રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી એક સાથે થાય તે માટે ઉધામા કરી રહેલી કોંગ્રેસને જરા ઇતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે તો તેને ખબર પડશે કે તે એ જ પામી રહી છે જે તેણે ભૂતકાળમાં કર્યું છે.

ચૂંટણી પંચે થોડા દિવસ અગાઉ ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણી કરવાની જાહેરાત કરી હતી. આ બેઠકો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાઈ આવવાને કારણે ખાલી પડી હતી.
ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ જ કોંગ્રેસના કેન્દ્રીય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એવી આશંકા દર્શાવી હતી કે ચૂંટણી પંચ આ બંને બેઠકો માટે એકસાથે મતદાન ન કરાવતા અલગ અલગ મતદાન કરાવી શકે છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને એમ ન કરવાની ચેતવણી પણ આપી હતી.
પરંતુ કોંગ્રેસની આશંકાને અનુરૂપ જ ચૂંટણી પંચે ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો પર એક જ દિવસે મતદાન કરાવવાની તો જાહેરાત કરી પરંતુ તેના બે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડ્યા. આમ આ બંને બેઠકો પર અલગ અલગ મતદાન થયેલું ગણાશે.
આમ થવાથી ભાજપની ગુજરાત વિધાનસભામાં રહેલા સંખ્યાબળને આધારે બંને બેઠકો પર જીત મળવી નિશ્ચિત છે. પરંતુ જો બંને બેઠકો પર એકસાથે જ મતદાન કરાવવામાં અવત તો કોંગ્રેસને એક બેઠક મળી શકે તેમ હતી.
ચૂંટણી પંચની અલગ અલગ મતદાન કરાવવાની જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગેરબંધારણીય ગણાવી હતી. તો ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રિમ કોર્ટમાં બંને બેઠકો પર એકસાથે મતદાન કરાવવા ચૂંટણી પંચને આદેશ આપતી પીટીશન દાખલ કરી છે.
આજે આ પીટીશન પર સુનાવણી થઇ હતી જેમાં સુપ્રિમ કોર્ટે આ મામલે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવા ચૂંટણી પંચને એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને આવતા મંગળવારે તેની ફરીથી સુનાવણી થશે.
મુદ્દો એ છે કે કોંગ્રેસ જેને આજે લોકશાહીના ગળે ટુંપો મારવો કે પછી ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે તેવો આરોપ મૂકી રહી છે તેણે પોતાના જ શાસનકાળમાં આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો હતો. તે સમયે તો કોંગ્રેસે ચૂંટણી પંચનો બિલકુલ વિરોધ નહોતો કર્યો!
જી હા, 2009માં લોકસભાની ચૂંટણી જીતીને રાજ્યસભામાંથી ઝારખંડના બે સભ્યો, ભાજપના યશવંત સિન્હા અને જનતાદળ યુનાઇટેડના સંસદ સભ્ય લોકસભામાં ગયા હતા. એમણે પણ રાજ્યસભામાંથી એકસાથે જ પોતપોતાના રાજીનામાં આપ્યા હતા જે રીતે આ વખતે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ આપ્યા છે.
પરંતુ તે સમયે ચૂંટણી પંચે ઝારખંડમાં આ જ રીતે એક જ દિવસે પરંતુ ખાલી પડેલી બંને બેઠકોને અલગ અલગ બેઠકો ગણીને મતદાન કરાવ્યું હતું. પરિણામ? પરિણામ એ જ આવ્યું કે કોંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા! જો બંને બેઠકો પર સાથે જ મતદાન કરાવવામાં આવ્યું હોત તો એક બેઠક ભાજપને મળી શકત.

એવી જ રીતે જે રીતે આજે ગુજરાતમાં ભાજપની સ્થિતિ છે એવી જ સ્થિતિ 2009માં કોંગ્રેસની ઝારખંડમાં હતી, પરંતુ ત્યારે તો લોકશાહીના ગળે તેણે ટુંપો મારી દીધો ન હતો? ત્યારે તો કોંગ્રેસના માનવા અનુસાર ચૂંટણી પંચે બંધારણ વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી! તો આજે કોંગ્રેસને શેનું દુઃખ છે? ચૂંટણી પંચ તો માત્ર નિયમો અને પરંપરા અનુસાર જ પોતાનું કાર્ય કરી રહ્યું છે?
મામલો સ્પષ્ટ છે જીવનની કોઇપણ પળે અને સ્થળે તમે વાવો તેવું જ લણો છો. કોંગ્રેસે દસ વર્ષ પહેલા ઝારખંડમાં જે વાવ્યું હતું તે જ આજે તેણે ગુજરાતમાં લણવાનું છે. ચૂંટણી પંચ એક અઠવાડિયામાં સુપ્રિમ કોર્ટમાં પોતાનો જવાબ ફાઈલ કરી દેશે અને નિયમો અને પરંપરાને ધ્યાનમાં લેતા તેમજ એક બંધારણીય સંસ્થા એટલેકે સુપ્રિમ કોર્ટ બીજી બંધારણીય સંસ્થા એટલેકે ચૂંટણી પંચના મામલાઓમાં સામાન્યતઃ માથું નથી મારતી તેવો ઈતિહાસ જોતા કોંગ્રેસ માટે આવતા મંગળવારે પણ સુપ્રિમ કોર્ટ માંથી કોઈ સારા સમાચાર આવશે તેવી કોઈજ શક્યતા નથી!
eછાપું