વાચકમિત્રો, ગયા મંગળવારે વાંચ્યું એમ હિંદુત્ત્વના પ્રયોગો કરતાં કરતાં સામ્યવાદીઓની વિરુદ્ધમાં શિવસેના ઊતરી અને કૃષ્ણ દેસાઈ નામના એક નેતાની હત્યા થઈ. હવે આગળ…

કૃષ્ણ દેસાઈ અને પાટકર આ બે સામ્યવાદી નેતાઓ 5 જૂન 1970ની રાત્રે લાલબાગના તાવરીપાડા વિસ્તારમાં રાઈસ મિલ્સ પાસે એક ફોન કરવા માટે ટેલિફોન બૂથ શોધતા હતાં. એ વિસ્તારમાં એ સમયે ઈલેક્ટ્રીસિટી બંધ થયેલી. વીજ પુરવઠો બંધ અને વરસાદ પડતો હોવાથી અંધારું હતું. જ્યારે બંને એક સાંકડી ગલ્લીમાં પ્રવેશ્યાં ત્યારે અચાનક કેટલાક અજાણ્યા માણસોએ હાથમાં શસ્ત્રો લઈને તેમને ઘેરી લીધા. પાટકર કરતાં દેસાઈ ઊંચા પદે હતાં એટલે પાટકરે દેસાઈને આવરી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ હુમલાખોરોની બે તલવારો દેસાઇની છાતીમાં પેંસી ગઈ અને તેઓ ત્યાં જ ભાંગી પડ્યાં.
હુમલાખોરો તો પોતાની બાઈક પર નાસી છૂટ્યા પણ પરેલ અને લાલબાગના લોકો છઠ્ઠી જૂને સવારે ઊઠ્યા તો હાહાકાર મચી ગયો. એવી વાતો ફેલાઈ ગઈ કે સી.પી.આઈ.ના ધારાસભ્યને શિવસેના દ્વારા મારી નાખવામાં આવ્યો છે. દેસાઈની હત્યા માટે ઠાકરે અને તેની પાર્ટીને દોષિત જાહેર કરીને મુંબઈની દરેક ગલ્લી અને શેરીમાં કમ્યુનિસ્ટ પાર્ટીના બ્લેકબોર્ડ્સ મૂકવામાં આવ્યા.
દેસાઈની અંતિમવિધિ દાદરની ચૈત્યભૂમિમાં કરવામાં આવી. અંતિમસંસ્કાર પછી તરત જ લોકોની મિટીંગ બેઠી. ડાબેરી નેતાઓએ ‘રાજકીય ગુંડાગીરી’ને સપોર્ટ કરનારી તત્કાલીન કોંગ્રેસ સરકારને આવા ગુંડાઓને ટેકો આપવા બદલ નિંદા કરી. તે જ દિવસે, બાળાસાહેબ ઠાકરેએ કૃષ્ણ દેસાઈના મૃત્યુને ‘શોકનીય ને કમનસીબ’ કહીને એક નિવેદન આપ્યું. એ નિવેદન માં ઠાકરેએ નકાર્યું કે તેમના પક્ષકારોને દેસાઈની હત્યા સાથે કાંઈ લેવા-દેવા નથી.
18 ઓક્ટોબર, 1970 ના રોજ પરેલ વિધાનસભા દ્વારા યોજાનારી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. સામ્યવાદીઓએ પરિસ્થિતિનો લાભ લઈ કૃષ્ણ દેસાઈની વિધવાને તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં અને બીજા સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ (આર) નો ટેકો લઈ લીધો. પણ હત્યાના આરોપોને લઈને જન સંઘ, સ્વતંત્રતા પાર્ટી, હિંદુ મહાસભા અને કૉંગ્રેસ (ઓ) જેવા જમણેરી પક્ષોને એવી દુવિધા થઈ કે આ વખતની ચૂંટણીમાં શિવસેના સાથે રહેવું કે નહીં.
આ રીતનો ચારે બાજુથી રાજકીય હુમલો થશે એવી અપેક્ષા ઠાકરેને હતી જ. એટલે કોઈ નવાઈ ન લાગી પણ આશ્ચર્ય એ વાતનું થયું કે આ સંદર્ભે પી.એસ.પી.ના નેતા દંડવટેએ ઠાકરેની ખૂબ ટીકા કરી. (આ સિરીઝ નિયમિતપણે વાંચનારા વાચકમિત્રોને ખબર હશે કે પી.એસ.પી.ના દંડવટે એ જ ઠાકરે સાથે પહેલું-વહેલું ગઠબંધન કરેલું અને જીત મેળવેલી.)
