CWC 19 | M 8 & 9 | રોહિતની ધીરજ અને મુશ્ફિકુરની ઉતાવળ રહી હાઈલાઈટ્સ

0
138
Photo Courtesy: twitter.com/cricketworldcup

ગઈકાલે વર્લ્ડ કપ 2019ની બંને મેચોમાં ક્રિકેટના બે અંતિમો જોવા મળ્યા હતા. એક તરફ રોહિત શર્માના ધૈર્યએ ભારતને આરામથી મેચ જીતાડી દીધી હતી તો બીજી તરફ મુશ્ફિકુર રહીમની ઉતાવળે બાંગ્લાદેશના પરાજયમાં મોટો ફાળો આપ્યો.

Photo Courtesy: twitter.com/cricketworldcup

વનડે ક્રિકેટ ભલે ક્રિકેટના બે ફાસ્ટ ફોરમેટ્સમાંથી એક હોય પરંતુ અહીં પણ ધૈર્ય અને માનસિક હાજરીની અત્યંત જરૂર તો હોય જ છે. ગઈકાલની બંને મેચોમાં આ જરૂરિયાતના બે વિરુદ્ધ ઉદાહરણો જોવા મળ્યા હતા. સહુથી પહેલા આપણે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ વિષે વાત કરીએ.

સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની પોતાની શરૂઆતની બંને મેચો હારી ગયું હતું એટલે તેના માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી, જ્યારે ભારત ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ રમી રહ્યું હતું એટલે તેના માટે પણ વિજયી શરૂઆત અત્યંત જરૂરી હતી. પરંતુ મેદાન પર જીત મેળવવા માટે પોતપોતાની રણનીતિ સાથે કોણ સહુથી વધુ તૈયાર હતું તે બંને ટીમોની રમત પરથી સ્પષ્ટ થઇ ગયું હતું.

સાઉથ આફ્રિકાની ટીમ સતત બે હાર અને પોતાના બે મહત્ત્વના બોલર્સની ઈજાના માનસિક આઘાતમાંથી બહાર ન આવ્યું હોય એવું લાગી રહ્યું હતું. પહેલા જસપ્રીત બુમરાહની ધારદાર ફાસ્ટ બોલિંગ અને બાદમાં યુઝવેન્દ્ર ચાહલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગની જાળમાં સાઉથ આફ્રિકાના બેટ્સમનો સતત ફસાતા ચાલ્યા અને વિકેટો ગુમાવતા રહ્યા. આ તો ભલું થજો ક્રિસ મોરીસનું, એન્ડીલે પ્હેલુકવાયો તેમજ કાગિસો રબાડાનું કે જેમણે સ્કોરને 200 ઉપર પહોંચાડ્યો નહીં તો સાઉથ આફ્રિકાને પ્રથમ બે પરાજય કરતા પણ મોટા પરાજયનો સામનો કરવાનો હતો તે નક્કી જ હતું.

227નો ટાર્ગેટ કોઈ હિસાબે ભારતની બેટિંગ લાઈનઅપ સામે પૂરતો ન કહી શકાય. જો કે પીચ પર બોલ seam થતો હતો અને ક્યારેક ક્યારેક અટકતો પણ હતો આથી સાઉથ આફ્રિકાએ ભારતની વિકેટો સતત લેવી જરૂરી બની હતી. સાઉથ આફ્રિકાને શિખર ધવન અને કેપ્ટન કોહલીના રૂપમાં એ વિકેટો મળી પણ ખરી, પરંતુ સામે છેડે રોહિત શર્માએ અદભુત ધૈર્ય દેખાડતા ભારત ક્યારેય દબાણમાં ન આવ્યું.

ધવન, કોહલી અને લોકેશ રાહુલની વિકેટો ગુમાવ્યા છતાં એક બાબત તો સ્પષ્ટ હતી જ કે જો ભારતના બેટ્સમેનો પૂરી 50 ઓવર રમશે તો તેઓ જીતી જશે. રોહિત શર્માને મહેન્દ્ર સિંગ ધોનીએ યોગ્ય સપોર્ટ કર્યો અને આ બંનેએ ટીમ જીતની નજીક ન પહોંચી જાય ત્યાં સુધી આઉટ ન થઈને ડ્રેસિંગરૂમને તાણમુક્ત રાખ્યો.

