ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે સંબંધો બગાડતા પહેલાં સો વાર વિચારવું જોઈએ

0
335

અમેરિકાના રાષ્ટ્રપતિ ચીન કે પછી વિશ્વના અન્ય દેશોની જેમ જ ભારત ઉપર પણ અમેરિકાનું આર્થિક પ્રભુત્વ સ્થાપવા માંગે છે, પરંતુ કદાચ તેમનું આ પગલું તેમના માટે અને તેમના દેશ માટે જ ભારે પડી શકે તેમ છે. 

યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધની વેપાર નીતિની કાર્યવાહી સૂચવે છે કે કદાચ આપણે રાઇઝિંગ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા વળતર ચુકવવું પડી શકે છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સના અંદાજ મુજબ ભારત અને અમેરિકાના કુલ દ્વિપક્ષીય વેપાર 51.4 અબજ ડૉલરમાંથી માત્ર 6.35 બિલિયન ડોલરનો વેપાર જ અમેરિકાના GSP (જનરલાઈઝડ સીસ્ટમ ઓફ પ્રેફરેન્સીસ)થી લાભાન્વિત થાય છે. આ જ કારણ છે કે ભારત GSPનો દરજ્જો પાછો ખેચી લેવાના આંચકાને સહન કરી શકે છે. જો કે, આપણી ચર્ચાનો મુદ્દો આ નથી. મુદ્દો એ છે કે “વાજબી વેપાર” ના નામે પોતાનાથી ગરીબ દેશને લક્ષ્ય બનાવવું એ વિશ્વના સૌથી ધનાઢ્ય રાષ્ટ્ર માટે કેવી રીતે “વાજબી” છે?

ભારત નીચી મધ્યમ આવક ધરાવતું વિકાસશીલ અર્થતંત્ર છે અને તે ભવિષ્યના ઘણા મોટા સમયગાળા માટે રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મુજબ, યુ.એસ.ની માથાદીઠ રાષ્ટ્રીય આવક (કુલ ઘરેલું ઉત્પાદન, GDP), ખરીદ શક્તિ સમાનતા (એટલે કે પરચેઝ પાવર પેરીટી) 2018 માં 62,606 યુએસ ડોલર હતી, જે ભારત માટે 7,874 ડોલર હતી. મોટાભાગના યુરોપીયન યુનિયન દેશોમાં માથાદીઠ આવક 40,000 ડોલરથી 50,000 ડોલરની છે અને આ તરફ ચીનની એડજસ્ટ કરેલ માથાદીઠ આવક 18,110 ડોલર છે. આટલી ઓછી માથાદીઠ આવક હોવા છતાં ભારત એક ઓપન ઈકોનોમી છે. રાષ્ટ્રીય આવકમાં બાહ્ય વેપાર (નિકાસ વત્તા આયાત) નો હિસ્સો ભારત માટે 40.7 ટકા છે, પરંતુ યુ.એસ. માટે ફક્ત 26.6 ટકા છે.

ભારતે ક્યારેય અમેરિકાની જેમ પોતાના અર્થતંત્રને ઊંચા ટેક્સ અને ટેરીફની દીવાલ વડે સંરક્ષણવાદને પ્રાધાન્ય આપ્યું નથી કારણ કે તે સતત બાકીના વિશ્વ સાથે વેપાર ખાધ ચલાવી લે છે. અમેરિકાએ પણ બાકીના વિશ્વ સાથે વેપાર ખાધ લાંબા ગાળે છે, પરંતુ વિવિધ કારણોસર અને વિકાસના એકદમ અલગ સ્તરે છે. કોઈપણ દરે, યુ.એસ. તેના તમામ વેપારને પોતાના ચલણમાં ચલાવે છે જે તે પોતાની ઇચ્છા મુજબ છાપે છે. ચીન, જાપાન, જર્મની એ એવા દેશો છે જે બાકીના સમગ્ર વિશ્વ સાથે વેપારના સરપ્લસનો આનંદ માણે છે.

ભારતને યુ.એસ. સાથે વેપારમાં સરપ્લસ છે, પરંતુ ટ્રમ્પ એક ધનિક વ્યક્તિની જેમ ફરિયાદ કરે છે કે તે હંમેશાં પોતાના ગરીબ મિત્રોને ભેટ આપે છે, અને એ ગરીબ મિત્ર ક્યારેય પોતાને વળતર ભેટ સ્વરૂપે આપતો નથી. હકીકતમાં, ભારત બીજા પ્રકારની ભેટો આપવામાં સહેજ પણ ચુક્યું નથી. તેણે ઉચ્ચ પ્રતિભાશાળી વ્યાવસાયિકોની ઘણી પેઢીઓની નિકાસ કરી છે કે જેણે યુ.એસ.ને ટેક્નોલૉજી અને જ્ઞાન-આધારિત વ્યવસાયોમાં વૈશ્વિક અગ્રણી રહે તે સુનિશ્ચિત કરવામાં યોગદાન આપ્યું છે. યુ.એસ. ગ્લોબલ સ્ટ્રેટેજી પર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે, કે.સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ : “ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ (જૂન 2006)”માં એક મુદ્દો એવો આપ્યો છે કે જો યુ.એસ. જ્ઞાન-આધારિત ક્ષેત્રોમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવી રાખવામાં સક્ષમ છે, તો તેના પાયામાં ક્યાંકને ક્યાંક ભારતની યુવાપ્રતિભાઓનું મહત્વનું યોગદાન છે. વળી, ટ્રમ્પના “અમેરિકાને ફરીથી મહાન બનાવવા”ના લક્ષ્યાંકને પૂરો કરવા માટે જે લોકો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે એ ભારતીય અમેરિકન્સ જ તો છે!!

