શું તમે હજી સુધી ફીઝીકલ શેર સર્ટીફીકેટ ડીમેટ કરાવ્યા નથી?

0
437
Photo Courtesy: indiabullsventures.com

ફીઝીકલ શેર સર્ટીફીકેટ એટલેકે કાગળ ફોર્મમાં શેર સર્ટીફીકેટમાં  1 એપ્રિલ 2019થી લેવેચ બંધ થઇ ગઈ છે માટે જલ્દીથી ડીમેટ ફોર્મમાં એ કરાવી લેવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તે સમજીએ.

Photo Courtesy: indiabullsventures.com

મારા એક અસીલે મને બે ફાઈલ ભરીને શેરના કાગળોનો થોકડો મને આપ્યો અને પૂછ્યું આનું શું કરવું જોઈએ? મેં એ કાગળોમાંથી વિવિધ શેર સર્ટીફીકેટ જુદાં પાડ્યા એમાં રિલાયન્સ, ટાઈટન, IDBI જેવી કંપનીના શેર સર્ટીફીકેટ હતા એની બજાર કિંમત હતી પુરા 18 લાખ રૂપિયા અને એ ભાઈને એની જાણ જ નહોતી! તો તમારી પાસે પણ આ રીતે કાગળન સ્વરૂપે ફીઝીકલ શેર સર્ટીફીકેટ હોય તો એ જોઈ લેજો

ફીઝીકલ સર્ટીફીકેટ જે નામે હોય એ નામે જ ડીમેટ ખાતું ખોલાવવું પડે તો જ ડીમેટ થાય. જો સર્ટીફીકેટ જોઈન્ટ નામે હોય તો એ જ ઓર્ડરમાં જોઈન્ટ ડીમેટ ખાતું ખોલાવવાનું અને ત્યાર બાદ જ્યાં ખાતું ખોલવામાં આવે ત્યાં જ ડીમેટ રીક્વેસ્ટ ફોર્મ ભરી સાથે સર્ટીફીકેટ આપી ડીમેટ થઇ શકે.

જો ફીઝીકલ સર્ટીફીકેટ જોઈન્ટ નામે હોય અને એમાંથી એક હોલ્ડર મૃત્યુ પામ્યા હોય તો કંપનીના રજીસ્ટ્રાર ને સાદા પત્ર દ્વારા શું વિધિ કરી સિંગલ નામે કરવું એ પૂછતાં કંપની રજીસ્ટ્રાર એ જણાવશે. એમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું ડેથ સર્ટીફીકેટ આપી સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડ આપી સિંગલ નામે થઇ શકે આને ટ્રાન્સમીશન કહે છે જે પહેલાં ફીઝીકલ ફોર્મમાં જ કરવું પડે ત્યાર બાદ એને ડીમેટ ફોર્મમાં બદલી શકાય.

જો શેર સર્ટીફીકેટ ધારક મૃત્યુ પામ્યા હોય તો વારસદારના નામે એ શેર ટ્રાન્સફર થઇ શકે એ માટે પણ કંપની રજીસ્ટ્રારને સાદો પત્ર લખી વિધિ જાણી લેવી જે તેઓ જણાવશે.

રજીસ્ટ્રાર કોણ છે એ જાણવા BSEની વેબસાઈટ પર જાઓ ત્યાં કંપની સર્ચ કરો એમાં ફાયનાન્શિયલ કેટેગરીમાં જઇ એન્યુઅલ રીપોર્ટ પર ક્લિક કરો એમાં કંપનીની છેલ્લામાં છેલ્લી બેલેન્સશીટમાં તમને રજીસ્ટ્રારનું નામ અને સરનામું મળશે. બેલેન્સશીટના જે પાના પર બોર્ડ ઓફ ડાયરેક્ટર ઓફીસ એડ્રેસ બેન્કરનું નામ ઓડીટરનું નામ જેવી વિગતો હોય એ પાના પર કંપની રજીસ્ટ્રારનું નામ અને સરનામું પણ મળશે.

જો કંપનીના શેરની બજાર કિંમત રૂ. બે લાખ કરતા ઓછી હોય તો મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારના નામ પર આઇડેમનીટી બોન્ડ, શ્યોરીટી વગેરે આપી નોટરી કરી શેર ટ્રાન્સફર થઇ શકશે પરંતુ જો શેરની બજાર કિંમત બે લાખ રૂપિયાથી વધુ હોય તો કોર્ટમાંથી સકસેશન સર્ટીફીકેટ મેળવવું પડશે ત્યાર બાદ વારસદારના નામે થઇ શકશે.

