મજબુરી: દેશની આર્થિક બેહાલી જોતા પાકિસ્તાની સેનાએ અભૂતપૂર્વ નિર્ણય લીધો

0
289
Photo Courtesy: suchtv.pk

પાકિસ્તાનમાં મોંઘવારી કુદકેને ભૂસકે વધી રહી છે, આ ઉપરાંત IMF, આરબ દેશો અને ચીન દ્વારા આપવામાં આવેલી લોનનું કમ્મરતોડ વ્યાજ પણ આર્થિક બેહાલીમાં ઉમેરો કરી રહ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાની સેનાએ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે.

Photo Courtesy: suchtv.pk

ઇસ્લામાબાદ: ભલે IMFએ પાકિસ્તાનને શરતી લોન આપી હોય, ભલે આરબ દેશો તેમજ ચીને પાકિસ્તાનને આર્થિક મદદ કરી હોય પરંતુ પાકિસ્તાનની આર્થિક પરીસ્થિતિ સુધારવાથી કિલોમીટરના કિલોમીટર દૂર છે. આથી પાકિસ્તાન સરકારે હવે પોતે જ ખર્ચ ઓછો કરવાના નિર્ણયો લેવા માંડ્યા છે જેમાં હવે તેની સેના પણ સામેલ થઇ છે.

આમ તો પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર એ પાકિસ્તાની સેનાની કઠપૂતળી જ છે આથી તે સીધી રીતે સેનાને પોતાના ખર્ચમાં કપાત મુકવાની સલાહ આપવાની હિંમત પણ કરી શકતી નથી. પાકિસ્તાની સેનાને લીધે જ આજે ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા છે તે પણ કડવી હકીકત છે.

આથી પાકિસ્તાની સેનાએ જાણેકે સરકાર પર ઉપકાર કરતી હોય તે રીતે પોતાના ખર્ચમાં જાતેજ કપાત મુકવાની જાહેરાત કરી છે જેને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને Tweet કરીને વધાવી લીધી છે. ઇમરાન ખાને સેનાની ખર્ચ કપાત જાહેરાતનું સ્વાગત કરતા લખ્યું છે કે બચેલા નાણા સરકાર બલુચિસ્તાન અને કબાઈલી વિસ્તારોના વિકાસ માટે ખર્ચ કરશે.

ઉપરોક્ત જાહેરાત બાદ પાકિસ્તાની પ્રજામાં ક્યાંક દેશની સુરક્ષા અંગે સંશય ઉભો ન થાય તેના ડરથી પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે પણ Tweet કરીને કહ્યું હતું કે આ ખર્ચ કપાતથી દેશની સુરક્ષા પર કોઈજ અસર નહીં થાય. ગફુરે કહ્યું હતું કે સેના કોઇપણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે પાકિસ્તાનની સેના પોતાના ખર્ચમાં કેટલા ટકા કપાત મુકશે. વર્ષ 2018માં પાકિસ્તાની સેનાનો કુલ ખર્ચ 11.4 અબજ અમેરિકન ડોલર્સ રહ્યો હતો જે તેના કુલ બજેટના 4% જેટલો હતો.

પાકિસ્તાનસેના અને સરકારના આ નિર્ણય પાછળનું કારણ એ છે કે તેણે ચીન પાસેથી બહુ ઊંચા વ્યાજદરે લોન લીધી છે અને હવે તે તેની જાળમાં ફસાઈ ગયું છે. હવે પાકિસ્તાનને ચીન સાથેની દોસ્તી ભારે પડી રહી છે.

પાકિસ્તાનનું કુલ દેવું અને તેના GDP વચ્ચેની સરેરાશ 70 ટકા સુધી પહોંચી ગઈ છે કારણકે ચીને તેને બેતૃત્યાંશ જેટલી લોન સાત ટકા જેટલા ભારે વ્યાજ પર આપી છે. આ ઉપરાંત આતંકવાદ અને આર્થિક બદહાલી એટલી બધી છે કે પાકિસ્તાનમાં કોઈ વિદેશી કંપની રોકાણ કરવા માટે પણ તૈયાર નથી.

પાકિસ્તાનમાં મોંઘવારી દર છેલ્લા ઘણા વર્ષોથી સતત વધી રહ્યો છે જે આવનારા નાણાકીય વર્ષમાં વધીને 14 ટકા જેટલી થશે તેમ IMFની આગાહી છે. પુલવામા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના વ્યાપારી સંબંધો બંધ કરી દેતા અહીં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here