સમીક્ષા: વર્લ્ડ કપ પત્યા બાદ પાકિસ્તાની ટીમનું આવી બન્યું સમજો!

0
133
Photo Courtesy: deccanchronicle.com

વર્લ્ડ કપની મધ્યમાં જ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે એક બેઠક બોલાવી છે તેમાં વર્લ્ડ કપ પત્યા બાદ પાકિસ્તાની ટીમના ટુર્નામેન્ટના પ્રદર્શન પર કડક સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Photo Courtesy: deccanchronicle.com

લાહોર: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હાલમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો દેખાવ અત્યારસુધી અત્યંત કંગાળ રહ્યો છે. પાકિસ્તાન આજ સુધીમાં તેણે રમેલી 5 મેચોમાંથી માત્ર એક મેચ જીત્યું છે અને તેની એક મેચ ધોવાઈ જતા તેને કુલ 3 પોઈન્ટ્સ મળ્યા છે અને તે 10 ટીમોની ટુર્નામેન્ટમાં નવમા સ્થાને છે.

અધૂરામાં પૂરું પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારત સામે અત્યંત શરમજનક રીતે હારી ગઈ છે. સ્વાભાવિક છે કે પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં આ દેખાવ અંગે અત્યંત રોષની ભાવના વ્યાપ્ત હોય.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ગઈકાલે લાહોરના ગદ્દાફી સ્ટેડીયમમાં આવેલા પોતાના મુખ્યાલયમાં એક બેઠક આયોજીત કરી હતી. આ બેઠકમાં વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ટીમના દેખાવની કડક સમીક્ષા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમીક્ષા કરવામાં આવ્યા બાદ તેનો રિપોર્ટ PCB પ્રમુખ એહસાન મનીને મોકલવામાં આવશે, આ ઉપરાંત આ રિપોર્ટ બોર્ડ ઓફ ગવર્નરને (BOG) પણ સોંપવામાં આવશે. ગઈકાલની બેઠક બાદ PCB દ્વારા એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી હતી.

આ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “BOG એ આ બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા હાલના દિવસોમાં ક્રિકેટના ત્રણેય વિભાગોમાં કરેલા દેખાવ પર ચર્ચા કરી છે. દરેક સભ્યો એક બાબતે એકમત હતા કે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું ખરાબ રહ્યું છે, પરંતુ તમામે ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને સમર્થન જાહેર કર્યું છે આ સાથે એવી આશા પણ વ્યક્ત કરી છે કે ટીમ બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં પુનરાગમન કરશે.”

આ બેઠકમાં માત્ર આ વર્લ્ડ કપ જ નહીં પણ ગત ત્રણ વર્ષમાં ત્રણેય ફોરમેટમાં પાકિસ્તાની ટીમ અને તેના સપોર્ટ સ્ટાફના પ્રદર્શનની કડક સમીક્ષા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આમ પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ આ વખતે વર્લ્ડ કપની મધ્યમાં જાગ્યું છે જ્યારે સામાન્યતઃ તે વર્લ્ડ કપ બાદ આ પ્રકારના નિર્ણયો લેતું હોય છે.

જો કે એક હકીકત એ પણ છે કે પાકિસ્તાનની ટીમ માત્ર વર્લ્ડ કપ કે ICC ટુર્નામેન્ટોમાં જ નહીં પરંતુ કોઈ દ્વિપક્ષીય સિરીઝમાં પણ ખરાબ દેખાવ કરે તો આવી જ રીતે તપાસ અને સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એકાદ બે ખેલાડીઓ કે પછી કપ્તાન પર જવાબદારી ઢોળી દઈને તેમને ડ્રોપ કરવામાં આવતા હોય છે.

પરંતુ, ત્યારબાદ થોડો સમય વિતતા જ એ જ તમામ ખેલાડીઓ પાછા ટીમ તરફથી રમતા જોવા મળે છે. પાકિસ્તાન ક્રિકેટના પેટ્રન ત્યાંના વડાપ્રધાન હોય છે. આ વખતે પાકિસ્તાની વડાપ્રધાન ખુદ વર્લ્ડ કપ વિજેતા કપ્તાન રહી ચૂક્યા છે, એવામાં આશા રાખી શકીએ કે જો પાકિસ્તાન આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ ન પહોંચે, જેની શક્યતાઓ વધુ છે, તો દેશના ક્રિકેટ માળખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે.

આ પ્રકારની માંગ ઈંગ્લેન્ડમાં હાલમાં કોમેન્ટ્રી કરી રહેલા પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ કપ્તાનો રમીઝ રાજા, વસીમ અક્રમ અને વકાર યુનિસ ભારત સામેની હાર બાદ કરી ચૂક્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here