VIDEO: સરફરાઝ મગજ વગરનો કેપ્ટન છે – શોએબ અખ્તર

0
262
Photo Courtesy: YouTube

વર્લ્ડ કપ 2019માં ભારત સામેની અતિશય મહત્ત્વની મેચમાં પાકિસ્તાનને મળેલી 89 રનની હારથી પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાની YouTube ચેનલ પર કપ્તાન સરફરાઝ પર આક્રોશ ઠાલવ્યો હતો.

Photo Courtesy: YouTube

અમદાવાદ: ગઈકાલે વર્લ્ડ કપની રાઉન્ડ મેચમાં ભારત વિરુદ્ધ તગડી હાર મળ્યા બાદ સમગ્ર પાકિસ્તાન આઘાતમાં છે. પાકિસ્તાની ટીમ પર ચારેબાજુથી ટીકાનો અને આકરી ટીકાઓનો વરસાદ થઇ રહ્યો છે.

પાકિસ્તાની સમર્થકો પછી તે હાલમાં ઈંગ્લેન્ડમાં ટીમને સમર્થન આપી રહ્યા છે કે પછી પાકિસ્તાનમાં રહેતા સ્થાનિક સમર્થકો ઉપરાંત, પાકિસ્તાની રાજકારણીઓ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પાકિસ્તાની ટીમની આકરામાં આકરી ટીકા વગર કોઈ શબ્દ ચોર્યે કરી રહ્યા છે. આ ખેલાડીઓમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ સામેલ છે.

શોએબ અખ્તરે પોતાની YouTube ચેનલ પર પાકિસ્તાની ટીમ પર આક્રોશ ઠાલવ્યો હતો. તેણે કેપ્ટન સરફરાઝ અહમદની કપ્તાનીને બેવકૂફીભરી ગણાવી હતી અને ગઈકાલની શરમજનક હાર માટે તેણે સંપૂર્ણપણે સરફરાઝને જ જવાબદાર ગણાવ્યો હતો.

શોએબ અખ્તરે જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમ પહેલેથી જ રનચેઝ કરવામાં નબળી છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે. સરફરાઝ આટલો બધો બેવકૂફ કેવી રીતે હોઈ શકે કે તેણે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી દીધી?

શોએબ અખ્તરે ગઈકાલની મેચને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ સાથે સરખાવી હતી જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ વિકેટ પર પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને પાકિસ્તાન એ મેચ આસાનીથી જીતી ગયું હતું.

શોએબ અખ્તરે આ વિડીયોમાં બે મહત્ત્વની વાત કરી છે. એક તો એ કે ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાની જરૂર હતી કારણકે તેની મજબૂતી તેની બોલિંગમાં છે બેટિંગમાં નહીં. બીજું, ભારત-પાકિસ્તાનની મેચોમાં કાયમ સ્કોરબોર્ડનું પ્રેશર રહેતું હોય છે જેને ખાળવું બંને ટીમો માટે અત્યંત મુશ્કેલ હોય છે.

અખ્તરનું કહેવું હતું કે ભલે પાકિસ્તાનની બેટિંગ ભારત જેટલી મજબૂત નથી પરંતુ જો તેણે પહેલી બેટિંગ કરીને 250-260 રન પણ કર્યા હોય તો પણ તે પોતાની બોલિંગથી  ભારત પર દબાણ લાવીને મેચ જીતી શક્યું હોત. શોએબ અખ્તરે ટીમના બેટિંગ પ્રદર્શનની પણ આકરી ઝાટકણી કરી હતી.

ઈમામ ઉલ હક્ક પાસે એક જ પ્રકારનો શોટ હોવાનું શોએબે કહ્યું હતું, તો બાબર આઝમ સ્ટ્રાઈક રોટેટ કરવામાં નબળો પડતો હોવાથી સ્કોરબોર્ડ કાયમ ધીમું પડી જતું હોવાનું શોએબે કહ્યું હતું. 1999ની આ જ મેદાન પર રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ યાદ અપાવતા શોએબે કહ્યું હતું કે એ મેચમાં તો સઈદ અનવર અને ઈન્ઝમામ ઉલ હક્ક જેવા બેટ્સમેનો હતા તેમ છતાં પાકિસ્તાન રન ચેઝ કરી શક્યું ન હતું તો આ ટીમ પાસેથી સરફરાઝ તેની આશા કેવી રીતે રાખી રહ્યો હતો?

શોએબ મલિકને માત્ર અનુભવને આધારે ટીમમાં રાખવામાં આવ્યો હોવાનું કહેતા અખ્તરે ઉદાહરણ આપ્યું હતું કે 1999ના વર્લ્ડ કપમાં તેના સહીત ઘણા પાકિસ્તાની ક્રિકેટરોનો એ પ્રથમ વર્લ્ડ કપ હતો, તેમ છતાં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી, તો આ પ્રકારે માત્ર અનુભવીને ટીમમાં રાખવા ખાતર શા માટે રાખવામાં આવે છે તેવો સવાલ શોએબે કર્યો હતો.

પાકિસ્તાનના કોચ મિકી આર્થરને પણ આડે હાથે લેતા શોએબે કહ્યું હતું કે એ વ્યક્તિ પાકિસ્તાની ટીમ માટે રણનીતિ બનાવવા માટે બિલકુલ નકામો છે. સરફરાઝ પણ પોતાની કપ્તાનીમાં નાવીન્ય લાવી શકતો નથી અને તેને મિકી આર્થર જે કહે છે એ સૂચનનો અમલ કરતા જ આવડે છે.

જુઓ શોએબ અખ્તરનો એ સંપૂર્ણ વિડીયો:

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here