હવામાન ખાતાના તાજા અનુમાન અનુસાર ગુજરાતમાં બહુ થોડા જ દિવસોમાં ચોમાસું પ્રવેશ કરશે જે તેના અગાઉના અનુમાન કે વાયુ વાવાઝોડાને લીધે ચોમાસું નબળું પડી ગયું છે તેનાથી સાવ વિરુદ્ધ છે.

અમદાવાદ: ગુજરાત હાલમાં જ ચક્રવાત વાયુના ભયથી બચ્યું છે. વાયુ વાવાઝોડું જે શરૂઆતમાં પોરબંદરના દરિયા કિનારેથી ગુજરાતમાં પ્રવેશ કરવાનું હતું તેણે પોતાનો માર્ગ બદલ્યો હતો અને ગુજરાત માટે રાહત ઉભી કરી હતી.
પરંતુ, બે દિવસ બાદ વાયુએ ફરીથી પોતાનો માર્ગ બદલતા તે કચ્છમાં ડિપ્રેશન તરીકે પ્રવેશ્યું હતું. આ બંને ઘટનાઓની પ્રતિક્રિયા રૂપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો.
આ સમયે હવામાન ખાતાએ ચેતવણી આપી હતી કે વાયુ વાવાઝોડાને લીધે ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી જતા તે મોડું પડી શકે તેમ છે. જો કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાના લગભગ 5% જેટલો વરસાદ પડી ચૂક્યો હતો.
હવે, આજે મળતા સમાચાર અનુસાર હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઉત્તર પશ્ચિમ મોનસૂન હાલમાં ગોવા અને કોંકણના વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે અને આથી આ વિકેન્ડ અથવાતો આવતા અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જશે.
હવામાન ખાતાની માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 23 અથવાતો 24 જૂને એટલેકે રવિવાર અથવાતો સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડશે. આમ ગુજરાત માટે હવામાન ખાતાની તાજી આગાહી આનંદના સમાચાર લઈને આવી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું આધિકારિક રીતે બેસી જતું હોય છે. પરંતુ વાયુ વાવાઝોડાને કારણે આ વખતે તેમાં એક અઠવાડિયાનો ફરક પડ્યો છે.
પરંતુ, જે રીતે વાયુ વાવાઝોડાની વિદાય બાદ જેવી આશંકા સેવવામાં આવતી હતી કે ચોમાસું હજી પણ બીજા બે અઠવાડિયા ખેંચાઈ શકે છે તેનાથી ઉલટ તે હવે માત્ર એક જ અઠવાડિયું મોડું પડશે.
તો ચોમાસું બેસવા પહેલા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તેવું પણ હવામાન ખાતાએ કહ્યું છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારાનો પણ અનુભવ થઇ શકે તેમ છે જેનાથી ગુજરાતીઓને થોડા દિવસ અગાઉ પડેલા વરસાદને લીધે ઘણી રાહત મળી હતી.
eછાપું