કભી હાં કભી ના: ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનનો નિર્ણય ફેરવી તોળ્યો

0
320
Photo Courtesy: twitter.com/BhupendraSinh1

આજની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારે પોતાના અગાઉના નિર્ણયને ફેરવી તોળતા નવરાત્રી, દિવાળી તેમજ ઉનાળુ વેકેશન અંગે તેમજ  નવા એકેડેમિક વર્ષ અંગે પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે.

Photo Courtesy: twitter.com/BhupendraSinh1

ગાંધીનગર: અગાઉ નવરાત્રી દરમ્યાન સંપૂર્ણ વેકેશન પાડવાના પોતાના જ નિર્ણયને ગુજરાત સરકારે આજે ફેરવી તોળ્યો હતો. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ વર્ષે નવરાત્રીનું વેકેશન ન પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉની જાહેરાત અનુસાર નવરાત્રી અને દિવાળી વેકેશનો 10-10 દિવસનું રાખવામાં આવ્યા હતાં. પરંતુ આજના નિર્ણય બાદ દિવાળી વેકેશનને ફરીથી 21 દિવસનું કરી દેવામાં આવ્યું છે. અત્રે એ નોંધનીય છે કે હજી ગયે વર્ષે ગુજરાતના ઇતિહાસમાં બીજીવાર નવરાત્રીમાં પણ રાજ્યની શાળા કોલેજોમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું છે કે કેબિનેટે આ મુદ્દે લંબાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ આ વર્ષે નવરાત્રી વેકેશન રદ્દ કરવા ઉપરાંત આ વર્ષનું ઉનાળુ વેકેશન ન લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગયે વર્ષે નવરાત્રી વેકેશન જાહેર થયા બાદ રાજ્યની અસંખ્ય સ્કુલોએ રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરવા ઉપરાંત તેની અવગણના પણ કરી હતી. ખાસકરીને આ વિરોધ સુરતની શાળાઓમાં જોવા મળ્યો હતો જેમની દલીલ હતી કે કાપડ અને હીરાના કારીગરો દિવાળીમાં પોતાના વતન એક મહિના માટે જતા હોય છે તેમને રાજ્ય સરકારના આ નિર્ણયથી તકલીફ પડશે. આ શાળાઓએ નવરાત્રીમાં પણ પોતાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખ્યું હતું અને દિવાળી વેકેશન 21 દિવસનું રાખ્યું હતું.

આ નિર્ણયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયે વર્ષ 2019-20ના વર્ષ માટે એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કર્યું હતું. જે અનુસાર પ્રથમ સ્તરમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય તેમજ બીજા સ્તરમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરુ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here