ઇંગ્લેન્ડે આ મેચમાં તમામ વર્લ્ડ કપની કુલ સિક્સરો કરતા પણ વધારે સિક્સરો મારીને અફઘાનિસ્તાન પર પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધું હતું. તો અફઘાનિસ્તાન માટે પણ આ મેચમાં કેટલાક પ્લસ પોઈન્ટ્સ હતા.

આ વર્લ્ડ કપમાં એકતરફી મેચો ન જોવા મળે તે માટે ICC એ આ વખતે સહયોગી દેશોની ટીમને બાકાત રાખીને માત્ર ટેસ્ટ રમતી ટીમોને જ રમવાનો મોકો આપ્યો છે. જો કે ટેસ્ટ રમતી ટીમો જ આ વર્લ્ડ કપ રમી રહી છે એ સંયોગ માત્ર છે કારણકે અફઘાનિસ્તાનને હાલમાં જ ટેસ્ટ સ્ટેટ્સ આપવામાં આવ્યું છે. તેમ છતાં આ વર્લ્ડ કપ પણ એકતરફી મેચોથી બચી શક્યો નથી.
શરૂઆતની ઘણી મેચોમાં સાઉથ આફ્રિકા જેવી ટીમે પણ હારતા અગાઉ કોઈજ લડત આપી ન હતી તો આ અઠવાડિયામાં રમાયેલી મેચોમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે પણ અનુક્રમે ભારત અને બાંગ્લાદેશને આસાનીથી જીત ધરી દીધી હતી. પરંતુ આ મેચ જેટલી એકતરફી મેચ તો હજી સુધી આપણને આ વર્લ્ડ કપમાં જોવા નથી મળી.
અફઘાનિસ્તાનની ટીમને આમ સરળતાથી ન લેવાય પરંતુ તેની સામે રમતી વખતે બહુ ચિંતા પણ ન કરાય એ પણ એટલું જ સત્ય છે. ઇંગ્લેન્ડે પણ શરૂઆતની ઓવરો સંભાળીને રમ્યા બાદ કેપ્ટન ઓઇન મોર્ગનની આગેવાનીમાં અફઘાનિસ્તાનને બરોબર ફટકાર્યું હતું. તમે નિરીક્ષણ કર્યું હશે કે જ્યારે પણ કોઈ અત્યંત સબળી ટીમ કોઈ અત્યંત નબળી ટીમ સામે રમવા ઉતરે છે ત્યારે એ ટીમના ખેલાડીઓની બોડી લેંગ્વેજ અને તેમની રમવાની રીત જ બદલાઈ જાય છે.
આ જ ઓઇન મોર્ગન ભારત, પાકિસ્તાન કે પછી સાઉથ આફ્રિકા સામે અલગ રીતે એટલેકે થોડું સંભાળીને રમ્યો હોત પરંતુ સામે અફઘાનિસ્તાન હતું એટલે તેણે પહેલા બોલથી જ તેમના બોલરોની ખાસ કરીને અફઘાનિસ્તાનના ટોચના બોલર રશીદ ખાનની ધોલાઈ શરુ કરી દીધી હતી. રશીદ ખાન માટે તો આ મેચ ભૂલી જવા જેવી જ રહી હતી કારણકે તેણે પૂરેપૂરી દસ ઓવર્સ પણ નહોતી નાખી અને તેમ છતાં 110 રન લૂંટાવી દીધા હતા.
ઇંગ્લેન્ડ જે રીતે આ મેચમાં રમ્યું તેને અંગ્રેજીમાં ‘Showing who is the boss’ પ્રકારની રમત કહેવામાં આવે છે, એટલેકે નબળી ટીમ પર સબળી ટીમનું સંપૂર્ણ પ્રભુત્વ! સામે પક્ષે અફઘાનિસ્તાન માટે 398 રન ચેઝ કરવા એ સ્વપ્ન સમાન હતું અને એ એમ જ રહેવાનું પણ હતું. તેમ છતાં જો તેમને ક્રેડિટ આપવી જ હોય તો એમ જરૂર કહી શકાય કે તેઓ પૂરેપૂરી પચાસ ઓવર્સ રમ્યા અને ઓલ આઉટ ન થયા. આવી મેચોમાં સામાન્ય રીતે નબળી ટીમો સબળી ટીમો સામે સંપૂર્ણ શરણાગતી સ્વીકારી લેતી હોય છે પરંતુ અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ પાસે પૂરેપૂરી પચાસ ઓવર્સ ફિલ્ડીંગ ભરાવી એ માટે એને ક્રેડિટ જરૂર આપવી જોઈએ.
Preview: ન્યુઝીલેન્ડ વિ. સાઉથ આફ્રિકા, એજબેસ્ટન, બર્મિંગહામ
ન્યુઝીલેન્ડ અત્યારસુધી આ વર્લ્ડ કપમાં અજેય રહ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકા માત્ર અફઘાનિસ્તાન સામે જીત્યું છે. સાઉથ આફ્રિકાની છેલ્લી મેચમાં તેને અફઘાનિસ્તાન સામે મોટો વિજય મળ્યો હતો જ્યારે ન્યુઝીલેન્ડની છેલ્લી મેચ જે ભારત સામે રમાવાની હતી તે ધોવાઇ ગઈ હતી. તેમ છતાં આજની મેચમાં ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા સામે આ વર્લ્ડ કપના જ દેખાવને ધ્યાનમાં લેતા બહેતર ટીમ જણાઈ રહી છે.
eછાપું