ગૂંચવાડો: જાણીને હસવું આવશે કે પવાર મોદીની શપથવિધિમાં કેમ ન ગયા?

0
145
Photo Courtesy: loksatta.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત અઠવાડિયાની શપથવિધિમાં NCPના શરદ પવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની ઓફિસ દ્વારા એ આમંત્રણ પત્રિકાની બેઠક વ્યવસ્થા સમજવામાં ભૂલ થતા શરદ પવાર ખુદ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.

Photo Courtesy: loksatta.com

નવી દિલ્હી: ઘણીવાર પોતાના કર્મચારીઓ પર પૂર્ણ આધાર રાખવો કેટલી તકલીફ આપે છે તેનું તાજું ઉદાહરણ જાણવા મળ્યું છે. NCPના શરદ પવારને તો પોતાના કર્મચારીઓ પર આધાર રાખવો માત્ર તકલીફ આપનાર જ નહોતું બન્યું પરંતુ તેમની સ્થિતિ હાસ્યાસ્પદ પણ થઇ ગઈ હતી.

બન્યું એવું કે શરદ પવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી. પરંતુ જ્યારે શરદ પવારને આ આમંત્રણ પત્રિકા મળી ત્યારે તેમને એવું લાગ્યું કે શરદ પવારને છેક પાંચમી કતારની બેઠક ફાળવવામાં આવી છે.

શપથવિધિમાં પોતાને છેક પાંચમી  કતારમાં બેઠક ફાળવી હોવાનું જાણીને શરદ પવાર પણ ગુસ્સે ભરાઈ ગયા હતા અને તેમણે શપથવિધિમાં ન જવાનું નક્કી કર્યું હતું. NCPના પ્રવક્તા નવાબ મલિકે પણ કહ્યું હતું કે નવી સરકારમાં વરિષ્ઠ આગેવાનોનું સન્માન કરવાની ઈચ્છા નથી લાગતી અને પ્રોટોકોલને યોગ્ય રીતે અનુસરવામાં નથી આવ્યો એટલે શરદ પવાર શપથવિધિમાં હાજર નહીં રહે .

પરંતુ જ્યારે આ મામલાએ પ્રેસમાં હલચલ મચાવી ત્યારે રાષ્ટ્રપતિ ભવનના ધ્યાનમાં આવ્યું કે ખરેખર તો શરદ પવારના કાર્યાલયે જ પત્રિકામાં આપવામાં આવેલી બેઠક વ્યવસ્થાને ખોટી રીતે વાંચી અથવાતો સમજી હતી. શરદ પવારને ખરેખર તો VVIP હરોળમાં જેને ‘V’ ટૂંકાક્ષર નામ આપવામાં આવ્યું હતું તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમના કાર્યાલયે અંગ્રેજીના ‘V’ અક્ષરને રોમન લીપીનો ‘V’ આંકડો એટલેકે પાંચ સમજી લીધો હતો.

રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અશોક મલિકે બાદમાં Tweet કરીને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં શરદ પવારને ‘V’ કેટેગરીમાં જ સ્થાન ફાળવવામાં આવ્યું હતું જ્યાં અન્ય વરિષ્ઠ લોકોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ પવારની ઓફીસ દ્વારા V અક્ષરનો મતલબ બીજો કાઢવામાં આવ્યો હશે તેને લીધે આ તકલીફ ઉભી થઇ હતી.

આમ શરદ પવારે પોતાની ઓફીસના કર્મચારીઓ પર એટલો બધો ભરોસો રાખ્યો કે છેવટે તેમને જ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું. પ્રશ્ન એ છે કે શરદ પવારને એક વખત પણ જાતે વડાપ્રધાન મોદીની શપથવિધિની આમંત્રણ પત્રિકા વાંચવાની તસ્દી લેવાનું નહીં સુજ્યું હોય?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here