જે પ્રકારે વેસ્ટ ઇન્ડિઝ એક જ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યું છે તે જોતા અને જે રીતે બાંગ્લાદેશે છેલ્લા પાંચ વર્ષમાં પ્રગતી કરી છે તે જોતા આ મેચનું પરિણામ બિલકુલ અનપેક્ષિત ન હતું.

જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમતા આશ્ચર્યજનક વિજય મેળવ્યો હતો અને તેના પર સમરકંદ અને બુખારા ઓવારી ગયેલા લોકોને આ જ રિવ્યુ સિરીઝમાં ચેતવણી આપવામાં આવી હતી. આટલું જ નહીં ગઈકાલે આ જ મેચના પ્રિવ્યુમાં પણ કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશ કેમ ફેવરીટ છે.
ટુર્નામેન્ટની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝની એક તકલીફ હતી અને તે એ હતી કે તેઓ માત્ર બાઉન્સર પર આધાર રાખીને વિકેટ લેવામાં માનતા હતા. ત્યારબાદ તકલીફ એ ઉભી થઇ કે બેટિંગમાં પણ માત્ર આક્રમકતા દેખાડીને તેઓ કોઇપણ સ્કોર ખડો કે પછી ચેઝ કરવાથી જીતી જવાશે એવું માનવા લાગ્યા હતા. પરંતુ, આ વર્લ્ડ કપ છે અને બાકીની ટીમો અહીં ભજન કિર્તન કરવા આવી નથી, તે બધી પણ વર્લ્ડ કપ જીતવા જ આવી છે.
વેસ્ટ ઇન્ડિઝની આ બે નબળાઈનો પૂરેપૂરો અભ્યાસ કરીને પહેલા તો ઓસ્ટ્રેલિયાએ તેને હરાવી દીધું, પછી ઇંગ્લેન્ડે અને હવે બાંગ્લાદેશે તેને હરાવ્યું છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમની અગાઉ કહેલી બે નબળાઈ ઉપરાંત તેના બે મહત્ત્વના ખેલાડીઓનું નહીવત પ્રદાન પણ તેને નડી રહ્યું છે જેમના દેખાવ પર ટીમ મોટો મદાર રાખી રહી છે. આ બે માંથી એક તો છે ક્રિસ ગેલ અને બીજો છે આન્દ્રે રસલ.
આ બંને ખેલાડીઓ એ એવા ખેલાડીઓ છે જે ચાલી ગયા તો વેસ્ટ ઇન્ડિઝને ઘીકેળાં થઇ જાય અને ન ચાલે તો આ બંને જ તેના માટે સહુથી મોટી મુસીબત બની જાય અને આ બંનેના ચાલવા કરતા ન ચાલવાની શક્યતાઓ વધુ હોય છે. એમાં પણ રસલ સતત ઘૂંટણની પીડાથી ગ્રસ્ત છે અને તેમ છતાં તેને કોઈ અકળ કારણોસર ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. તેને લીધે ન તો તે સરખી બોલિંગ કરી શકે છે કે ન તો પૂરી ઓવર્સ ફિલ્ડીંગ કરી શકે છે.
આ મેચમાં ગેલ અને રસલ બંને શૂન્ય રને આઉટ થઇ ગયા હતા.
સામે પક્ષે ગઈકાલે સતત કોમેન્ટેટર્સ બાંગ્લાદેશની ટીમને હવે હળવાશથી ન લેવાનું કહી રહ્યા હતા. ખરેખર તો આ બાંગ્લાદેશની ટીમનું અપમાન બરોબર છે. બાંગ્લાદેશ તો ગત વર્લ્ડ કપથી જ મજબૂત ટીમ બની ગઈ છે જ્યારે તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી અને એ ઘટનાને હવે ચાર લાંબા વર્ષ વીતી ગયા છે. સાઉથ આફ્રિકા સામે મળેલા તેના વિજયને પણ આ રિવ્યુ સિરીઝમાં આશ્ચર્યજનક માનવામાં આવ્યો ન હતો કારણકે તે પ્રમાણેની રમત બાંગ્લાદેશ પાસેથી અપેક્ષિત હતી.
સાઉથ આફ્રિકા સામેની મેચમાં વિજય મેળવ્યો હોવા છતાં અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશે ફિલ્ડીંગમાં કેટલાક લોચા જરૂર કર્યા હતા, પરંતુ આ મેચમાં તો તેની મોટાભાગની ફિલ્ડીંગ કોઇપણ અન્ય સારી ફિલ્ડીંગ ટીમ જેવી રહી હતી. હવે વાત કરીએ શાકિબ અલ હસનની તો આ ખેલાડી વિશ્વના સર્વોત્તમ ઓલરાઉન્ડર્સમાંથી એક છે અને વર્ષોથી છે, પરંતુ તેને ક્યારેય આ માટેની જોઈતી ક્રેડિટ મળી નથી.
આ મેચમાં શાકિબની બોલિંગ અને ખાસકરીને જે રીતે તેણે આટલા મોટા સ્કોરનો પીછો કરતા હોવા છતાં બેટિંગ કરતી વખતે કોઇપણ પ્રકારનું દબાણ અનુભવ્યું ન હતું અને પોતાની ટીમને જીત અપાવી તેના માટે શબ્દો ઓછા પડે. અહીં લીટન દાસની પણ પ્રશંસા કરવી જોઈએ. તેણે પણ બીજા છેડે આક્રમક બેટિંગ જાળવી રાખતા શાકિબ પર એકલે હાથે સ્કોર કરવાનું દબાણ લાવવા દીધું ન હતું. શાકિબની સ્ટ્રેઈટ ડ્રાઈવ અને દાસની સિક્સરો આ મેચની હાઈલાઈટ્સ બની રહી હતી.
હા, બાંગ્લાદેશ ઘણા સમયથી મજબૂત ટીમ બની ગઈ છે, પરંતુ તેમ છતાં તેનાથી અન્ય મજબૂત ટીમોએ ડરવાની તો બિલકુલ જરૂર નથી. આ પાછળનું કારણ એક જ છે કે આજે પણ તેઓ દબાણ હેઠળ આવીને ગમે ત્યારે તૂટી પડતા હોય છે. તેમ છતાં બાંગ્લાદેશના આ મેચના વિજયને જરૂરથી વધાવવો રહ્યો!
Preview: ઇંગ્લેન્ડ વિ. અફઘાનિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
એક રીતે જોવા જઈએ તો ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો કોઈજ મેળ નથી. ઇંગ્લેન્ડ અત્યારે ફૂલ ફોર્મમાં છે જ્યારે અફઘાનિસ્તાને હજી ઘણું બધું સાબિત કરવાનું છે. આ વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન તેના પ્રત્યે જે આશા હતી તે મુજબ જ રમી રહ્યું છે. ઓવર ઓલ, ઇંગ્લેન્ડને આ મેચ જીતવામાં કોઈ ખાસ તકલીફ પડવી જોઈએ નહીં.
eછાપું