કપરી પસંદગી: ગાંગુલી અને લક્ષ્મણ સામે મુશ્કેલ પ્રશ્ન ઉભો થયો!

1
133
Photo Courtesy: deccanchronicle.com

લોઢા સમિતિની ભલામણ અનુસાર કોઇપણ વર્તમાન કે પછી પૂર્વ ખેલાડી કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ધરાવતો હોવો જોઈએ નહીં. BCCIના એથિક્સ ઓફિસરે આ મામલે પૂર્વ ખેલાડીઓ સૌરવ ગાંગુલી અને વી વી એસ લક્ષ્મણ સમક્ષ એક મોટો પ્રશ્ન ખડો કરી દીધો છે.

Photo Courtesy: deccanchronicle.com

નવી દિલ્હી: ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ખેલાડી વી વી એસ લક્ષ્મણને BCCIએ થોડી વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. BCCIના એથિક્સ ઓફિસર ડી કે જૈને ગુરુવારે એવો ચૂકાદો આપ્યો હતો કે સૌરવ ગાંગુલી અને લક્ષ્મણે IPL અથવાતો BCCIના હોદ્દાઓ વચ્ચે એકની પસંદગી કરવાની રહેશે.

ગાંગુલી અને લક્ષ્મણ બંને ક્રિકેટ એડવાઇઝરી કમિટીના (CAC) સભ્યો પણ છે અને IPLની બે જુદીજુદી ફ્રેન્ચાઈઝીઓમાં મેન્ટર પણ છે. એથિક્સ ઓફિસરના મતે આ બંને પદ એકબીજાથી વિરુદ્ધ ભૂમિકા એટલેકે કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને આથી આ બંનેએ આ બંને પદોમાંથી એકની પસંદગી કરવાની રહેશે.

લક્ષ્મણ સન રાઈઝર્સ હૈદરાબાદનો મેન્ટર છે જ્યારે સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સનો મેન્ટર છે. આ ઉપરાંત ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગોલનો (CAB) પણ પ્રમુખ છે.

ન્યૂઝ સંસ્થા PTIને આપેલી એક મુલાકાતમાં જૈને જણાવ્યું હતું કે, “એક વ્યક્તિ એક હોદ્દો એ લોઢા સમિતિની ભલામણોનો આત્મા છે. મેં માત્ર તેનું પાલન કર્યું છે. સચિનના મામલામાં કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ બનતો નથી કારણકે તે CAC માંથી કોઇપણ પ્રકારનું વળતર મેળવતો નથી. પરંતુ ગાંગુલી અને લક્ષ્મણના મામલામાં તેમણે જ એ નિર્ણય લેવાનો છે કે તેઓ ભારતીય ક્રિકેટને કયા માર્ગે આગળ વધારવા માંગે છે.”

સચિન તેંદુલકર પણ મુંબઈ ઇન્ડિયન્સ IPL ફ્રેન્ચાઈઝીનો મેન્ટર છે. આ ત્રણેય મહાન ક્રિકેટરો પર એક વ્યક્તિ બે પદનો ગેરલાભ ઉઠાવવાનો મામલો ચાલી રહ્યો હતો.

આ ત્રણેયે BCCIને આ મામલે સ્પષ્ટતા કરવાની વિનંતી કરી હતી. વી વી એસ લક્ષ્મણે તો CAC માંથી રાજીનામું આપવાની પણ ઓફર કરી હતી.

BCCIના એથિક્સ ઓફિસર તરીકે જૈનની નિમણૂંક ગત ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાંગુલી અને લક્ષ્મણ અંગેનો ચૂકાદો આપ્યો તેમાં તેમણે કશું અદભુત નથી કર્યું.

ડી કે જૈન સમક્ષ રોબિન ઉથપ્પા અને ઈરફાન પઠાણનો કેસ પણ આવી શકે છે. આ બંને ખેલાડીઓ હજી પણ એક્ટિવ ક્રિકેટ રમે છે પરંતુ તેની સાથે સાથે કોમેન્ટ્રી પણ કરી રહ્યા છે.

આ મુદ્દે ડી કે જૈનનું કહેવું હતું કે તેઓ માત્ર લોઢા કમિશનની ભલામણોની ભાવનાનું સન્માન કરી રહ્યા છે અને આ કિસ્સા (ઉથપ્પા અને ઈરફાન પઠાણ) પણ કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ આવી શકે છે.

ડી કે જૈનના કહેવા અનુસાર, “ભલામણો અનુસાર હાલમાં એક્ટિવ ક્રિકેટરો વિરુદ્ધ પણ ફરિયાદ આવી શકે છે. આ ખેલાડીઓએ અત્યારથી જ તે અંગેની માનસિક તૈયારી કરી લેવી જોઈએ. મેં કોઈને પણ કોમેન્ટ્રી કરતા રોક્યા નથી. મેં ફક્ત BCCIના બંધારણ અનુસાર કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું હોઈ શકે તેની જ વ્યાખ્યા કરી છે.

હવે એ ખેલાડીઓ પર છે કે તેઓ આ દાયરામાં આવે છે કે નહીં તે નક્કી કરે. મેં પહેલીવાર આ પ્રમાણે નિયમ વાંચીને મારું અર્થઘટન કર્યું છે. હવે તે BCCIએ નક્કી કરવાનું છે તેણે તે સ્વીકાર કરવું કે નહીં. કોઈને મારા અર્થઘટન વિરુદ્ધ અપીલ કરવી હોય તો તે કરી શકે છે.”

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here