FATF: કંગાળ પાકિસ્તાનની હાલત વધારે કંગાળ થઈ શકે છે

0
247
Photo Courtesy: thenews.com.pk

પાકિસ્તાનને વધારે ઋણ આપવા બાબતે FATF નામની સંસ્થાએ કેટલીક શરતો મૂકી હતી, પરંતુ પાકિસ્તાને એ શરતો તો પૂરી ન જ કરી અને તેને બદલે આતંકવાદીઓને વધારે પ્રોત્સાહન આપતા તેની હાલત બગડી છે.

Photo Courtesy: thenews.com.pk

અમદાવાદ: લગભગ કંગાળ થઇ ચૂકેલા પડોશી દેશ પાકિસ્તાનની હાલત વધુ કંગાળ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલેકે FATF જે તમામ દેશો માટે ઋણ લેવા પર કેટલીક શરતો મૂકતું હોય છે તેના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન સામેલ છે.

FATFએ હાલમાં જ પાકિસ્તાનને આ ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું છે કારણકે ઋણ મેળવવા માટે તેણે પાકિસ્તાન સરકાર સામે 27 શરતો મૂકી હતી જેમાંથી 25નું પાલન કરવામાં તે નિષ્ફળ રહી છે. આ શરતોમાં જૈશ એ મોહમ્મદ, જમાત ઉદ દાવા અને ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ મુકવાની શરત પાકિસ્તાને પાળી નથી.

FATFના ગ્રે લિસ્ટમાં હોવાનો મતલબ એ છે કે પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક, IMF, EU જેવા મોટા સંસ્થાગત લેણદારો પાસેથી ઋણ નહીં મળે. આ ઉપરાંત આ તમામ સંસ્થાઓ તેનું રેટિંગ પણ સતત નીચું લાવતા રહેશે જેથી અન્ય સ્થળોએથી પણ ઋણ ન મળતા પાકિસ્તાની અર્થવ્યવસ્થા ભાંગી પડશે જેની હાલત અત્યારે પણ અત્યંત નાજુક છે.

આપણે અગાઉ eછાપું પર જ વાંચ્યું હતું કે પાકિસ્તાની સેના જે પાકિસ્તાની સરકાર પર એકાધિકાર ધરાવે છે તેણે પણ દેશની કંગાળ આર્થિક હાલતને કારણે પોતાના ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી છે પરંતુ તેમ છતાં પાકિસ્તાની અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાયા હોય એવું લાગતું નથી.

આ ઉપરાંત પાકિસ્તાને મોટા આતંકવાદી સંગઠનોના આગેવાનોની ધરપકડ કરવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ ખબર પડી હતી કે તેમને 1997ના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નહીં પરંતુ Maintenance of Public Order Act એટલેકે MPO હેઠળ પકડવામાં આવ્યા હતા.

MPO હેઠળ ધરપકડ થનાર વ્યક્તિને સરકાર મહત્તમ 60 દિવસ સુધી જ જેલમાં રાખી શકે છે. આ જ કાયદા હેઠળ પાકિસ્તાને દુનિયા સમક્ષ ભૂતકાળમાં મસૂદ અઝહર અને હાફિઝ સઈદને જેલમાં રાખવાનું નાટક પણ કર્યું હતું.

FATFએ પાકિસ્તાન સરકાર સમક્ષ આ આતંકવાદી આગેવાનોની માત્ર ધરપકડ જ નહીં પરંતુ તેમના ખાતાઓ સીલ કરવા, તેમના પર હથીયારોની પ્રતિબંધ મુકવાની પણ શરત મૂકી હતી. ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સાથ આપવા બદલ દંડની રકમ એટલી બધી મોટી કરવાની શરત પણ FATFએ મૂકી હતી જેથી આ પ્રકારના લોકો હતોત્સાહ થઇ જાય.

પરંતુ પાકિસ્તાન સરકારે આમાંથી કશું જ કર્યું નથી. ઉલટું સમગ્ર પાકિસ્તાનમાં જેહાદીઓ દ્વારા ચાલી રહેલા મદરેસાઓમાં, તેમજ હોસ્પિટલો અને સ્કૂલોમાં પાકિસ્તાની સરકારે કુલ 70 લાખ અમેરિકન ડોલર્સ આપ્યા હોવાનું  બહાર આવ્યું છે. આમાંથી 20 લાખ અમેરિકન ડોલર્સ તો માત્ર પંજાબ પ્રાંતમાં જ ખર્ચ કરવામાં આવ્યા હતા.

ભારત સતત પાકિસ્તાનને FATFના બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગણી કરતું આવ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here