નિમણુંક: ભાજપના સંસદ સભ્ય ઓમ બિરલા લોકસભાના આગામી સ્પિકર બનશે

0
291
Photo Courtesy: twitter.com/ANI

આજે ચર્ચામાં રહેલા તમામ નામોને પાછળ છોડીને ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનથી ચૂંટાઈને આવેલા સંસદ સભ્ય ઓમ બિરલાને લોકસભાના આગામી સ્પિકર તરીકે NDAના ઉમેદવાર જાહેર કર્યા હતા.

Photo Courtesy: twitter.com/ANI

નવી દિલ્હી: મહત્ત્વના પદો પર નિમણુંક બાબતે છેલ્લી ઘડીએ આશ્ચર્ય સર્જવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા આજે પણ જળવાઈ રહી હતી. ભાજપે આજે લોકસભાના આગામી સ્પિકર તરીકે ઓમ બિરલાના નામની જાહેરાત કરી છે.

ઓમ બિરલા આજે બપોરે પોતાનું નામાંકન પત્ર ભરશે. સંસદીય મામલાઓના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના આગામી સ્પિકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પ્રસ્તાવને બિજુ જનતા દલ, શિવસેના, નેશનલ પિપલ્સ પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ, અકાલી દલ, લોક જનશક્તિ પાર્ટી, વાય એસ આર કોંગ્રેસ, જનતા દલ યુનાઈટેડ, ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે અને અપના દલે સમર્થન આપ્યું હતું.

પ્રહલાદ જોશીના કહેવા અનુસાર તેમણે ઓમ બિરલાના નામ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે ચર્ચા કરી હતી. જોશીએ બાદમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસનું સમર્થન ઓમ બિરલા માટે મળી રહેશે કારણકે તેણે કોઈ અન્ય નામનો પ્રસ્તાવ કર્યો નથી.

ઓમ બિરલા રાજસ્થાનના બુંદી-કોટા લોકસભા બેઠકથી બે વખતના સંસદ સભ્ય તેમજ કોટા દક્ષિણ વિધાનસભા બેઠકથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બુંદી-કોટા લોકસભા બેઠક પરથી ઓમ બિરલાએ કોંગ્રેસના રામનારાયણ મીણાને લગભગ 2.79 લાખ મતે હરાવ્યા હતા.

ઓમ બિરલા 16મી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનનું સ્થાન લેશે. સુમિત્રા મહાજન આ વખતે લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાએ ભારતીય જનતા પાર્ટીનો તેમના પતિ પર વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો અને આ પ્રસંગને તેમના સમગ્ર પરિવાર માટે ગર્વની તેમજ આનંદની ક્ષણ ગણાવી હતી.

અગાઉ, પી પી ચૌધરી, એસ એસ આહલુવાલિયા અને અન્ય ઘણા નામો લોકસભાના સ્પિકર માટે ચર્ચામાં રહ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પરંપરા અનુસાર આજે અચાનક જ એક નવું નામ એટલેકે ઓમ બિરલાને આ સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here