વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વારાણસીથી ચૂંટાયા ત્યારે તેમણે અહીંના સેવાપુરી ગામની મહિલાઓ માટે એક અનોખી પહેલ શરુ કરી હતી જેના પરિણામો આજે મળી રહ્યા છે.

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતની ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી ફરીથી વધારે બહુમતીથી જીત્યા છે. આ પાછળનું કારણ એ છે કે વડાપ્રધાન મોદીએ પોતાના મતવિસ્તારના જન જનની સુખાકારી માટે ધ્યાન આપ્યું છે.
આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે વારાણસી પાસે આવેલા સેવાપુરી સ્થિત ગાંધી આશ્રમનું. આ ગાંધી આશ્રમ 1946માં શરુ કરવામાં આવ્યો હતો અને 1990માં નાણાંકીય સમસ્યાને લીધે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં સુધી અહીં અગાઉ ખાદી અને ગ્રામોદ્યોગને લગતા કાર્યો થઇ રહ્યા હતા.
પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014માં પદ સંભાળતાની સાથે જ આ બાબત તેમના ધ્યાનમાં આવી અને ત્યારબાદ આશ્રમને ફરીથી શરુ કરવાના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલેકે 17 સપ્ટેમ્બર 2016ના દિવસે રૂ, 20 લાખની કેન્દ્ર સરકારની સહાયથી ફરીથી શરુ કરવામાં આવ્યો.
વારાણસીથી સેવાપુરી ગામ લગભગ 26 કિલોમીટર દૂર આવેલું છે અને તે 12 એકર ભૂમિમાં ફેલાયેલું છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલા અનુદાનથી અહીં 200 સોલર ચરખા 80 સોલર લૂમ, એક આધુનિક સિલાઈ કેન્દ્ર અને મીઠું બનાવવાનું એકમ શરુ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત લિજ્જત પાપડે પણ અહીં તેનું એક એકમ શરુ કર્યું અને સેવાપુરી અને આસપાસની અસંખ્ય મહિલાઓ અહીંથી પાપડ બનાવવા માટેનો કાચો માલ અહીંથી ખરીદીને ઘરે બેઠાં પાપડ બનાવે છે. હવે આ કાર્ય આ દરેક મહિલાને દરરોજ ત્રણસોથી ચારસો રૂપિયાની કમાણી કરાવી આપે છે.

પાપડ બનાવવાનું એકમ અહીં શરુ થતાની સાથે જ આ તમામ મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે. તેઓ કહે છે કે તેમનો દિવસ રાત્રે અઢી વાગ્યે શરુ થાય છે. ત્યારબાદ સેવાપુરી અને બાજુના નેવારા ગામની બસ્સોથી પણ વધુ મહિલાઓ ગાંધી આશ્રમ આવીને પાપડનો લોટ પોતાની સાથે લઇ જાય છે.
લિજ્જત પાપડ આ મહિલાઓને પ્રતિ કિલો 39 રૂપિયા વેતન આપે છે. ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડે પહેલા તેમને પાપડ બનાવવાની તાલીમ આપી હતી અને માત્ર અઢી વર્ષમાં આ તમામ મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે. મહિલાઓને દરરોજ આઠ થી દસ કિલો પાપડનો લોટ અહીંથી આપવામાં આવે છે અને બીજા દિવસે તેઓ પાપડ વણીને અહીં જમા કરી જાય છે.

આ ક્ષેત્રની તમામ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવાનું ભૂલતી નથી.
eછાપું