લોકસભાનો પહેલો દિવસ: ગેરહાજરી, તાળીઓનો ગડગડાટ અને જય શ્રી રામ

0
264
Photo Courtesy: twitter.com/smritiirani

આજે નવી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે નવા સંસદ સભ્યોએ પોતાના સભ્યપદના શપથ લીધા હતા. આ પ્રસંગે લોકસભામાં અનેકવિધ રંગો જોવા મળ્યા હતા.

Photo Courtesy: twitter.com/smritiirani

નવી દિલ્હી: 17મી લોકસભાનો આજે પહેલો દિવસ હતો. આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિરેન્દ્ર કુમારને નવી લોકસભાના પ્રો-ટેમ સ્પિકર તરીકે શપથ લેવડાવ્યા હતા.

ત્યારબાદ શરુ થયેલા નવી લોકસભાના પ્રથમ સત્રમાં ચૂંટાઈને આવેલા નવા સંસદ સભ્યોની શપથવિધિ શરુ થઇ હતી. આ શપથવિધિમાં સહુથી પહેલા ગૃહના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા.

સામાન્યતઃ પ્રોટોકોલ અનુસાર ગૃહના નેતા બાદ વિપક્ષના નેતા શપથ લેતા હોય છે પરંતુ આ વખતે પણ કોઇપણ રાજકીય પક્ષ વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે જરૂરી 56 બેઠકો જીતી શક્યો નથી. આથી સ્વાભાવિક રીતે બીજા સહુથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસના નેતાને શપથ લેવાના હતા.

પરંતુ આ સમયે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભામાંથી ગેરહાજર રહ્યા હતા. એક સૂત્રના કહેવા અનુસાર રાહુલ ગાંધી આજે સવારે જ એક અઠવાડિયાનું વેકશન માણીને લંડનથી પરત થયા છે.

તો એક અન્ય સૂત્રના કહેવા અનુસાર રાહુલ ગાંધી હજી પણ કોંગ્રેસ પ્રમુખપદ છોડવાના પોતાના નિર્ણય પર અફર છે અને આથી જ લંડનથી આવ્યા બાદ તેમને સમજાવવા માટે તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા તેમને ઘરે ગયા હોવાથી તેઓ સંસદ આવી શક્યા ન હતા.

જો કે રાહુલ ગાંધીએ લોકસભામાં તેમની ગેરહાજરીની ચર્ચા થતા જ Tweet કરી હતી જેમાં કહ્યું હતું કે તેઓ બપોરે કેરળના વાયનાડથી સંસદ સભ્ય તરીકે શપથ લેશે. જો કે બપોરે પણ રાહુલ ગાંધી લોકસભામાં દેખાયા ન હતા.

તો બીજી તરફ આ જ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત અને વારસાગત અમેઠી બેઠક પર 55,120 મતે હરાવીને પોતાને જાયન્ટ કિલર સાબિત કરનાર સ્મૃતિ ઈરાનીને આજની શપથવિધિ દરમ્યાન કદાચ તાળીઓનો સહુથી લાંબો ગડગડાટ મેળવવાનું સન્માન મળ્યું હતું.

સ્મૃતિ ઈરાનીનું નામ જાહેર થવાની સાથે જ ટ્રેઝરી બેન્ચની પ્રથમ હરોળમાં બેસેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની બેન્ચ થપથપાવીને સ્મૃતિ ઈરાનીનું અભિવાદન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યો પણ તેમાં જોડાયા હતા અને સ્મૃતિ ઈરાનીના શપથ લેવા સુધી આ તાળીઓ ચાલુ રહી હતી. કેન્દ્ર સરકારમાં સ્મૃતિ ઈરાની મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે.

આજે પશ્ચિમ બંગાળથી ચૂંટાયેલા સંસદ સભ્યોએ પણ શપથ લીધા હતા. આ સભ્યોમાં કેન્દ્રીયમંત્રીઓ બાબુલ સુપ્રિયો અને દેબ્રશી ચૌધરી પણ સામેલ હતા. આ બંનેનું જ્યારે નામ લેવામાં આવ્યું ત્યારે બંગાળના ભાજપ સંસદ સભ્યોએ તેમનું અભિવાદન ‘જય શ્રી રામ’ નો સુત્રોચ્ચાર કરીને કર્યું હતું.

યાદ રહે ચૂંટણી પ્રચાર દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જય શ્રી રામ બોલનારા ભાજપના કાર્યકર્તાઓને જેલમાં નાખી દીધા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here