અત્યાર સુધી, આંતરરાષ્ટ્રીય સંબંધના વિદ્વાનો દ્વારા સૂચવવામાં આવતું હતું કે ચીન એ ભારતની  વિદેશી નીતી માટે સૌથી પડકારજનક છે. ટ્રમ્પ ચીનના સ્થાને અમેરિકાને આ પડકાર બનાવવા માટે મથી રહ્યા હોય તેમ લાગે છે. હવે આમાં ભારત શું કરી શકે? આપણા માટે ખાતરી કરવા ઘણા વિસ્તારો એવા છે જ્યાં અમેરિકા અને ભારત હજી એક જ ટ્રેક પર છે. પરંતુ, ભારતને તેની પોતાની આગવી સમસ્યાઓ છે જેવી કે રાષ્ટ્રીય સલામતી, વસતીવધારો અને સમાવેશી વિકાસની ચિંતા. જેથી કેટલીક વાર તે યુ.એસ. કરતાં અલગ તરી આવે છે. ટ્રમ્પે ભારતના આ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવું પડશે. વળી, ચીન સાથે અમેરિકાને મોટી વેપાર ખાધ છે અને ચીનની “ચેકબૂક પોલીસી” અમેરિકા માટે પડકારજનક છે. આવા વખતે અમેરિકા માટે સાઉથ એશિયામાં ભારત જ એકમાત્ર વિશ્વાસુ સાથી છે એ વાત ભૂલવી ન જોઈએ.

સંબંધોના રીફ્રેશમેન્ટનો પ્રારંભ કરવા માટે વિદેશ બાબતોના નવા વિદેશમંત્રી, એસ. જયશંકરે યુએસ-ભારત પરમાણુ સોદાની કામગીરીમાં થયેલા પગલાં તથા સંરક્ષણ અને ગુપ્ત માહિતીની વહેંચણીના ક્ષેત્રમાં સહકાર જેવી સંવાદ પ્રક્રિયાને સમર્થન આપવું પડશે. યુ.એસ. ઇન્ડિયાના મોટાભાગના સંબંધો છેલ્લા દસકામાં બંને દેશોને ખબર હોય તેવી જગ્યાઓએ અટક્યા છે. ભૂતકાળના સંવાદોએ શીત યુદ્ધના યુગમાં વિશ્વાસનો નવો સંબંધ બનાવ્યો હતો જે તે પછીથી ટ્રમ્પની ત્વરિત ક્રિયાઓ દ્વારા નુકસાન થયું હોવાનું જણાય છે. વિશ્વાસ ફરીથી મેળવવા માટે નવીનીકરણ સંવાદ જરૂરી છે. ટ્રમ્પને ખાતરી હોવી જરૂરી છે કે ભારતનો આર્થિક વિકાસ લાંબા ગાળે અમેરિકાના હિતમાં રહેવાનો જ છે. વધુ સમૃદ્ધ ભારત એ માત્ર યુ.એસ. નિકાસ માટે મોટું બજાર જ નહીં પણ એશિયામાં ચીની શક્તિને પણ કાઉન્ટર કરશે.

“બહુપક્ષીય જોડાણ”ની ભારતની નીતિને અમેરિકાએ આવકારવી જોઈએ. ટ્રમ્પની આક્રમક વ્યૂહરચના યુ.એસ. માટે ટૂંકા ગાળાના ડિવિડન્ડને શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત કરી શકે છે પરંતુ તે લાંબાગાળે અમેરિકા માટે રુચિકર નહિ હોય એ સત્ય હકીકત છે. બીજી તરફ, ભારત સાથેના પરસ્પર લાભદાયી સંબંધ યુ.એસ. માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક લાભ પ્રાપ્ત કરશે. પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશે તેમજ બરાક ઓબામાએ આ દૃષ્ટિકોણ સમજ્યો અને સ્વીકાર્યો હતો. બરાક ઓબામાએ તેમની બીજી ટર્મમાં ભારત સાથે સંબંધો વધારવાની ઝડપ વધારી હતી. પરિસ્થિતિ જોતાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પને બીજી ટર્મ મળશે કે નહિ મળે તે અંગે અનિશ્ચિતતાઓ છે. આથી તેમણે પોતાની પ્રથમ ટર્મનું છેલ્લું સમગ્ર વર્ષ સંબંધોના પુનઃનિર્માણ માટે ડેડીકેટ કરવું જોઈએ તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here