CWC 19 | M 7 | શ્રીલંકાને હાશકારો; અફઘાનિસ્તાને તક ગુમાવી

0
274
Photo Courtesy: twitter.com/ICC

ભલે વરસાદે આ મેચમાં ઓવર્સની સંખ્યા ઘટાડી દીધી હોય, ભલે મેચનું પરિણામ શ્રીલંકાને આરામદાયક વિજય મળ્યો હોય એવું દેખાડતું હોય, પરંતુ ખરેખર તો આ બંને ટીમો માટે આ મેચમાં એક સંદેશ છુપાયેલો છે.

Photo Courtesy: twitter.com/ICC

ક્રિકેટની રમતને કેમ ‘અનિશ્ચિતતાઓની ભવ્ય રમત’ કહેવામાં આવે છે તેનો પરચો આ મેચમાં જોવા મળ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે શરમજનક શરણાગતિ બાદ શ્રીલંકાના ઓપનર્સે અફઘાનિસ્તાન સામેની આજની મેચમાં ઝડપી અને આક્રમક શરૂઆત ટીમને આપી હતી. છેક 21મી ઓવર સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું અને એવું લાગતું હતું કે શ્રીલંકા પણ આજે 300 ઉપરનો સ્કોર કરી જશે.

પરંતુ કદાચ એ 300 રનના લક્ષ્યને ધ્યાનમાં લઈને જ કે પછી અફઘાનિસ્તાનની બોલિંગ હવે કોઈજ કમાલ નહીં કરી શકે તેવી ધારણા સાથે શ્રીલંકાના બેટ્સમેનોએ અચાનક જ લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ પર ધ્યાન આપવાને બદલે સીધું લક્ષ્ય પર જ આક્રમણ કરવાનું વિચાર્યું અને મોહમ્મદ નબીની એક જ ઓવરમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી.

અચાનક દબાણમાં આવી ગયેલા શ્રીલંકનો હવે ગમેતેમ કરીને મોટો સ્કોર કરવા માટે મરણીયા થયા હોય એ રીતે શોટ્સ લગાવવા લાગ્યા અને પરિણામે જે સ્કોર સુધી તેમની પહોંચવાની આશા હતી તે શક્ય ન બન્યું. શ્રીલંકન ટીમ છેલ્લા ઘણા વર્ષથી પુનરાગમન કરવાની કોશિશ કરી રહી છે પરંતુ જો આ જ રીતે તે ફોકસ છોડીને રમશે તો તેનું એ પુનરાગમન આગળ ને આગળ જ ઠેલાતું જશે.

વચ્ચે વરસાદે પણ વિઘ્ન નાખ્યું હતું અને પરિણામે ઓવરો ઘટાડી દેવામાં આવી તેમ છતાં શ્રીલંકા એ ઘટાડેલી ઓવરો પણ પૂરી કરી શક્યું નહીં. તેમ છતાં તેમણે જે કોઈ પણ સ્કોર ઉભો કર્યો હતો તેની સાથે લડી શકાય તેમ તો હતું જ. કારણ એક જ હતું કે અફઘાનિસ્તાનની ટીમનો આ કક્ષાએ રમવાનો ઓછો અનુભવ તેમને મદદરૂપ થાય એમ હતું.

અને થયું પણ એમ જ. શરૂઆતની ફટકાબાજી બાદ અફઘાનિસ્તાન બેટ્સમેનો પણ શ્રીલંકાની સચોટ બોલિંગ, ખાસકરીને લસિથ મલિંગા અને નુવાન પ્રદિપની બોલિંગ સામે ખાસ કશું ઉકાળી શક્યા ન હતા. વળી ભારે વાતાવરણમાં બોલ પણ થોડો ઘણો સ્વિંગ થઇ રહ્યો હતો જે અફઘાનો માટે થોડું વધુ પડતું હતું.

એક રીતે જોવા જઈએ તો શ્રીલંકાએ આ મેચ માંડમાંડ બચાવી છે તો બીજી તરફ અફઘાનિસ્તાનના ઓછા અનુભવે તેમના માટે આ એક મોટી તક ગુમાવી દેવા જેવું કર્યું હતું. એવું નથી કે જો પૂરેપૂરી પચાસ ઓવર્સ રમાઈ હોત તો શ્રીલંકાએ સારી શરૂઆત કર્યા બાદ સારો ટોટલ ઉભો કર્યો હોત, પરંતુ જે રીતે 21મી ઓવરની આસપાસ ‘અફઘાનિસ્તાનને હવે દેખાડી દઈએ’ એવો એટીટ્યુડ જ્યારે તેમણે દેખાડવાની શરૂઆત કરી ત્યારે તેમના પતનની શરૂઆત થઇ  હતી.

આ મેચની એક જ ફલશ્રુતિ છે અને એ છે કે શ્રીલંકા જે રાખમાંથી ઉભું થઇ રહ્યું છે અને અફઘાનિસ્તાન જે હજી પણ આ સ્તર માટે નવું નવું છે, આ બંને એ હજી ઘણું શીખવાનું બાકી છે.

Preview: ભારત વિ. સાઉથ આફ્રિકા, રોઝ બાઉલ, સાઉથહેમ્પટન

IPL પત્યાને પંદર દિવસ પૂર્ણ ન થયા હોવાથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ભારત અત્યાર સુધી વર્લ્ડ કપની એક પણ મેચ રમી શક્યું ન હતું. વર્લ્ડ કપ શરુ થયાના છેક સાતમાં દિવસે ટીમ ઇન્ડિયા પોતાનું વર્લ્ડ કપ અભિયાન શરુ કરવા જઈ રહી છે. સાઉથ આફ્રિકા ઓલરેડી પોતાની બંને મેચો હારી ગયું છે અને ડેલ સ્ટેન અને લુંગી ન્ગીડી જેવા તેના બે-બે મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર્સ ઈજાગ્રસ્ત છે. આ સંજોગોમાં ભારત જે ફ્રેશ છે અને સાઉથ આફ્રિકા જેનો આત્મવિશ્વાસ બે ઘોર પરાજય બાદ તળીયે છે તેમાંથી કઈ ટીમ જીત માટે ફેવરીટ છે તે નક્કી કરવું જરાય અઘરું નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here