ખટાશ: હવે ફારુખ અબ્દુલ્લાનું પણ માયાવતીની જેમ એકલા ચાલો રે…

0
320
Photo Courtesy: hindustantimes.com

લોકસભાની ચૂંટણીઓમાં મળેલી કારમી હાર બાદ વિવિધ વિપક્ષો એકબીજા સાથેના ગઠબંધનો તોડી રહ્યા છે અને તે માટે બીજી પાર્ટીને જવાબદાર ગણી રહ્યા છે. માયાવતી બાદ હવે આ યાદીમાં નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લાનું નામ પણ જોડાઈ ગયું છે.

Photo Courtesy: hindustantimes.com

શ્રીનગર: લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષી પાર્ટીઓને જે રીતે જડબેસલાક હારનો સામનો કરવો પડ્યો છે તેનાથી તેમને હવે કળ વળી રહી છે. જો કે હવે આ તમામ પાર્ટીઓ જે એક સમયે મહાગઠબંધનના નામે એકબીજાની મિત્રતાના સોગંદ લઇ રહ્યા હતા તેઓ જ હવે એ મિત્રતાને બીજા ઉપર જવાબદારીનો કળશ ઢોળી દઈને એક પછી એક તોડી રહ્યા છે.

ગઈકાલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવને બાય બાય કરીને આવનારી વિધાનસભાની પેટાચૂંટણીઓ એકલા લડવાની જાહેરાત કરી હતી. હવે જમ્મુ અને કાશ્મીરમાં પણ માયાવતીના નિર્ણયની તર્જ પર ફારુખ અબ્દુલ્લાએ પણ રાજ્યની આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો સાથ છોડીને “એકલા ચાલો રે…” નો રાગ આલાપી દીધો છે.

લોકસભાની ચૂંટણી દરમ્યાન ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીઓ લડી હતી અને ધાર્યા કરતા ઉલટા પરિણામો આવ્યા હતા. ફારુખ અબ્દુલ્લાએ ગઈકાલે એક ન્યૂઝ ચેનલ સાથે કરેલી ચર્ચામાં પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

ફારુખ અબ્દુલ્લાનો આ નિર્ણય જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ પ્રવક્તા રવિન્દ્ર શર્માએ નેશનલ કોન્ફરન્સની આકરી ટીકા કર્યા બાદ આવ્યો છે. રવિન્દ્ર શર્માએ જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીની હારની સંપૂર્ણ જવાબદારી નેશનલ કોન્ફરન્સ પર નાખી દેતા આરોપ મુક્યો હતો કે નેશનલ કોન્ફરન્સના નેતાઓએ રાજ્યમાં કોંગ્રેસી ઉમેદવારો માટે પ્રચાર કર્યો ન હતો.

તો નેશનલ કોન્ફરન્સના નેતા અનિલ ધરે આ આરોપોને વાહિયાત ગણાવતા કહ્યું હતું કે રાજ્ય અને દેશમાં કોંગ્રેસની હારની જવાબદારી રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ ચાલી રહેલી ખુદ કોંગ્રેસ પાર્ટીની જ છે. ફારુખ અબ્દુલ્લાએ વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાની પાર્ટી એકલેહાથે જ લડશે તેવી જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે સ્થિર, મજબુત અને લોકભોગ્ય સરકાર જ રાજ્યની સમસ્યાઓનો અંત આણી શકશે.

બીજી તરફ ચૂંટણી પંચે ગઈકાલે એવા સંકેત આપ્યા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા બાદ વિધાનસભાની ચૂંટણીઓ હાથ ધરાઈ શકે છે. અમરનાથ યાત્રા આ વર્ષે ઓગસ્ટમાં રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.

એવી શક્યતાઓ છે કે ચૂંટણી પંચ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની યોગ્ય ચકાસણી કર્યા બાદ વર્ષના અંતે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આયોજીત કરી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here