VIDEO: સરફરાઝ અહેમદ પહેલા પોતાના સમર્થકોનો ઈતિહાસ તપાસો

0
289
Photo Courtesy: newindianexpress.com

ભારતીય ટીમના સમર્થકો કરતા પાકિસ્તાની સમર્થકો વધુ પ્રેમાળ અને સમજદાર છે એવું કહેવા જતા પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે જરા બે વખત વિચારી લેવા જેવું હતું.

Photo Courtesy: newindianexpress.com

અમદાવાદ: પાકિસ્તાની કપ્તાન સરફરાઝ અહેમદ પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતો હોય છે. આટલું જ નહીં સરફરાઝ અહેમદને પાકિસ્તાની સમર્થકો પણ સતત ટ્રોલ કરતા હોય છે.

હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની અત્યારની હાલત ન કહેવાય ન સહેવાય જેવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચ અગાઉ સરફરાઝ અહેમદ આદત અનુસાર બડાશ હાંકવાનું ભૂલ્યો ન હતો. પરંતુ આમ કરવા જતા એ ખુદ ઉઘાડો પડી ગયો હતો.

વાત એમ હતી કે ઓસ્ટ્રેલિયા સામેની મહત્ત્વની મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં સરફરાઝને જ્યારે પત્રકારોએ વિરાટ કોહલીના સ્ટિવ સ્મિથને ચિટર કહીને બોલાવતા ભારતીય સમર્થકોને સમજાવવા અંગે સવાલ કરતા પૂછ્યું હતું કે જો પાકિસ્તાની સમર્થકો પણ આમ કરશે તો તમે શું કરશો?

આ સવાલના જવાબમાં સરફરાઝે બડાઈ હાંકતા કહ્યું હતું કે, “પાકિસ્તાની દર્શકો એવા નથી, તેમને ક્રિકેટ ખૂબ ગમે છે અને તેમને તમામ ક્રિકેટરો પણ ગમતા હોય છે.” સરફરાઝ આમ કહીને ભારતીય સમર્થકોને ઉતારી પાડવાની કોશિશ કરી રહ્યો હોય તે સ્પષ્ટ દેખાતું હતું.

પરંતુ, સરફરાઝ એ ભૂલી ગયો કે જ્યારે આ વર્લ્ડ કપની પોતાની  પહેલી જ મેચમાં પાકિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ સામે શરમજનક રીતે હારી ગયું હતું અને ટીમના ખેલાડીઓ પેવેલિયનમાં પરત આવી રહ્યા હતા ત્યારે ત્યાં ઉભા રહેલા પાકિસ્તાની સર્મથકોએ શું કહીને તેમનું ‘સ્વાગત’ કર્યું હતું! ચાલો આપણે તો જોઈએ કે પાકિસ્તાની સમર્થકોએ પાકિસ્તાની પ્લેયર્સને તે દિવસે શું કહ્યું હતું?

તો એ જ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પૂરી થયા બાદ પાકિસ્તાની ટીમ જ્યારે બસમાં બેસીને હોટલ જવા રવાના થઇ રહી હતી ત્યારે ત્યાં જમા થયેલા પાકિસ્તાની સમર્થકોએ ઈમામ ઉલ હક્કને સંબોધીને ‘પર્ચી કો બાહર નિકાલો’ જેવી બૂમો પાડી હતી. હવે ઈમામને પાકિસ્તાનમાં પર્ચી એટલેકે ચીઠ્ઠી એટલા માટે કહેવામાં આવે છે કારણકે તે પાકિસ્તાનના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હક્કનો ભત્રીજો થાય છે.

પાકિસ્તાની સમર્થકોને એવું લાગે છે કે ઈમામમાં કોઈજ ટેલેન્ટ નથી અને તે માત્ર ભાઈ ભત્રીજાવાદને લીધે ટીમમાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બહુ ઓછા પાકિસ્તાની બેટ્સમેનો રમી શક્યા હતા જેમાં ઈમામ ઉલ હક્કનો પણ સમાવેશ થતો હતો.

ખુદ સરફરાઝ પણ દૂધે ધોયેલો નથી. તેણે પાકિસ્તાનના સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન સાઉથ આફ્રિકાના ખેલાડી પર રંગભેદી ટિપ્પણી કરી હતી જે સ્ટમ્પ માઈકમાં પકડાઈ ગઈ હતી અને સરફરાઝ પર ICCએ એક મેચનો પ્રતિબંધ મૂક્યો હતો.

આમ સરફરાઝ અહમદે ભારતીય સમર્થકો પર આરોપ મુકવા પહેલા પોતાના દેશના સમર્થકો તરફ અને પોતાની તરફ જોઈ લેવું જોઈએ. સરફરાઝને એ પણ યાદ જ હશે કે પાકિસ્તાન જ્યારે પણ ભારત સામે હારે છે ત્યારે તેમના ફેન્સ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here