CWC 2019 | M 17 | શું આ રીતે પાકિસ્તાન 1992 રિપીટ કરશે?

0
154
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઓસ્ટ્રેલિયા સામે આ મેચમાં જે રીતનું પ્રદર્શન પાકિસ્તાને કર્યું તેને જોતાં તો એવું લાગે છે કે પાકિસ્તાન પાસે 1992ના વર્લ્ડ કપનો દેખાવ રિપીટ કરવાની અપેક્ષા રાખવી જરા વધુ પડતું છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

વેસ્ટ ઇન્ડિઝ સામે આ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જબરદસ્ત હાર મળ્યા પછી પાકિસ્તાની ક્રિકેટ પંડિતો જેમાં તેના કેટલાક ભૂતપૂર્વ કપ્તાનો અને ખેલાડીઓ પણ સામેલ છે અને હાલમાં તેઓ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે તેમણે બધાએ એક સૂરે આપણને બધાને 1992ના વર્લ્ડ કપની યાદ અપાવી હતી. આ તમામનું એમ કહેવું હતું કે 1992માં પણ પાકિસ્તાનની શરૂઆત આવી જ રીતે ખરાબ થઇ હતી પરંતુ છેવટે તે વર્લ્ડ કપ જીતીને ઘેર પાછું આવ્યું હતું.

પરંતુ, જે રીતે પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં અત્યારસુધી પ્રદર્શન કર્યું છે તે જોતાં લાગતું નથી કે તે વર્લ્ડ કપ 1992નો ઈતિહાસ રિપીટ કરી શકે. અત્યારસુધી પાકિસ્તાન ક્રિકેટનું અસાતાત્યપૂર્ણ પ્રદર્શન દરેક મેચમાં બદલાતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં તો દરેક અડધા કલાકે પાકિસ્તાનીઓનો દેખાવ બદલાતો રહ્યો હતો. પહેલા તો ટોસ સમયનું વાતાવરણ જોઇને પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ લીધી એ તેની કદાચ સહુથી મોટી ભૂલ હતી જેણે તેને આ મેચ હારવામાં ઘણી મદદ કરી હતી.

બની શકે કે પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટને એમ હોય કે જો આ મેચ વરસાદને લીધે ટૂંકાવવામાં આવે તો ડકવર્થ લુઇસ કાયમની જેમ બીજી બેટિંગ કરનારાને ફાયદો કરાવી આપશે. પરંતુ ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયાને મજબૂત શરૂઆત આપી દેતા પાકિસ્તાનના પાસાં અવળા પડ્યા. તેમ છતાં પહેલી વિકેટ લીધા બાદ પાકિસ્તાને થોડા થોડા સમયે વિકેટો લેતાં તે મેચમાં જરૂરથી ટકી રહ્યું. એક સમયે ઓસ્ટ્રેલિયા જે 350ની આસપાસ સ્કોર મૂકી શકે તેવી પરિસ્થિતિમાં હતું તેને પાકિસ્તાની બોલર્સે, ખાસ કરીને મોહમ્મદ આમીરે પૂરી પચાસ ઓવર પણ ન રમવા દેતા માત્ર 307 પર જ રોકી દીધું તે તેની કદાચ આ મેચમાં એકમાત્ર સિદ્ધિ હતી.

જ્યારે આ પ્રમાણે પહેલી ઇનિંગની અંતિમ ઓવરોમાં યા તો બીજી બેટિંગ કરનારી બોલિંગ ટીમ છવાઈ જાય અથવાતો પહેલી બેટિંગ કરનારી ટીમ છવાઈ જાય તો તેને બીજી ઇનિંગની શરૂઆતમાં માનસિક ફાયદો મળતો હોય છે. પરંતુ ફખર ઝમાન એ શાહિદ આફ્રિદીની જ સુધારેલી આવૃત્તિ છે જેને માત્ર શોટ્સ રમવામાં જ રસ પડતો હોય એમ તે પોતાની ટીમને સારી શરુઆત આપવાને બદલે વહેલો આઉટ થઇ જતો હોય છે. આ મેચમાં પણ તેણે એમ જ કર્યું અને પાકિસ્તાનને મળેલો શરૂઆતી માનસિક લાભ ગુમાવી દીધો.

