રાજ્યસભા પેટાચૂંટણી: કોંગ્રેસની વિનંતી પર આવતીકાલે સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો

0
255
Photo Courtesy: dnaindia.com

રાજ્યસભામાં ગુજરાતની બે બેઠકો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાવાને લીધે ખાલી પડી છે. અહીં એક જ દિવસે અલગ અલગ મતદાન કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.

Photo Courtesy: dnaindia.com

ગાંધીનગર: ચૂંટણી પંચે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે એક જ દિવસે પરંતુ અલગ અલગ મતદાન કરવાની જાહેરાત કરી છે. અગાઉ eછાપુંમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસે આ જાહેરાતનો વિરોધ કર્યો છે.

ચૂંટણી પંચની આ જાહેરાત વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચની જાહેરાતને લોકશાહીના તેમજ બંધારણના નિયમો વિરુદ્ધનું ગણાવ્યું છે.

અમિત ચાવડાએ એક જ દિવસે અલગ અલગ ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવી જઈને કરેલો નિર્ણય ગણાવ્યો છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત કોંગ્રેસ વતી સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા કોર્ટને ચૂંટણી પંચને પોતાનો નિર્ણય બદલવા આદેશ આપવા વિનંતી કરી છે.

કોંગ્રેસ આ બંને બેઠકો પર એકસાથે જ મતદાન કરાવવા માંગે છે. આ પાછળનું કારણ એ છે કે જો બંને બેઠકો પર એકસાથે જ મતદાન થાય તો ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ અનુસાર કોંગ્રેસ બે માંથી એક બેઠક જીતી શકે છે અને જો અલગ અલગ મતદાન થાય તો બંને બેઠકો ભાજપને મળી જશે.

જ્યારે ચૂંટણી પંચનું કહેવું છે કે તે નિયમ અનુસાર જ કાર્ય કરી રહ્યું છે. તેના કહેવા અનુસાર દેશના તમામ ગૃહો જેમાં લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓ સામેલ છે તેની દરેક પેટાચૂંટણીને અલગ અલગ ચૂંટણી જ ગણવામાં આવે છે અને આથી જ તે ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો પર અલગ અલગ મતદાન કરાવશે.

પંચના કહેવા પ્રમાણે અલગ અલગ બેઠકો પર મતદાનનો સમય એક હોવા છતાં બંને બેઠકો માટે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવા એ સામાન્ય પ્રણાલી છે જેને તે અનુસરી રહ્યું છે. ચૂંટણી પંચે પોતાના નિર્ણયના સમર્થનમાં દિલ્હી હાઈકોર્ટના આ મામલે ડૉ. એ કે વાલિયા અને સત્યપાલ મલિકની ચૂંટણીઓના મામલે આપવામાં આવેલા ચૂકાદાઓને પણ ટાંક્યા છે.

તો ચૂંટણી પંચનું એમ પણ કહેવું છે કે તેને અમિત શાહની ચૂંટણીનું સર્ટીફીકેટ 23મી મે ના રોજ મળ્યું હતું જ્યારે સ્મૃતિ ઈરાનીની ચૂંટણીનું સર્ટીફીકેટ 24મી મે એ મળ્યું હતું અને આથી ટેક્નિકલી પણ અલગ અલગ મતદાન શક્ય છે. અત્રે એ નોંધનીય છે કે અમેઠી લોકસભા બેઠક જ્યાંથી સ્મૃતિ ઈરાની ચૂંટણી જીત્યા હતા તેનું આધિકારિક પરિણામ 23મી મેની મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું.

આમ, ચૂંટણી પંચનો દાવો કે તેને સ્મૃતિ ઈરાનીનું ચૂંટણી સર્ટીફીકેટ બીજા દિવસે મળ્યું હતું તેમાં સત્યતાનો અંશ જરૂર દેખાય છે. કોંગ્રેસની માંગણી છે કે સુપ્રિમ કોર્ટ ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભા બેઠકો પરની અલગ અલગ ચૂંટણીના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે.

સુપ્રિમ કોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here