આવો મળીએ લોકસભાના નવા સ્પિકર ઓમ બિરલાને

0
144
Photo Courtesy: YouTube

17મી લોકસભાના ત્રીજા દિવસે નવા સ્પિકરની ચૂંટણી થઇ હતી જેમાં ભાજપના ઓમ બિરલાને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ચાલો જાણીએ ઓમ માથુર વિષે કેટલીક જાણી અજાણી  હકીકતો.

Photo Courtesy: YouTube

આજે 17મી લોકસભાના સ્પિકરની ચૂંટણી થઇ હતી. ભારતીય જનતા પાર્ટીના કોટા લોકસભા ક્ષેત્રથી બે વખત સંસદ સભ્ય રહી ચૂકેલા ઓમ બિરલાની લોકસભાના સ્પિકર તરીકે સર્વાનુમતે વરણી થઇ હતી. સ્પિકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો જેને સર્વાનુમતે વધાવી લેવામાં આવ્યો હતો.

સ્પિકર તરીકે ચૂંટાયાની જાહેરાત થયા બાદ વડાપ્રધાન મોદી અને લોકસભામાં સહુથી મોટા વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી ઓમ બિરલાને અધ્યક્ષની ખુરશી તરફ દોરી ગયા હતા. બહુ ઓછા લોકો જેમાં લોકસભાના નવનિર્વાચિત સભ્યો પણ સામેલ છે, ઓમ બિરલા વિષે જાણકારી ધરાવે છે. તો ચાલો આપણે ઓળખીએ લોકસભાના નવા સ્પિકર ઓમ બિરલા વિષે.

56 વર્ષીય ઓમ બિરલા નરેન્દ્ર મોદી અને અમિત શાહની જેમ જ ભાજપના પાયાના કાર્યકર્તામાંથી આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છે. તેઓ રાજસ્થાનમાં પોતાના કલ્યાણકારી કર્યો માટે જાણીતા છે. ઓમ બિરલાએ કોટામાં પ્રસાદમ નામની યોજના શરુ કરી હતી જેમાં આજ સુધી ગરીબોને મફતમાં ભોજન પૂરું પાડવામાં આવે છે.

આ ઉપરાંત તેમણે ગરીબો માટે જ પરિધાન યોજના હેઠળ પહેરવા માટે કપડાની વ્યવસ્થા તેમજ તેમના બાળકો માટે પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા પણ કરી છે. આ ઉપરાંત રૈન બસેરા શરુ કરીને ગરીબો માટે રાત્રી રોકાણની વ્યવસ્થા પણ કોટામાં ઓમ બિરલાની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે ઓમ બિરલાની સ્પિકર તરીકે વરણી થયા બાદ સંસદને તેમની ઓળખાણ આપતા યાદ કર્યું હતું કે કચ્છના ભૂકંપ વખતે તેમજ કેદારનાથમાં આવેલા પૂર વખતે પણ ઓમ બિરલા તેમની ટીમ સાથે મહિનાઓ સુધી ત્યાં ખડેપગે રહ્યા હતા.

ઓમ બિરલાની રાજકીય સફર વિષે વાત કરીએ તો તેઓ વિદ્યાર્થી નેતા રહ્યા હતા. 1991 થી 2003 સુધી ઓમ બિરલા રાજસ્થાન ભારતીય જનતા યુવા મોરચાના (BJYM) અધ્યક્ષ રહ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા.

રાજસ્થાન વિધાનસભા માટે સતત ત્રણ ટર્મ માટે એટલેકે 2003, 2008 અને 2013 ચૂંટાયા હતા. ત્યારબાદ 2014માં કોટાથી જ તેઓ લોકસભા માટે ચૂંટાયા હતા અને આ વખતે તેઓ ફરીથી કોંગ્રેસના રામનારાયણ મીણાને હરાવીને લોકસભા પહોંચ્યા છે.

16મી લોકસભામાં ઓમ બિરલાનો રેકોર્ડ અદભુત રહ્યો હતો. ઓમ બિરલાની ગત લોકસભામાં 86 ટકા હાજરી નોંધાઈ હતી. તેમણે ગત પાંચ વર્ષમાં 671 પ્રશ્નો પૂછ્યા હતા અને 163 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ઓમ બિરલાએ ગત લોકસભામાં છ પ્રાઈવેટ મેમ્બર બિલ્સ પણ રજૂ કર્યા હતા.

કોમર્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા ઓમ બિરલા સંસદની ઉર્જા વિભાગની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે તેમજ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયની બે કમિટીના પણ સભ્ય છે.

સામાન્ય રીતે લોકસભાના સ્પિકર તરીકે વરિષ્ઠ સંસદ સભ્યને પસંદ કરાતા હોય છે, પરંતુ ઓમ બિરલા એવા પહેલા સ્પિકર નથી જેમનો લોકસભાનો અનુભવ પાંચ વર્ષથી વધુ ન હોય. આ અગાઉ તેલુગુ દેસમ પાર્ટીના જી એમ સી બાલયોગી પણ બે વખત જ સંસદ સભ્ય રહ્યા હતા પરંતુ તેમને લોકસભાના અધ્યક્ષના પદે પસંદ કરવામાં આવ્યા હતા.

બાલયોગીનું 2002માં હેલિકોપ્ટર ક્રેશમાં બાલયોગીનું અવસાન થતા શિવસેનાના મનોહર જોશીને લોકસભાના સ્પિકર બનાવવામાં આવ્યા હતા અને તેઓ પણ પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતીને આવ્યા હતા.

ઓમ બિરલા સમક્ષ એક વિશાળ સત્તાધારી પક્ષ અને તેનાથી ઘણી ઓછી સંખ્યામાં વિપક્ષ છે. સ્પિકર પાસે અનહદ સત્તા હોય છે. એક વખત લોકસભાના સ્પિકર ચૂંટાઈ આવ્યા બાદ સંસદ સભ્યે તમામ પ્રકારની પક્ષાપક્ષીથી દૂર રહેવું પડે છે. આશા કરીએ કે ઓમ બિરલા તેમની જવાબદારી સુપેરે નિભાવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here