કોંગ્રેસ: અશોક ગેહલોતને પક્ષ પ્રમુખ બનાવીને એક કાંકરે બે પક્ષી મરાશે?

0
125
Photo Courtesy: indiatoday.in

એક જાણીતી ન્યૂઝ વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કોંગ્રેસ અશોક ગહેલોતને પક્ષ પ્રમુખ બનાવવા ઉપર ગંભીરતાથી વિચારી રહ્યો છે. આ નિર્ણયની કોંગ્રેસ પક્ષમાં ઘણી વ્યાપક અસર પડી શકે તેમ છે.

Photo Courtesy: indiatoday.in

નવી દિલ્હી: નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત કોંગ્રેસના આગામી પક્ષ પ્રમુખ બની શકે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આવનારા થોડા દિવસોમાં થઇ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાહુલ ગાંધીના જન્મદિવસે તેમને શુભેચ્છાઓ આપવા અશોક ગહેલોત દિલ્હી આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમને રાહુલ ગાંધીએ એક મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ, જેમાં કોંગ્રેસે અતિશય કંગાળ દેખાવ કર્યો હતો, પોતે પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેવા નથી માંગતા તેમ કહ્યું હતું. પક્ષના વરિષ્ઠ આગેવાનોના ભરપૂર દબાણ છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અફર રહ્યા છે.

આ ઉપરાંત હાલમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદના મુદ્દા પર કોંગ્રેસ પર સીધું તીર તાંક્યું હતું આથી રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકા વાડ્રાને પણ પક્ષ પ્રમુખ બનાવી શકાય તેમ નથી. કોંગ્રેસ બિનગાંધી પરિવારના વ્યક્તિને કોંગ્રેસ પ્રમુખ બનાવીને ભાજપ અને નરેન્દ્ર મોદી પાસેથી વંશવાદનો મુદ્દો છીનવી લેવા માંગે છે.

આ ઉપરાંત હાલની ચૂંટણીઓમાં કોંગ્રેસથી પછાત વર્ગ વિમુખ થઇ ગયો હતો. અશોક ગહેલોત પછાત વર્ગમાંથી આવે છે અને આથી કોંગ્રેસ તેમને પક્ષ પ્રમુખ બનાવીને પછાત વર્ગને પણ પોતાના તરફ કરવા માંગે છે.

અશોક ગહેલોત દેશના રાજકારણમાં ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે તેનો લાભ પણ કોંગ્રેસ લેવા માંગે છે. ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીઓમાં અશોક ગહેલોત ગુજરાતના પ્રભારી હતા અને કોંગ્રેસે આ ચૂંટણીઓમાં છેલ્લા પંદર વર્ષમાં તેનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જો કે ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી સત્તાથી દૂર જ રહી ગઈ હતી.

આ ઉપરાંત રાજસ્થાનમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો હારી ગયા બાદ રાજ્ય કોંગ્રેસમાં અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટના જૂથ સામસામે આવી ગયા છે. આવા સંજોગોમાં અશોક ગહેલોતને કોંગ્રેસ પ્રમુખ બનાવીને રાજસ્થાનની ગાદી સચિન પાયલોટને સોંપવામાં આવે તેવી શક્યતા છે જેથી રાજસ્થાન કોંગ્રેસમાં બળવાની સ્થિતિ શાંત થઇ જાય.

આમ, અશોક ગહેલોતને પક્ષ પ્રમુખ બનાવીને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ એક કાંકરે અનેક પક્ષીઓ મારવા માંગે છે. સવાલ માત્ર એટલો જ છે કે શું કોંગ્રેસી આગેવાનો અને પક્ષના કાર્યકર્તાઓમાં અશોક ગહેલોત સ્વીકાર્ય બનશે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here