ગુજરાત કોંગ્રેસ: રાહુલજી રાજીનામું ન આપો; ધારાસભ્યો ભાજપથી દૂર રહેજો!

0
249
Photo Courtesy: twitter.com/AmitChavdaINC

ગઈકાલે અમદાવાદમાં મળેલી પ્રદેશ કોંગ્રસની બેઠકમાં એક તરફ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવાની વિનંતી કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના ધારસભ્યો રાજ્યસભાની ચૂંટણીઓ અગાઉ રાજીનામાં ન આપે તેની તકેદારી લેવામાં આવી છે.

Photo Courtesy: twitter.com/AmitChavdaINC

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ કમિટીની ગઈકાલે લોકસભાની ચૂંટણીઓમાં મળેલી હાર પર મનોમંથન કરવા માટે એક બેઠક અમદાવાદ સ્થિત રાજ્ય મુખ્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને એક હુકમ પણ કાનોકાન આપવામાં આવ્યો હતો.

પ્રસ્તાવ અનુસાર ગુજરાત કોંગ્રેસ કમિટીએ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને પોતે પક્ષ પ્રમુખ તરીકે આપેલું રાજીનામું પરત ખેંચવાની સર્વાનુમતે વિનંતી કરવામાં આવી છે. ઠરાવમાં આવનારા દિવસોમાં સંગઠનને રાહુલ ગાંધી સાથે મજબૂત બનાવીને, લોકો વચ્ચે જઈને અને ભાજપ સરકાર સામે લડવાનું પણ વચન આપવામાં આવ્યું છે.

મળતા સમાચાર અનુસાર આ બેઠકમાં લોકસભાની ચૂંટણીઓમાં મળેલી કરારી હાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ મનોમંથનમાં સહુથી મોટો પ્રશ્ન ગુજરાતની દરેક લોકસભા બેઠક પર પક્ષના તમામ ઉમેદવારોને આટલા મોટા માર્જીનથી પરાજય કેમ મળ્યો તે રહ્યો હતો.

આ ઉપરાંત જાણવા અનુસાર આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર ગુજરાત કોંગ્રેસે ગુજરાતના તમામ કોંગ્રેસ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીઓ સુધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પછી ઉપમુખ્યમંત્રી નિતીન પટેલને મળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ હુકમ પાછળ 2017ની રાજ્યસભાની ચૂંટણીઓમાં થયેલી ધમાલને કારણ આપવામાં આવે છે. આ સમયે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ છોડ્યા બાદ તેના અસંખ્ય ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારો જેવા કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને મત આપ્યા હતા અને મામલો છેક અદાલતમાં પહોંચ્યો હતો.

આમ, આ વખતે ગુજરાત કોંગ્રેસ કોઇપણ ચાન્સ લેવા નથી માંગતી એવું લાગી રહ્યું છે. પરંતુ પોતાના ધારાસભ્યોને મુખ્યમંત્રી કે પછી ઉપમુખ્યમંત્રીને મળવા પર પ્રતિબંધ મૂકી દેવાથી તેઓ જનતાના જરૂરી કાર્યો કેમ કરી શકશે તેનો કોઈજ જવાબ ગુજરાત કોંગ્રેસ મોવડીમંડળે આપ્યો નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here