ગઈકાલના રાષ્ટ્રપતિના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધી સંબોધન પર ધ્યાન આપવાને બદલે મોટાભાગનો સમય પોતાના મોબાઈલ સાથે વ્યસ્ત હતા. કોંગ્રેસે આ અપમાન અંગે ગળે ન ઉતરે તેવા બહાના બતાવ્યા છે.

નવી દિલ્હી: ગઈકાલે 17મી લોકસભાના પ્રથમ સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ સમગ્ર સંબોધનના મોટાભાગના સમય દરમ્યાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોબાઈલમાં વધુ અને સંબોધન પ્રત્યે ઓછું ધ્યાન આપી રહ્યા હોય એવું તેના લાઈવ ટેલિકાસ્ટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ દેશની સંસદને સંબોધન કરી રહ્યા હોય ત્યારે તેમની સમક્ષ જોઇને તેમને સાંભળવા એ કોઇપણ સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે એવી વાત છે. પરંતુ કોંગ્રેસ પ્રમુખ તેમ કરવાને બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત દેખાયા હતા જેને રાષ્ટ્રપતિનું અપમાન પણ કહી શકાય છે.
પરંતુ પોતાની ભૂલ સ્વીકારે એવી આશા કોંગ્રેસ પાસેથી રાખવી વ્યર્થ છે. કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ જ્યારે પત્રકારોએ આ બાબતે તેમને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જે સાંભળવું હતું એ તેમણે સાંભળી લીધું હતું.
આ ઉપરાંત આનંદ શર્માએ એમ પણ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિનું ઉદબોધન હિન્દીમાં હોવાથી તેના કેટલાક શબ્દોનું ભાષાંતર પોતાના મોબાઈલમાં કરી રહ્યા હતા. જો આનંદ શર્માની વાત સાચી હોત તો તેઓ અહીંથી અટકી ગયા હોત.
પરંતુ ત્યારબાદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે આમ પણ રાષ્ટ્રપતિના ભાષણમાં કશું નવું ન હતું. તેઓ માત્ર સરકારની એની એ વાતો રિપીટ કરી રહ્યા હતા આથી તેને સાંભળવી જરૂરી ન હતી.
આ પરથી ફરીથી સાબિત થાય છે કે કોંગ્રેસને બંધારણીય સંસ્થાઓ અને બંધારણ દ્વારા નિયુક્ત વ્યક્તિઓના સન્માનની કેટલી ચિંતા છે. આનંદ શર્માનો ખુલાસો માત્ર ને માત્ર કોંગ્રેસના અભિમાનના જ દર્શન કરાવે છે.
રાહુલ ગાંધી અગાઉ પણ આ રીતે સમય અને સંજોગ જોયા વગર બેજવાબદારીથી વર્તી ચૂક્યા છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત દેશના તમામ નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા ત્યારે પણ રાહુલ ગાંધી પોતાનો મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણ દરમ્યાન તેના પર પૂરતું ધ્યાન ન આપવાનું કાર્ય તો કર્યું જ હતું પરંતુ જ્યારે રાષ્ટ્રપતિએ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના મુદ્દે વાત કરી ત્યારે સમગ્ર સંસદની સાથે રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીએ પણ બેંચ થપથપાવી ત્યારે પણ રાહુલ ગાંધી તેમને તેમ કરતા અટકાવતા જોવા મળ્યા હતા.
ગઈ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોટોકોલ વિરુદ્ધ જઈને ભરી લોકસભામાં રાહુલ ગાંધી તેમને ભેટ્યા હતા અને ત્યાર બાદ પોતાની બેઠક પર જઈને તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને આંખ મારી હતી જે દ્રશ્ય સમગ્ર દેશે જોયું હતું.
આમ રાહુલ ગાંધી પોતે એક સિરિયસ રાજનેતા હોય એવું તેમણે ક્યારેય પ્રતીત કરાવ્યું નથી અને ગઈકાલે ફરીથી તેમણે પોતાની બેજવાબદારી દેખાડી દીધી હતી.
eછાપું