કૃષ્ણ દેસાઈની અંતિમવિધિમાં હાજરી આપવા અને શિવસેના-ઠાકરેની વિરુદ્ધમાં ટિપ્પણી કરવા માટે દંડવટેને ટકોર કરતાં ઠાકરેએ ‘માર્મિક’માં લખ્યું: સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દંડવટે જેવા કાગડાએ કેટલીયે વાર સામ્યવાદીઓના જૂતાં અને ચપ્પલના પ્રસાદને ચાખ્યો છે છતાં તેણે દેસાઈની અંતિમવિધિમાં હાજરી આપી. શું તે ભૂલી ગયો કે જ્યારે ડાંગેની રેલીમાં લોકોએ તેની પર ચપ્પલનો વરસાદ કરેલો ત્યારે શિવસેનાએ તેને બચાવ્યો હતો? પી.એસ.પી. સાથેનું આપણું જોડાણ હવે તૂટી ગયું છે. આપણે તેમની સાથે સીધી લડાઈ કરીશું.
આ બધું શરૂ હતું ત્યારે અચાનક લાલબાગ સ્થિત શિવસેના કાર્યકર્તા સદાકાંત ધવનની હત્યા થઈ અને બાળ ઠાકરેએ પી.એસ.પી. પર આ હત્યાનો દોષ મૂક્યો. માર્મિકના એક અંકમાં એવું જણાવાયું કે ધવનના ખૂની એક પી.એસ.પી. કાર્યકર હતા. ડેપ્યુટી ગૃહમંત્રી કલ્યાણરાવ પાટીલે એસેમ્બલીમાં સ્વીકાર્યું કે કૃષ્ણ દેસાઈની હત્યા માટે દોષિત યુવાનોમાંથી 19 શિવસૈનિકો હતા. છતાં વિરોધ પક્ષના નેતાઓએ પૂછ્યું હતું કે શા માટે સરકાર આ હત્યાકાંડના માસ્ટર માઇન્ડને પકડવા માટે કંઈ કરી રહી નથી.
***
શિવસેનાની વિરુદ્ધમાં 13-પક્ષોએ ગઠબંધન કર્યું. 29 સપ્ટેમ્બરના રોજ પરેલના ‘નરે પાર્ક’માં યોજાયેલી એક મોટી રેલીમાં, એસ. ડાંગે (કમ્યુનિસ્ટ પાર્ટી), બાબુરાવ સામંત (સંયુક્ત સમાજવાદી પાર્ટી), સદાનંદ વરદે (પી.એસ.પી.), ટી.એસ. કારખાનીસ (પી.ડબ્લ્યુ.પી.) અને દત્તા દેશમુખ (લાલ નિશાન) જેવા નેતાઓને ગઠબંધનની જાહેરાત કરી અને ‘રાષ્ટ્રવાદી ચળવળ વિરુદ્ધ લોકશાહી દળોનું એકીકરણ’ એ મુદ્દે લોકો સામે પ્રશંસા કરી.
શિવસેનાએ પણ આ ગઠબંધન સામે શો-ડાઉન માટે પોતાની ટીમને તૈયાર કરી. શિવસેનાના ઉમેદવાર વામનરાવ મહાડિક પરેલના કોર્પોરેટર, નાગરિક સુધારણા સમિતિના ચેરમેન અને ઠાકરેના વિશ્વસનીય લોકોમાંના એક હતા. ચૂંટણીની હરીફાઈ ટક્કરની હતી પરંતુ શિવસેનાએ આ ચૂંટણી પણ જીતી લીધી. મહાડિકને 31592 મત મળ્યા, જ્યારે દેસાઈની વિધવાને 29913 મળ્યાં. કમ્યુનિસ્ટ કરતા 1679 મતો વધુ મેળવીને ઠાકરે ખુશ થયાં.
બીજા દિવસે, શિવસેનાએ શિવાજી પાર્કમાં એક વિશાળ વિજય રેલીનું આયોજન કર્યું. ‘जला दो, जला दो,लाल बावटा जला दो’ના સૂત્રોચ્ચારને બદલે ‘जल गया, जल गया, लाल बावटा जल गया’ના સૂત્રો ગૂંજવા લાગ્યા. ઠાકરેએ શિવસૈનિકોને કહ્યું: આ આપણું ધર્મ યુધ્ધ છે. દેશના તે બધા ‘વફાદાર’ લોકોનો નાશ કરવાનો જ શિવસેનાનો ઉદ્દેશ છે. આ કમ્યુનિસ્ટો લોકશાહીની ભાષા સમજતાં નથી એટલે આપણે એમની સાથે ઠોકશાહીનો જ ઉપયોગ કરશું. હું જન સંઘ, આર.એસ.એસ. અને સ્વતંત્રતા પાર્ટીના સમર્થન માટે આભારી છું. હું પોતાને હિન્દુ કહેવડાવામાં કોઈ શરમ અનુભતો નથી. આપણો વિજય એ હિંદુત્વની જીત છે.