ઘણાં શેરદલાલ જે ડીમેટની સગવડ આપે છે તેઓ પણ ફીઝીકલ સર્ટીફીકેટ ને ડીમેટ કરવાની વિધિ કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ ક્યારેક એ માટે એમની ફી શેરના બજાર કિંમતના 15 ટકા થી 20 ટકા હોય છે પરંતુ વિધિ તો જે ઉપર જણાવેલ રીતે જ થાય છે માત્ર તેઓ ફોર્મ ભરવામાં મદદરૂપ થાય છે.

જે કંપની ડબ્બામાં ગઈ હોય એનું શું કરવું?

એના શેર પણ ડીમેટ થઇ શકશે નહિ પરંતુ ઘણીવાર એવું બને કે અમુક કંપની બીજી કંપનીમાં મર્જ થઇ હોય તો એ નવી કંપનીના શેર એના બદલે મળ્યા હોય આવા સંજોગોમાં તમને એ નવી કંપનીના શેરના ફરફરિયા આવતા થાય છે એમાં ડીવીડંડ આપતી હોય તો એ નામે ડીવીડંડના ચેક પણ આવે છે એના પર તમારા નામે કેટલા શેર છે એ લખ્યું હોય છે. તો આવા સંજોગોમાં પહેલા જુના શેરને બદલે નવા શેર લેવાના હોય છે જે રજીસ્ટ્રારને અરજી કરતા વિધિ જણાવશે. જો નવી કંપનીના શેર ના મળે તો એની વિધિ ગુમ થયા હોય અને ડુપ્લીકેટ ઇસ્યુ કરવા જેવી જ  વિધિ કરવાની રહે છે.

ડબ્બામાં ગયા હોય એવી કંપનીના શેર સર્ટીફીકેટ સાચવી રાખવા જોઈએ ક્યારેક એ કંપની કોઈ બીજી કંપની લઇ લે અથવા નવું મેનેજમેન્ટ આવે અને એ કંપની ધંધો કરવા માંડે તો એ કંપનીનો ભાવ બજારમાં બોલવા માંડે એ શક્ય છે. નિર્લોન કંપનીની બાબતમાં આજ થયું હતું એ ઘણાં વષો સુસુપ્ત પડી રહી અને અચાનક એનો ભાવ રૂ 165 થઇ ગયો.

મારા એક અસીલ પાસે એક ડબ્બામાં ગયેલ કંપનીના 25 શેર પડ્યા હતા. એક દિવસ દિલ્હીથી એક ફૂટડી એડવોકેટ એના ઘરે આવી અને કહ્યું આ કંપનીના શેર મને ટ્રાન્સફર કર તો હું તને રૂ એક લાખ આપું. અસીલે કહ્યું આ શેર તો મારા બાવા (બાપા) ના નામે છે. વકીલે પૂછ્યું વિલ છે? અસીલે કહ્યું હા છે. એણે વિલ જોવા માંગ્યું અને કહ્યું હું બે દિવસમાં આવું છું, ત્યાં સુધીમાં આ એક લાખ નો ચેક લઇ લે અને જો મંજુર હોય તો ડીપોઝીટ કર અને પાસ થાય પછી મને શેર સર્ટીફીકેટ અને પાવર ઓફ ઓટ્રની આપજે અને ટ્રાન્સફર ફોર્મ પર સહી આપજે હું તમામ પેપર લઇ આવીશ. બે ત્રણ  દિવસ પછી એ તમામ પેપર લઇ આવી અને શેર સર્ટીફીકેટ લઇ ગઈ. અસીલ ભણેલગણેલ હતો પૂરી ખાત્રી કરી પૈસા લઇ કાગળીયાઓ પર સહી કરી આપી આમ એને ડબ્બામાં ગયેલ કંપનીના એક લાખ રૂ મળ્યા.

વાત અહી જ અટકતી નથી ત્રણ ચાર મહિના પછી એ જ કંપની માટે એને બે લાખ રૂ ની ઓફર આવી!! લો બોલો જે કંપનીના કોઈ ઠેકાણા નહોતા જેના શેર સર્ટીફીકેટ રદ્દી પેપર થઇ ગયા હતા એના એને એક લાખ મળ્યા એનો જ એને આનંદ હતો. પાછળ થી જાણવા મળ્યું કે એ કંપનીના નામે ઘણી રીયલ ઇસ્ટેટ હતી એનીઓ બજાર કિંમત ખુબ જ થતી હતી એથી આટલો ભાવ એને મળ્યો.

ટુંકમાં શેર ખરીદો ત્યારે એના બીજ સાચવી રાખવા ક્યારેક ઉગી નીકળે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here