આ પછી પણ પાકિસ્તાને બેટિંગ કરતા જ્યારે પણ મેચ પર કાબુ મેળવવાની સાવ નજીક પહોંચી જવાની સફળ કોશિશ કરી ત્યારે ત્યારે તેણે એકસાથે એક અથવાતો બે વિકેટો પણ ગુમાવી જેણે તેને ફરીથી સંઘર્ષ કરવા માટે મજબૂર કરી દીધું. છેલ્લે છેલ્લે પણ તેના બોલર્સ હસન અલી અને વહાબ રિયાઝે પોતાની જ ટીમના કેટલાક બેટ્સમેનોને પણ શરમાવે એવી બેટિંગ કરીને પાકિસ્તાનના રનચેઝની ગાડી ફરીથી પાટા પર લાવી ત્યારે જ બંને આઉટ થઇ ગયા. અધૂરામાં પૂરું પાકિસ્તાને વાતાવરણને ધ્યાનમાં લેતા ચાર ફાસ્ટ બોલર્સ ટીમમાં સમાવતા તેની બેટિંગ ઓલરેડી નબળી બની ચૂકી હતી તેણે પણ તેને મોટો ગેરફાયદો કરાવી આપ્યો હતો.

છેવટે ‘આઈસીંગ ઓન ધ કેક’ રૂપે છેલ્લી વિકેટ તરીકે કેપ્ટન સરફરાઝ અહેમદનું રન આઉટ થવું તેણે પાકિસ્તાન કેવી માનસિક તૈયારી સાથે મેચમાં ઉતર્યું હતું તેનું સુંદર ઉદાહરણ પણ પૂરું પાડી દીધું હતું. જ્યારે એક રન પણ શક્ય ન હતો અને બોલ ગ્લેન મેક્સવેલ પાસે હતો ત્યારે નોન સ્ટ્રાઈકર એન્ડ પર આટલું લાંબુ બેકઅપ કરવાની ઈચ્છા તો સરફરાઝને જ થાય અને તેને કારણે જ તે મુર્ખામીનું પ્રદર્શન કરતા રન આઉટ થયો હતો.

ઓવરઓલ જોઈએ તો ભારત સામેના મોટા પરાજય બાદ ઓસ્ટ્રેલિયાને આ જીત સાથે જરૂરી ટોનિક મળી ગયું છે જ્યારે પાકિસ્તાનને ભલે હારનું માર્જીન વધુ હોય પરંતુ સમગ્ર મેચમાં મોટે ભાગે તે ઓસ્ટ્રેલિયાની નજીક હોવા છતાં 16મીની ભારત સામેની અતિશય મહત્ત્વની મેચ અગાઉ જબરદસ્ત માનસિક દબાણમાં આવી ગયું છે તે હકીકત છે.

Preview – ભારત વિ. ન્યુઝીલેન્ડ, ટ્રેન્ટબ્રિજ, નોટિંગહામ

બે વિજયો સાથે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ મજબૂત છે તેમ છતાં ગઈ મેચમાં સેન્ચુરી બનાવનાર શિખર ધવન ત્રણ અઠવાડિયા માટે ઈજાગ્રસ્ત છે અને ભારતે હવે કોઈ નવા ઓપનરને અજમાવવો પડશે તે હકીકત તેની વિરુદ્ધ જઈ શકે છે. ન્યુઝીલેન્ડ અત્યારે તેની શ્રેષ્ઠ રમત દેખાડી રહ્યું છે અને તેની બેટિંગ અને બોલિંગ ઉપરાંત ફિલ્ડીંગ પણ અતિશય મજબૂત છે. આવી પરિસ્થીતીમાં મેચ કોણ જીતશે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. જો કે મેચમાં વરસાદ પડે અને મેચ ધોવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here