સામ્યવાદીઓનો પાવર ઊતરી ગયો અને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રવેશનાર વામનરાવ મહાડિક શિવસેનાના સૌથી પહેલાં સભ્ય બન્યા.
***
બાળ ઠાકરેએ આક્રમક રીતે ‘ઠોકશાહી’ની થિયરી લોકો સમક્ષ મૂકી અને તેને ‘રચનાત્મક હિંસા’ કહીને આગળ વધારી, જે લોકોને ઝડપી ન્યાય અપાવે અને વિકાસને રોકવાવાળા અવરોધરૂપ બનેલા અમલદારશાહીની સમસ્યાઓ દૂર કરશે. વાસ્તવમાં, શિવસેનાના આક્રમક કૃત્યો દ્વારા લોકોને સેવાઓ અને સુવિધાઓના વિતરણની વ્યવસ્થા લોકોને પસંદ પડી. સરકારી ધીમી સુવિધાઓ સામે ઠાકરેની ઠોકશાહી અસરકારક નીવડી.
ઠોકશાહીના બે ઉદાહરણો ખૂબ જ પ્રચલિત થયાં:
પરેલમાં 1970 ની શરૂઆતમાં પાણીની અછત આવી હતી અને લોકોની માંગ હોવા છતાં, બી.એમ.સી.ના વ્હિસે નામના હાઇડ્રોલિક એન્જિનિયરે સ્થાનિક પાઇપલાઇન દ્વારા રહેવાસીઓને ક્રોસ કનેક્શન પૂરું પાડવામાં અસાધારણ વિલંબ કર્યોં. સ્થાનિક લોકો ભડક્યાં પણ વ્હિસેએ તેમની એક વાત ન સાંભળી.તે વિસ્તારના શિવસેના કૉપૉર્ટરેટર વિજય ગાંવકર પાસે સ્થાનિક લોકો ગયાં અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી. ગાંવકર વ્હિસે પાસે ગયા અને આ સમસ્યાનો નિકાલ લાવવાની અરજી કરી. વ્હિસે તાડૂક્યાઃ આટલો બધો અવાજ નહીં કરો. સામે ગાંવકરે જવાબ આપ્યોઃ આ મારું પોતાનું કામ નથી. લોકોનું કામ છે. જો આ કામ તમે તરત નહીં કરો તો મારું મોઢું નહીં પણ હાથ બોલશે. હાઈડ્રોલિક એન્જિનિયરે આ ધમકી પર ધ્યાન ન આપ્યું અને ગાંવકરે ચેતવ્યા હતાં એ પ્રમાણે વ્હિસેને એક વાર ફટકાર્યો. બીજે જ દિવસે પાઈપલાઈન કનેક્શનનું કામ પૂરું થઈ ગયું.
બીજો દાખલોઃ
તે સમયે, ઘરની આવશ્યક કોમોડિટીઝના ભાવો ખૂબ જ વધેલા હતાં. શિવસેનાએ આ ભાવવધારા વિરોધી આંદોલન કર્યું. મોરચો લઈને દક્ષિણ મુંબઈના મહાત્મા ફુલે માર્કેટમાં જઈને ઠાકરેએ વેપારીઓને ચેતવણી આપી હતી કે જો આ રીતના ભાવવધારાથી જરૂરીયાતની કૃત્રિમ અછત વર્તાશે તો શિવસેના તેમની સામે લડવા માટે પોતાની અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરશે.
શિવસેનાની મહિલા વિંગ ‘મહિલા આઘાડી’ આ બાબતે આગળ આવી અને મુંબઇના વિવિધ દુકાનોમાં જઈ ત્રાટકી. જે વેપારીઓએ ડાલડા ઘીની તંગી હોવાનું જણાવ્યું હતું (કારણ કે કેન્દ્ર સરકારે વનસ્પતિ ઘીના દરોમાં વધારો કર્યો હતો) તેમના ગોદામોમાં જઈને છુપાયેલા હજારો ડાલડા ઘીના ડબ્બા બહાર કાઢ્યાં. બહાર કાઢીને શિવસેના દ્વારા તેના પર છાપવામાં આવેલી કિંમતે ડબ્બા વેચવામાં આવ્યા અને હજારો ગૃહિણીઓએ ખરીદવા માટે કતાર લગાડી. છેલ્લે શિવસેનાએ એ પણ જણાવ્યું કે તેમણે વેચાણમાંથી મેળવેલા તમામ નાણાં દુકાનોના માલિકોને સોંપી દીધા હતા, જેમણે ઘીના સ્ટોક પોતાના ગોદામોમાં કરી રાખેલાં.
પડઘો
કોંગ્રેસ (આર) માં આર એટલે Requisition (અધિગ્રહણ)
કોંગ્રેસ (ઓ) માં ઓ એટલે Organisation (સંગઠન)
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13
eછાપું