બે દિવસની ઇસ્લામિક સમિટમાં સાઉદી અરેબિયા પહોંચેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અહીંના કિંગ સલમાનને મળતી વખતે તેમનું અપમાન કરી દીધું હતું જે પાકિસ્તાનના અર્થતંત્રની હાલત જોતા તેને ભારે પડી શકે તેમ છે..

રિયાધ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આજકાલ બે દિવસની સાઉદી અરેબિયા યાત્રા પર છે. અહીં તેઓ ઇસ્લામિક સમિટમાં હિસ્સો લેવા માટે આવ્યા છે.
આ યાત્રા દરમ્યાન ઇમરાન ખાન ગઈકાલે સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝને મળ્યા હતા. પરંતુ આ મુલાકાતની શરૂઆતમાં જ ઇમરાન ખાને શુભેચ્છાઓ આપવા અથવાતો પ્રોટોકોલનો અમલ કરવાને બદલે સાઉદી કિંગ સલમાનનું અપમાન કરી દીધું હતું.
ઇમરાન ખાન જ્યારે કિંગ સલમાનને મળ્યા ત્યારે બંને આગેવાનોએ હાથ મેળવ્યા હતા અને ત્યારબાદ કિંગ સલમાને ઈમરાનને કશુંક કહ્યું જેને કિંગ સલમાનની બરોબર બાજુમાં ઉભા રહેલા દુભાષિયાએ ઈમરાનને ભાષાંતરિત કરી આપ્યું હતું. ત્યારબાદ ઇમરાન ખાને કિંગ સલમાનને હાથનો ઈશારો કરતા કશુંક કહ્યું અને દુભાષિયો ઈમરાનની વાતનું ભાષાંતર કરે કિંગ સલમાન તેને સમજીને તેનો પ્રત્યુત્તર આપે તે અગાઉ જ ઇમરાન ખાન ત્યાંથી રવાના થઇ ગયા હતા.
સામાન્ય સમજ એમ કહે છે કે જ્યારે પણ બે રાષ્ટ્રાધ્યક્ષ એકબીજાને મળે ત્યારે તેમનું પૂરતું માન સન્માન જળવાઈ રહેવું જોઈએ. પરંતુ અહીં ઇમરાન ખાન કિંગ સલમાન તેમની વાત દુભાષિયા પાસેથી સમજે તે અગાઉ જ ત્યાંથી જતા રહ્યા હતા જેને રાજદ્વારી સ્તરે અપમાન ગણવામાં આવતું હોય છે.
આમ જુઓ તો ઇમરાન ખાન જ્યારે કિંગ સલમાનના મહેલમાં પ્રવેશ્યા અને કિંગ સલમાન જે જગ્યાએ તેમની રાહ જોઇને ઉભા હતા ત્યાંસુધીની તેમની ચાલ પણ એકદમ કેઝ્યુઅલ કહી શકાય એ પ્રકારની હતી. આ ઉપરાંત તેઓએ કિંગ સલમાન સામે જે રીતે હાથ ઉંચો કરીને વાતચીત કરી તે પણ અતિશય અપમાનજનક લાગી રહ્યું હતું અને ત્યારબાદ તેમણે બે મિનીટ પણ વધુ રાહ જોવાનું મુનાસીબ ન માનીને પોતે કિંગ સલમાનની વાત પ્રત્યે કેટલા ગંભીર હતા તે સાબિત કરી દીધું છે.
જાણવા મળ્યા મુજબ સાઉદી અરેબિયાએ પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તેણે પાકિસ્તાન સરકાર સમક્ષ આ બાબતનો વિરોધ પણ નોંધાવ્યો છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે ચીન અને UAE ઉપરાંત સાઉદી અરેબિયાની લોન પર પણ પાકિસ્તાનનું અર્થતંત્ર નભી રહ્યું છે, આવા સંજોગોમાં પાકિસ્તાની વડાપ્રધાનની આ પ્રકારની વર્તણુંક તેને જ ભારે પડી શકે તેમ છે.
eછાપું