પ્રશંસા: દક્ષિણ સુદાનમાં ભારતીય શાંતિ સૈનિકોની નિસ્વાર્થ સેવાની સુગંધ ચોમેર પ્રસરી

0
254
Photo Courtesy: competitiveindia.com

ગૃહયુદ્ધમાંથી બહાર આવેલા આફિકાના નવા સ્વતંત્ર દેશ દક્ષિણ સુદાનમાં ભારતીય શાંતિ સૈનિકોએ પોતાની નિસ્વાર્થ સેવાથી માત્ર અહીંના સ્થાનિકોના જ નહીં પરંતુ યુનાઇટેડ નેશન્સના અધિકારીઓના પણ દિલ જીતી લીધા છે!

Photo Courtesy: competitiveindia.com

યુનાઇટેડ નેશન્સ: ભારતીય શાંતિ સૈનિકો હાલમાં દક્ષિણ સુદાનમાં UNના મિશન હેઠળ કાર્યરત છે. તેમની રસ્તાના સમારકામ અને અહીંની હોસ્પિટલોને સોલર લેમ્પ્સ પૂરા પાડવા બદલ UNની પ્રશંસા મળી છે.

અહીંની સ્થાનિક સમાજસેવી સંસ્થાઓએ પણ ભારતીય શાંતિ સૈનિકોની કામગીરીની પ્રશંસા કરી છે. યુએન મિશન ઇન સાઉથ સુદાન (UNMISS) ના નેજા હેઠળ ભારતીય સેનાના એન્જીનીયરો બાંગ્લાદેશ, ચીન, થાઇલેન્ડ અને દક્ષિણ કોરિયાની સેનાઓના સૈનિકો સાથે મળીને અત્યારસુધીમાં લગભગ 2500 કિમીથી પણ વધુ રસ્તાઓનું સમારકામ કરી ચૂક્યા છે.

દક્ષિણ સુદાન ગૃહયુદ્ધની અતિશય જોખમી પરિસ્થિતિમાંથી ઉભું થઇ રહ્યું  છે એવામાં છેલ્લા છ મહિનાથી ભારતીય શાંતિ સૈનિકો અહીં પૂરેપૂરા ખંતથી રસ્તાઓને સમથળ કરવાનું, ગટરો તેમજ પૂલ બાંધવાનું કાર્ય કરી રહ્યા છે. UNMISSના તાજા આંકડાઓ અનુસાર ભારતીય સેનાના એન્જીનીયરોએ જુબા થી બેન્તિયુ સુધીનો 940 કિમી, જુબા-બોર-પિબોરનો 400 કિમીનો અને માલાકાલના 200 કિમીના રસ્તાના સમારકામ કરવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

UNMISSના અધ્યક્ષ અને UNના સેક્રેટરી જનરલના ખાસ પ્રતિનિધિ ડેવિડ શેરરે કહ્યું હતું કે તેઓ એ તમામ દેશોનો આભાર માનવા માંગે છે જેમણે તેમના એન્જીનીયર્સને અહીં મોકલ્યા છે. તેમના પ્રયાસોથી દક્ષિણ સુદાનના લોકોના જીવનસ્તરમાં સુધારો આવી રહ્યો છે અને દેશના શાંતિપૂર્ણ ભવિષ્યની તકોમાં વધારો થયો છે.”

શેરરના જણાવ્યા અનુસાર જ્યારે ગૃહયુદ્ધ બાદ દક્ષિણ સુદાનને સ્વતંત્રતા મળી ત્યારે તેની પાસે માત્ર 250 કિલોમીટર જેટલા જ પાકા રસ્તાઓ હતા. આ ઉપરાંત ભારે વરસાદને કારણે અસંખ્ય કાચા માર્ગોનું બાંધકામ અથવાતો સમારકામ કરવું મુશ્કેલ બની ગયું હતું.

વિવિધ દેશોના એન્જીનીયર્સના પ્રયાસોને લીધે મોટાભાગના માર્ગો જેના દ્વારા દેશના મોટાભાગના ક્ષેત્રોમાં ખાદ્યપદાર્થ વગેરેની આપૂર્તિ થાય છે છે તેનું સમારકામ થઇ ચૂક્યું છે અને તેને લીધે મોટાભાગના  લોકોના જીવનસ્તરમાં સુધારો આવ્યો છે.

દક્ષિણ સુદાનમાં ભારતના લગભગ 2,400 શાંતિ સૈનિકો છે જે તમામ દેશો કરતા સહુથી વધારે છે. આ સૈનિકોના પ્રયાસોથી બોર નગરની હોસ્પિટલને સોલર લેમ્પ્સ પણ મળ્યા છે. દક્ષિણ સુદાનના જોનગ્લેઈ રાજ્યના આ પાટનગરની આ એકમાત્ર હોસ્પિટલ છે.

ભારતીય શાંતિ સૈનિકો દ્વારા અહીં એક વિશાળ સોલર પેનલ ઉભી કરવામાં આવી છે જેના કારણે સમગ્ર હોસ્પિટલમાં વીજળીની આપૂર્તિ થઇ શકે છે. તેને લીધે ઈમરજન્સી, મેટરનીટી અને પીડિયાટ્રીક વિભાગોને ખાસ્સી રાહત થઇ છે.

નોંધપાત્ર વાત એ છે કે આ સોલર પેનલ અને સોલર લેમ્પ્સ માટે ભારતીય શાંતિ સૈનિકોએ પોતાના ખિસ્સામાંથી ફાળો આપ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here