવી ટીમોને 2019ના વર્લ્ડ કપથી દૂર રાખવામાં આવશે ત્યારે આ બધી ટીમના ક્રિકેટ બોર્ડ્સ દુઃખી થયા હતા અને તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો. ICCનું લોજીક એ હતું કે આ પ્રકારે નિર્ણય લેવાથી વર્લ્ડ કપમાં એકતરફી મેચો બંધ અથવાતો સાવ ઓછી થઇ જશે અને લોકોનો રસ જળવાઈ રહેશે.

આ નિર્ણય લેવા પાછળનો વિચાર ખોટો ન હતો પરંતુ આ વર્લ્ડ કપની પહેલી ચાર મેચ જોતા એવું લાગે કે ICC કદાચ અત્યારથી જ પોતાના એ વિચાર પર ફેરવિચારણા કરવા માટે મજબૂર થઇ જશે. સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો જ્યારે પોતાના પ્રતિસ્પર્ધીઓને મેચ કોઇપણ પ્રકારની લડત વગર થાળીમાં પીરસી દે ત્યારે ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાના નિર્ણય અંગે શંકા કરવાનો આપણને તમામને હક્ક છે.

પરંતુ હજી તો આ વર્લ્ડ કપ માત્ર ત્રણ દિવસ જ જૂનો છે એટલે અત્યારે આપણે ICCને શંકાનો લાભ પણ આપી શકીએ છીએ, તેમ છતાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન બાદ જે રીતે ગઈકાલે શ્રીલંકા રમ્યું તેને તો કોઇપણ પ્રકારની માફી ન જ આપી શકાય. એ માની શકાય છે કે શ્રીલંકા માટે છેલ્લા બે થી ત્રણ વર્ષ ખૂબ સંઘર્ષમય રહ્યા છે, પરંતુ તેમ છતાં તે સાવ આ પ્રકારે નબળો દેખાવ કરે એ માની શકાય એમ નથી.

કદાચ આ વર્લ્ડ કપની મેચો ઇંગ્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય વનડે મેચો જે નિયત સમયે શરુ થતી હોય છે તેનાથી અડધો કલાક વહેલી શરુ થતા બોલર્સને શરૂઆતના ભારે વાતાવરણનો લાભ મળતો હોય એ શક્ય છે. વત્તા ટ્રેન્ટબ્રિજની પીચ અને ગઈકાલની સોફિયા ગાર્ડન્સની પીચ પર સારાએવા પ્રમાણમાં ઘાંસ હતું એટલે બોલર્સને એમ પણ વધુ ફાયદો રહેવાનો હતો.

તો શ્રીલંકાના બેટ્સમેનોએ ઉતાવળ કર્યા વગર અને વધારે વિકેટ ગુમાવ્યા વગર જો શરૂઆતની ઓવર્સ જોઈ લીધી હોત તો પછીની ઓવરોમાં બોલ એટલો તો swing કે seam નહોતો થતો જેટલો પહેલી ઓવરોમાં ત્યારે સ્કોરને આગળ વધારીને એટલીસ્ટ સન્માનજનક સ્કોર જરૂર બનાવી શક્યા હોત. પરંતુ કપ્તાન દિમુથ કરુણારત્ને સિવાય કોઇપણ બેટ્સમેને વિકેટ પર ટકી રહીને સ્કોર કરવાની હિંમત દેખાડી નહીં. એવું નથી કે એમ કરવાથી કદાચ મેચનું પરિણામ બદલી શકાયું હોત, પરંતુ તેમ છતાં લડત આપીને મેળવેલા પરાજયની વાત અનોખી હોય છે.

આવી લડત અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને આપી, ભલે તે 15 ઓવર બાકી રહેતા જ હારી ગઈ હતી, તેમ છતાં ઓસ્ટ્રેલિયા સામે 200 રન કરવા એ નાનીસુની ઘટના તો ન જ હતી. પાકિસ્તાન અને શ્રીલંકાની બેટિંગ સાથે અફઘાનિસ્તાનની બેટિંગની સરખામણી કરીએ તો અફઘાનિસ્તાન પર ભલે Minnow નું લેબલ લાગ્યું હોય પરંતુ તે અત્યારસુધીની મેચોમાં તેના એશિયાઈ મિત્રો પાકિસ્તાન કે પછી શ્રીલંકા કરતા તો સારી બેટિંગ કરી જ ગયું છે.

અફઘાનિસ્તાનની ગઈકાલની લડાયક બેટિંગ જોઇને અને શરૂઆતની સારી બોલિંગ જોઇને એટલું તો કહી શકાય કે આ ટુર્નામેન્ટમાં તે એક કે બે ઉલટફેર જરૂર કરી શકે છે.

Preview: સાઉથ આફ્રિકા વિ. બાંગ્લાદેશ, ધી ઓવલ, લંડન

સાઉથ આફ્રિકા ટીમની હાલત ઘવાયેલા સિંહ જેવી છે જ્યારે બાંગ્લાદેશ ટુર્નામેન્ટની તેની પહેલી મેચ રમવા જઈ રહ્યું છે. સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામેની શરમજનક શરણાગતિનો બદલો બાંગ્લાદેશ સામે લે તેવા ઉજળા સંજોગો છે. તો બીજી તરફ બાંગ્લાદેશ માટે ગુમાવવા માટે કશું જ નથી. સાઉથ આફ્રિકન ટીમ જો આત્મશંકા સાથે મેદાનમાં ઉતરશે તો બાંગ્લાદેશની ઓવર ઉત્સાહી ટીમને તેનો લાભ ઉઠાવતા વાંધો નહીં આવે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here