છૂટાછેડા: માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ‘કામચલાઉ’ છેડો ફાડ્યો

0
247
Photo Courtesy: dnaindia.com

લોકસભાની ચૂંટણીમાં સફાયો થઇ ગયા બાદ આજે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ એક પત્રકાર પરિષદમાં સમાજવાદી પાર્ટી સાથે કામચલાઉ રીતે છેડો ફાડવાની ઘોષણા કરી છે.

Photo Courtesy: dnaindia.com

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે તેમનો પક્ષ હાલપૂરતું સમાજવાદી પાર્ટી સાથે આવનારી ચૂંટણીઓ લડશે નહીં. માયાવતીએ આ પાછળ કારણ આપતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેમના ગઠબંધનની હાર સમાજવાદી પાર્ટીના અમુક નેતાઓને લીધે થઇ હતી.

માયાવતીનું કહેવું હતું કે ગઠબંધન થવા છતાં યાદવ મત જે બેઠકો પર બસપાના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં ટ્રાન્સ્ફર થયા ન હતા. આ પાછળ સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની આળસ તેમજ વર્તન જવાબદાર છે.

માયવતીએ અખિલેશને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ પોતાના નેતાઓના વ્યવહાર અને વર્તનમાં બદલાવ લાવે નહીં તો તેમની પાર્ટીને જ નુકશાન થશે. માયાવતીના કહેવા અનુસાર જ્યાં સુધી સમાજવાદી પાર્ટીના અમુક નેતાઓમાં સુધાર નહી આવે ત્યાં સુધી તેમના પક્ષ સાથે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન નહીં થાય.

માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ અને તેમના પત્ની ડિમ્પલ યાદવ તેમનું બહુ સન્માન કરે છે પરંતુ તેને લીધે ગઠબંધન ટકાવી રાખવું જરૂરી નથી. આવનારી ઉત્તર પ્રદેશની વિધાનસભાની 11 બેઠકો પર થનારી પેટાચૂંટણીઓમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લડશે.

માયાવતીએ સમાજવાદી પાર્ટીની આંતરિક લડાઈ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે ડિમ્પલ યાદવ તેમજ અખિલેશના ભાઈ ધર્મેન્દ્ર યાદવની હાર ઘણું કહી જાય છે અને તેના વિષે અખિલેશ યાદવે આત્મમંથન કરવાની જરૂર છે.

માયાવતીના નિવેદન બાદ અખિલેશ યાદવે પત્રકારો સાથે અનૌપચારિક વાતો કરતા કહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના કોઇપણ નિર્ણયનું તેઓ સન્માન કરે છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે જો માયાવતીએ એકલા જવાનો ફેંસલો કર્યો હોય તો તેનું પણ તેઓ સ્વાગત કરે છે  અને પાર્ટીમાં ચર્ચા કરીને તેઓ પણ પેટાચૂંટણીમાં એકલા લડશે.

ગઈકાલે માયાવતીએ પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કર્યું હતું. આ બેઠક દરમ્યાન જ સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતા સમાચાર અનુસાર માયાવતીએ ખુદ હવેથી એકલે હાથે જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે પત્રકાર પરિષદમાં તેમણે ખુબ સંભાળીને નિવેદન આપ્યા હતા.

લોકસભાની ચૂંટણીનો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે છેક એપ્રિલ મહિનામાં ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 23મી મે એ જ્યારે પરિણામો આવશે ત્યારે આ તકવાદી ગઠબંધન છુટું પડી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here