ભારતની બોલિંગ શરુ થઇ ત્યારથી તેના મેચ જીતવા સુધી એવી એક પણ ઘડી એવી ન હતી આવી જ્યારે એમ લાગ્યું હોય કે ભારત કદાચ આ મેચ નહીં જીતી શકે. સાઉથ આફ્રિકાની ટીમનું મનોબળ અત્યારે એકદમ નબળું છે એટલે કદાચ તેનો લાભ પણ ભારતને મળ્યો છે અને આવનારી મેચો તેના માટે વધારે કઠીન સાબિત થવાની છે એ પણ નક્કી જ છે. પરંતુ આ મેચના હીરો રોહિત શર્માની મેચ્યોર ઇનિંગને તો આપણે સો સલામ કરવી જ પડે.

તો બીજી તરફ બાંગ્લાદેશના કાયમી અતિઉત્સાહી વિકેટકીપર અને પૂર્વ કપ્તાન મુશ્ફિકુર રહીમની ઉતાવળ વિષે જેટલા શબ્દો લખીએ એટલા ઓછા છે. પહેલા તો બાંગ્લાદેશે ઓવલની સપાટ બેટિંગ પીચ પર 250થી પણ ઓછો સ્કોર કરીને પોતાના પર મુસીબત વધારી દીધી હતી. ત્યારબાદ જ્યારે ન્યુઝીલેન્ડ માત્ર 62 રન પર 2 વિકેટ્સ ગુમાવી ચૂક્યું હતું ત્યારે મુશ્ફિકુરે એક એવી તક ગુમાવી હતી જે કદાચ છેવટે બાંગ્લાદેશને આ વર્લ્ડ કપની સેમીફાઈનલથી દૂર કરી દેશે.

મુશ્ફિકુર રહીમે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનના એક આત્મઘાતી રન લેવાના પ્રયાસમાં બોલને ગેધર કરી અને બેલ્સ ઉડાડવાની ઉતાવળ કરવામાં પોતાની કોણીથી પહેલા જ સ્ટમ્પ હલાવી દઈને બેલ્સ ઉડાવી દીધા અને પરિણામે વિલિયમ્સન નોટ આઉટ ઘોષિત થયો. આ સમયે વિલિયમ્સન માત્ર 8 રન પર હતો અને બાદમાં તેણે 40 રન પણ બનાવ્યા અને રોસ ટેલર સાથે મળીને 105 રનની પાર્ટનરશીપ પણ કરી. જો કે તેમ છતાં આ મેચ અત્યંત રસપ્રદ બની હતી અને ન્યુઝીલેન્ડને પણ મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને છેવટે તે 2 વિકેટે જીતી ગયું હતું.

ક્રિકેટ માં ‘જો’ અને ‘તો’ ને કોઈજ સ્થાન નથી હોતું પરંતુ તેમ છતાં મુશ્ફિકુર રહીમની ઉતાવળે તેની ટીમની હારમાં મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો એમ જરૂર કહી શકાય. અગાઉ પણ વર્લ્ડ T20માં ભારત સામેની એક મેચમાં બાંગ્લાદેશ જીતથી થોડા જ રન દુર હતું ત્યારે એક શોટ રમીને મુશ્ફિકુરે ઉતાવળમાં જીતનું સેલિબ્રેશન શરુ કરી દીધું હતું, પરંતુ બાદમાં તે કેચ આઉટ થઇ ગયો અને બાંગ્લાદેશ 1 રને તે મેચ હારી ગયું હતું.

આમ ગઈકાલની બંને મેચોમાં ક્રિકેટ રમતા ખેલાડીઓના બે અંતિમોની શ્રેષ્ઠ ઝલક જોવા મળી હતી જે આ રમત રમતા કોઇપણ ખેલાડીને જીવનભરનું લેસન શીખવાડી જાય છે.

Preview: ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઇન્ડિઝ, ટ્રેન્ટબ્રિજ, નોટિંગહામ

બંને ટીમો પોતપોતાની પહેલી મેચો જીતી ગઈ છે જેમાં વેસ્ટ ઇન્ડિઝનો પાકિસ્તાન સામેનો વિજય બેશક આશ્ચર્ય પમાડે તેવો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આ સમયે જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથની ગેરહાજરીમાં પણ ખુબ સારો દેખાવ કર્યો છે જ્યારે આ મેચમાં તો આ બંને હાજર હશે. વેસ્ટ ઇન્ડિઝ ભલે પાકિસ્તાન સામે જીતી ગયું હોય પરંતુ તેના દેખાવમાં સાતત્યનો અભાવ કાયમ રહ્યો છે આથી આજની આ મેચમાં તો ઓસ્ટ્રેલિયા જ ફેવરીટ ગણી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here