રેસિપી: ચટપટા મુંબઈ ક્વીઝીનની બે ચટપટી વાનગીઓ એટલે…

0
321
Photo Courtesy: YouTube

મુંબઈના મોહ ઉપરાંત અહીંની વાનગીઓ પણ અનેરું આકર્ષણ ધરાવે છે. મુંબઈમાં આમતો અસંખ્ય ચટપટી વાનગીઓ ખાવા મળશે પરંતુ અહીં આપણે બે અનોખી બમ્બૈયા વાનગીઓની રેસિપી જાણીશું અને શીખીશું.

મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની હોવા ઉપરાંત દેશની આર્થિક રાજધાની પણ છે, પરિણામે આ શહેર કોસ્મોપોલીટન સીટી – પચરંગી શહેર છે, પરિણામે એનું ક્વીઝીન પણ પચરંગી છે. આ ક્વીઝીન તેના રીચ સ્વાદ તેમજ ચટપટા અને પ્રભાવશાળી ફ્લેવર્સને પોષે છે, પછી ભલે ને એ શાકાહારી ખાનપાન હોય કે માંસાહારી. મુંબઇનું ક્વીઝીન રસપ્રદ છે, તે ઓથેન્ટિક વાનગીઓ અને ચટપટી સીફૂડ વાનગીઓનો બહોળો ભાગ આવરી લે છે. અહીંના સ્થાનિકોના સ્ટેપલ ફૂડમાં ચોખા, સુગંધિત ફીશ કરી, ચપાતી અથવા તો રોટલી, વેજીટેબલ કરી અને કઠોળનો સમાવેશ થાય છે. નારિયેળ, કાજુ, મગફળી અને મગફળીના તેલ મુંબઇની ઘણી પરંપરાગત વાનગીઓમાં મુખ્ય ઘટકો છે.

મુંબઈ એક દરિયાઈ શહેર છે, ઉપરાંત આ શહેરનો માછીમારી વ્યવસાયનો ઈતિહાસ ખૂબ જુનો છે, કેમકે અહીના મૂળ વતનીઓ ‘કોળી’ એટલે કે માછીમાર જ છે. આ કારણોસર, સીફૂડ ખાણીપીણીના એક આવશ્યક અને મહત્વના ભાગ રૂપે સામે આવે છે. સ્વાદિષ્ટ સીફૂડ વાનગીઓની વિશાળ  શ્રેણી પીરસતા મુંબઇ માં પુષ્કળ સીફૂડ રેસ્ટોરાં છે .

આ શહેર તેની અત્યંત વ્યસ્ત સ્ટ્રીટ્સ પર, વિવિધ સ્ટોલ્સ પર વેચતા તેના સ્વાદિષ્ટ ચાટ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીના સ્ટોલ્સ ચટપટા ફાસ્ટ ફૂડસ અને લોકલ સ્નેક્સ માણતા પચરંગી લોકોથી ઉભરતા હોય છે. આ ઉપરાંત આ શહેરમાં અનેક કોન્ટીનેન્ટલ રેસ્ટોરાં પણ છે, જો તમે અહીંની પરમ્પરાગત વાનગીનો સ્વાદ ન પચાવી શકતા હોવ તો!

અહી અમુક વાનગીઓ એવી છે જેના વગર સ્થાનિકોને ચાલે તેમ નથી. આ શહેરની વિશિષ્ટતા ગણાય એવી વાનગીઓમાં વેજીટેબલ પુલાવ, મસાલા ભાત, પાલક્ચી ભાજી, કાંદા પોહા, બટાટ્યે ચે કાપ, મુંબઈ તવા પુલાવ વગેરે છે.

મીઠાઈ અને ડીઝર્ટ્સ વાત કર્યા વગર તો આપણાથી કઈ રીતે છુટા પડાય?  મુંબઈની પોપ્યુલર મીઠાઈઓમાં મોદક, પૂરણ ચી પોલી, આમ રસ તેમજ ચીરોટાનો સમાવેશ થાય છે. ચોપાટી અને અન્ય જગ્યાઓ પર મળતી ડ્રાયફ્રુટ કુલ્ફી એ એના પોતાનામાં જ એક વિશિષ્ટ વસ્તુ છે. આ તો થઇ પરમ્પરાગત મીઠાઇની  વાત, આ ઉપરાંત આજે હવે અહી વિવિધ દેશોના સ્વાદિષ્ટ ડિઝર્ટ્સ, જેમકે બ્રાઉની, ચીઝકેક અને મેક્રોન્સ એકદમ સરળતાથી મળે છે, એટલું જ નહિ પરંતુ અહીની અમુક જગ્યાઓ દેશભરમાં આના માટે પ્રખ્યાત પણ છે.

