સોશિયલ મિડીયામાં ભલે બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયાને આપેલી ‘લડત’ ની ચર્ચા હોય પરંતુ શું બાંગ્લાદેશે આ કહેવાતી લડત મોડી શરુ નહોતી કરી? કે પછી આ લડતને તેણે કોઈ દિશા આપી હતી ખરી?

અંગ્રેજીમાં જેને Underdogs કહેવામાં આવે છે એવી ટીમો એટલેકે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને આજકાલ તો વેસ્ટ ઇન્ડિઝને પણ એમાં ઉમેરવી પડે, એવી ટીમો સાથે ચાહકોની લાગણી જોડાઈ હોય છે. કોઇપણ મજબૂત ટીમ સામે આ પ્રકારની Underdog ટીમ રમતી હોય ત્યારે ન્યુટ્રલ દેશના ચાહકો એવી જ આશા કરતા હોય છે કે, “આ નબળી ટીમ જો આજે પેલી મજબૂત ટીમને હરાવી દે તો મજા પડી જાય!”
આવું ઘણી વાર થતું પણ હોય છે અને ભૂતકાળમાં થયું પણ છે. વર્લ્ડ કપ તો આ પ્રકારના જ અપસેટ્સ માટે જાણીતો છે. અહીં કેન્યાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું છે, ઝિમ્બાબ્વેએ ભારતને હરાવ્યું છે, અરે આયરલેન્ડે ઇંગ્લેન્ડને પણ હરાવ્યું છે. પરંતુ મોટાભાગે જ્યારે આ પ્રકારની Underdog ટીમો હારી જાય ત્યારે તેમની જીતની આશા રાખતા ચાહકો એ હારમાં positives શોધવા લાગે છે અને શોધ્યા પછી તેમાં જ સંતોષ માણતા હોય છે.
પરંતુ મેદાની હકીકત અલગ હોય છે. બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયાના 381/5 ના હિમાલય સ્કોરનો પીછો કરવાની રીત અને છેલ્લે 48 રન દૂર રહી જવું તે તેની કહેવાતી ‘લડત’ જરૂર દર્શાવે છે પરંતુ મેચના અંતે સેમીફાઈનલમાં પહોંચવા માટે અત્યંત જરૂરી એવા 2 પોઈન્ટ્સ તો ઓસ્ટ્રેલિયા લઇ ગયું હતું, બાંગ્લાદેશ નહીં. એટલે સોશિયલ મિડીયામાં ભલે ઓસ્ટ્રેલિયાની જીત કરતા બાંગ્લાદેશની હારની ચર્ચા વધુ હોય પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને તેનાથી કોઈજ ફરક નથી પડ્યો જેટલો બાંગ્લાદેશને પડ્યો છે.
ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલની વધુ નજીક પહોંચ્યું છે જ્યારે બાંગ્લાદેશ માટે એ માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે. એક રીતે જોવા જઈએ તો આખી મેચમાં બાંગ્લાદેશ ક્યારેય રેસમાં હતું જ નહીં! ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચની તગડી શરૂઆતે જ બાંગ્લાદેશને બેકફૂટ પર લાવી દીધું હતું. એવામાં તેની અસહ્ય કહી શકાય એ હદની નબળી ફિલ્ડીંગે ઓસ્ટ્રેલિયાને આટલા મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.
બેટિંગમાં રનચેઝને જે પૂશ મળવો જોઈએ તે છેક મુશ્ફીકુર રહીમના આવ્યા બાદ મળ્યો જે ખરેખર તો બહુ પહેલા મળવો જોઈતો હતો. પરંતુ તમીમ ઇકબાલ અને સૌમ્ય સરકાર વચ્ચે સાવ મુર્ખામીભરી ગુંચવણ અને એરોન ફિન્ચના અદભુત થ્રો એ જરૂરી તેજ શરૂઆત શક્ય ન બનાવી. અને મુશ્ફીકુર પણ તેની સમગ્ર બેટિંગ દરમ્યાન 100ની સ્ટ્રાઈક રેટની આસપાસ જ રહ્યો હતો. તેણે ક્યારેય 110-120ની સ્ટ્રાઈક રેટ મેળવી જ ન હતી જેની જરૂર હતી.
બાંગ્લાદેશ તરફથી ખરેખરી ફટકાબાજી તો મહમદુલ્લાએ શરુ કરી હતી જે 138ની સ્ટ્રાઈક રેટ સાથે રમ્યો હતો, પરંતુ એ વખતે ઘણું મોડું થઇ ગયું હતું. છેવટે જરૂરી રન અને બોલ વચ્ચેનો ગેપ સતત એટલો બધો રહ્યો હતો કે ઓસ્ટ્રેલિયાને ખબર જ હતી કે જીત તો આપણી જ છે, બસ જીતનું માર્જીન કેટલું રહેશે એ જોવાનું છે અને 48 રનનું માર્જીન એ વનડે ક્રિકેટમાં આજે પણ મોટું અને આરામદાયક જ ગણાય છે.
બાંગ્લાદેશની લડત ખરી પરંતુ તે દિશાવિહીન લડત હતી. આ પ્રકારે મોટા સ્કોરનો પીછો કરતી વખતે ખરેખરી લડત જો જોવા મળી હોય તો રાજકોટમાં ભારત સામે શ્રીલંકાએ આપી હતી જ્યારે અમુક વર્ષો અગાઉ ભારતના 414 જેટલા વિશાળ સ્કોર સામે તે માત્ર 3 રને જ હારી ગયું હતું અને તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારા જ્યાં સુધી ક્રિઝ પર હતા ત્યાં સુધી ભારતીય ટીમે જીતનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો.
બાંગ્લાદેશ હજી પણ સેમીફાઈનલની દોડમાંથી બહાર નથી થયું પરંતુ, હવે તેણે બાકીની ત્રણેય મેચો જીતવી પડશે જેમાંથી એક મેચ ભારત સામે છે અને બીજી મેચ પાકિસ્તાન સામે જે જીતવી તેના માટે જરાય સહેલી નહીં હોય.
Preview: ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા, હેડિંગ્લે, લીડ્ઝ
આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના અત્યારસુધીના દેખાવ પરથી આ મેચનું પરિણામ શું આવશે તે અંગેની કલ્પના કરવી જરાય અઘરી નથી. ઇંગ્લેન્ડ દરેક વિભાગમાં શ્રીલંકાથી ચડીયાતું છે અને શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
eછાપું