સ્પષ્ટતા: બિશકેકમાં મોદી અને ઇમરાનની બેઠક અંગે વિદેશ મંત્રાલયનો ખુલાસો

0
290
Photo Courtesy: dawn.com

આ મહીને કિર્ગીસ્તાનના બિશકેકમાં મળનારી SCOની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરશે કે કેમ તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે.

Photo Courtesy: dawn.com

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે આજે કિર્ગીસ્તાનના પાટનગર બિશકેકમાં 13 અને 14 જૂને મળનારી શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની દ્વિપક્ષીય બેઠક અંગે ચાલી રહેલી અટકળો પર ખુલાસો કર્યો છે.

આજે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, “જ્યાં સુધી મને ખબર છે, વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે SCO સમિટમાં દ્વિપક્ષીય વાર્તાલાપની કોઈજ યોજના નથી.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત સત્તા સંભાળવા સાથે જ ભારત અને પાકિસ્તાનના મિડીયામાં બંને દેશો વચ્ચે જામેલો બરફ  બિશકેકમાં ઓગળશે તેવી અટકળો વહેવાની શરુ થઇ ગઈ હતી. ખાસકરીને પાકિસ્તાની મિડીયામાં આ બેઠકને અત્યંત ઉત્સાહપૂર્વક મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી મુદતની શપથવિધિના આગલે દિવસે જ eછાપુંએ એક લેખમાં  સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની બેઠક આયોજિત થાય તેવી કોઈજ શક્યતાઓ નથી. આ શપથવિધિમાં BIMSTECના આગેવાનો સાથે કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ પણ હિસ્સો લીધો હતો અને શપથવિધિ પૂર્ણ થયા બાદ તરતજ તેમણે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

eછાપુંના એ લેખમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે કિર્ગીસ્તાન હાલમાં SCOનું ચેરમેન હોવાથી તેમજ અહીંની સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની હાજરી હોવાથી વડાપ્રધાન મોદી અગાઉથી જ કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિને મળીને યજમાન દેશ તરીકે પોતે ઇમરાન ખાનને મળવા નથી માંગતા તે પ્રકારનો સંદેશ આપી દેશે.

આ સમિટમાં મોદી અને ખાન મળશે તે અટકળને ત્યારે પણ હવા મળી હતી જ્યારે આજે સવારે પાકિસ્તાનના ફોરેન સેક્રેટરી સોહેલ મહમૂદ ત્રણ દિવસની ભારત યાત્રાએ આવ્યા હતા. આજે સોહેલ મહેમૂદે દિલ્હીની જામા મસ્જીદમાં ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે નમાજ અદા કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ યાત્રા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સોહેલ મહેમૂદ વ્યક્તિગત યાત્રાએ ભારત આવ્યા છે અને તેમની સાથે આધિકારિક વાર્તાલાપ કરવાની ભારતની કોઈજ યોજના નથી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીએ ભારતના જવાનોને એક આત્મઘાતી હુમલામાં શહીદ કર્યા હતા. ત્યારબાદથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાનું વલણ કડક કર્યું હતું અને તેના પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મુક્યા હતા.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાને છુટ્ટો દોર આપતા વાયુસેનાએ પાકિસ્તાનમાં છેક ઊંડે જઈને બાલાકોટમાં આવેલા જૈશના સહુથી મોટા આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કરી તેને ઉડાવી દીધો હતો.

ત્યાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઘણીવાર ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસકરીને જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે પુનઃ ચૂંટાઈ આવ્યા ત્યારે પણ ઇમરાન ખાને તેમને ફોન કરીને ક્ષેત્રની બહેતરી માટે સાથે મળીને કામ કરવાની ઓફર કરી હતી.

પરંતુ હજી સુધી ભારતે નમતું જોખ્યું નથી અને એવામાં SCO ખાતે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષ દ્વિપક્ષીય ચર્ચા કરે તે અશક્ય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here