આજે આપણે  મુંબઈની બે વાનગીઓ તવા પુલાવ અને બટાટા  ચે  કાપ જોઈશું.

તવા પુલાવ

Photo Courtesy: YouTube

સામગ્રી:

1 કપ બાસમતી ચોખા

1 મધ્યમ મરચું / લીલા કેપ્સીકમ,સમારેલા

2 મોટા ટમેટાં, સમારેલી

1 મધ્યમ ડુંગળી, સમારેલી

1 tsp આદુ લસણની પેસ્ટ

¼ tsp લાલ મરચું પાવડર

¼ tsp હળદર પાવડર

2 tsp પાવ ભાજી મસાલા અથવા જરૂરી ઉમેરો

½ tsp જીરું

2 tbsp માખણ અથવા તેલ અથવા બંને અડધા અડધા

1 મધ્યમ ગાજર, બાફીને  સમારેલું

1 મધ્યમ બટાકા, બાફીને સમારેલું

½ કપ લીલા વટાણા, બાફેલા

½ tsp લીંબુનો રસ

થોડા સમારેલી કોથમીરના પાંદડા

મીઠું જરૂર મુજબ

રીત:

 1. ચોખાને પલાળી, ધોઈ ને ચાર કપ ઉકળતા પાણીમાં તેલ અને મીઠું ઉમેરી પકવી લો.
 2. એક કડીમાં બટરને પીગળવા દો. ત્યારબાદ તેમાં જીરું ઉમેરો અને તે રંગ નાં બદલે ત્યાંસુધી શેકવા દો.
 3. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને એ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
 4. તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
 5. તેમાં સમારેલા ટામેટા અને કેપ્સીકમ ઉમેરો અને હલાવો.
 6. તેમાં મસાલા – હળદર પાવડર, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો અને બરાબર ભેળવો.
 7. મિશ્રણમાંથી બટર છુટું પડે ત્યાંસુધી સાંતળો.
 8. તેમાં બટાકા, ગાજર અને વાતના ઉમેરો અને મીઠું ઉમેરી ભેળવી દો.
 9. પકવેલા ચોખાને ઉમેરી બરાબર ભેળવી દો.
 10. લીંબુનો રસ ઉમેરી, કોથમીર વડે સજાવી, રાયતા અને પાપડ જોડે સર્વ કરો.

બટાટ્યે ચે કાપ 

Photo Courtesy: YouTube

સામગ્રી:

1 મોટું બટાટું,

હળદર પાવડર,

મરચું પાવડર,

1/2 tsp હિંગ,

1 tsp ધાણા પાઉડર,

1 tsp જીરું પાવડર,

થોડું તેલ,

મીઠું સ્વાદમુજબ

રીત:

 1. બટાટાને ધોઈ તેની છાલ કાઢી પાતળા સ્લાઈસમાં તેમને કાપો.
 2. 10 મિનિટ માટે મીઠું નાખેલા પાણીમાં આ સ્લાઈસને પલાળી રાખો. સ્લાઈસને નીતારી દઈ, કિચન ટોવેલ પર બરાબર સૂકવો.
 3. એક પ્લેટમાં ધાણા અને જીરું પાવડર, હળદર પાવડર, હિંગ, મરચું પાવડર અને મીઠું મિક્સ કરો. પાણી ન ઉમેરો.
 4. એક તવી કે છીછરી કડાઈ ગરમ કરો તેમાં થોડું તેલ ઉમેરો.
 5. દરેક બટાકાની સ્લાઇસને તૈયાર મસાલામાં બોળવું  . બંને બાજુઓ પર મિશ્રણ બરાબર લાગે છે તે ધ્યાન રાખવું.
 6. ત્યારબાદ સ્લાઈસને તવી કે કડાઈમાં શેકવા માટે મુકવી.
 7.  નીચેની બાજુ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આંચને ધીમા તાપે કરી ને સ્લાઈસને સાચવી રહીને પલટો.  જરૂર લાગે તો થોડું તેલ ઉમેરો. બીજી બાજુ પણ ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન થાય એટલું પકાવી લો.
 8. આંચ પરથી ઉતારી કોઈપણ સમયના ભોજન સાથે કે એમ જ સાંજના સ્વાદિષ્ટ નાસ્તા તરીકે ચા સાથે માણો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here