સજા: વિવાદાસ્પદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કારાવાસ

0
238
Photo Courtesy: deccanchronicle.com

છેલ્લા લગભગ સત્તર વર્ષથી કોઈના કોઈ મામલે વિવાદમાં રહેતા પૂર્વ સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજે બે દાયકાથી પણ વધુ જૂના એક કેસમાં જામનગરની અદાલતે આજીવન કારાવાસની સજા કરી છે.

Photo Courtesy: deccanchronicle.com

જામનગર: લગભગ 29 વર્ષ જૂના કસ્ટોડીયલ ડેથના એક કેસમાં વિવાદાસ્પદ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. આજે થોડા સમય અગાઉ આ મામલે જામનગર કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

સંજીવ ભટ્ટ પર જામજોધપુરમાં કસ્ટોડીયલ ડેથનો કેસ ચાલી રહ્યો હતો. આ ઘટના 1989માં બની હતી. ગયા અઠવાડિયે સુપ્રિમ કોર્ટે સંજીવ ભટ્ટની તમામ સાક્ષીઓની પુનઃ તપાસ કરવાની અરજીને નકારી દીધી હતી.

સંજીવ ભટ્ટ ગુજરાત હાઈકોર્ટના એ ચુકાદા બાદ સુપ્રિમ કોર્ટ ગયા હતા જેમાં હાઈકોર્ટે 1989ના કસ્ટોડીયલ ડેથના એક વધારાના સાક્ષીની પુનઃ તપાસ કરવાની અરજી ફગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે આ મામલે પોતાનો ચૂકાદો 20 જૂન સુધી આરક્ષિત રાખ્યો છે તેવા સંજોગોમાં હાઈકોર્ટ તેને કોઈજ નિર્દેશ આપી શકે તેમ નથી.

1989માં સંજીવ ભટ્ટ જામનગરમાં ASP તરીકે નિયુક્ત થયા હતા. આ સમયે જામજોધપુરમાં કોમી રમખાણો દરમ્યાન સંજીવ ભટ્ટ પર અસંખ્ય લોકોની ગેરકાયદેસર ધરપકડ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી એક વ્યક્તિ પ્રભુદાસ વૈશ્નાનીનું કસ્ટડીમાં જ મૃત્યુ થયું હતું. મૃત્યુ સમયે પ્રભુદાસ વૈશ્નાનીના શરીર પર ઈજાના નિશાન હતા.

આ બાબતે સંજીવ ભટ્ટ સાથે અન્ય છ પોલીસવાળાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે આ મામલે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે.

સંજીવ ભટ્ટનું વિવાદાસ્પદ વ્યક્તિત્વ 2002ના ગોધરાકાંડની પ્રતિક્રિયા રૂપે થયેલા કોમી રમખાણો બાદ બહાર આવ્યું હતું. આ રમખાણો અંગે સંજીવ ભટ્ટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ મૂક્યા હતા.

બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી SIT દ્વારા સંજીવ ભટ્ટ દ્વારા નરેન્દ્ર મોદી પર મુકવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંજીવ ભટ્ટ પોતાના ઘરનો ગેરકાયદેસર વિસ્તાર કરી અને તે અંગે વાંધો ઉઠાવનાર પોતાના પડોશીને ધમકાવવા અંગેનો કેસ પણ સુપ્રિમ કોર્ટમાં હારી ગયા છે.

સંજીવ ભટ્ટ પર બનાસકાંઠામાં એક વ્યક્તિને ફસાવવા માટે તેના ઘરે ડ્રગ્સ મુકવાના આરોપ હેઠળ પણ કેસ ચાલી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here