કારમી હાર પણ રાહુલ ગાંધીને બોધપાઠ આપવામાં નિષ્ફળ રહી છે

0
135
Photo Courtesy: newindianexpress.com

માત્ર એક જ Tweet દ્વારા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારતીય સેના, તેના વીર જવાનો, તેની ડોગ સ્કવોડ, યોગાભ્યાસ અને ખુદ ભારત દેશનું અપમાન કરી દીધું હતું.

Photo Courtesy: newindianexpress.com

પાંચ વર્ષમાં વિપક્ષ તરીકે 44 માંથી 52 એમ માત્ર 8 બેઠકોનો ઉમેરો પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બોધપાઠ આપવામાં નિષ્ફળ રહી છે. કદાચ એ શક્યતાઓ પણ છે કે રાહુલ ગાંધીએ ઓલરેડી કોંગ્રેસના પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હોવાથી હવે તેમને કોંગ્રેસ કયા માર્ગે જશે તે જાણવામાંથી જ રસ ઉડી ગયો છે. જો આમ ન હોત તો તેમણે એ ન કર્યું હોત જે તેમણે ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્યું.

ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક તરફ સમગ્ર વિશ્વના 170થી પણ વધુ દેશો ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ એવા યોગ અને યોગાભ્યાસમાં રમમાણ થઇ ગયું હતું ત્યારે રાહુલ ગાંધીએ આ દિવસે પણ ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મશ્કરી કરવાથી ચૂકયા ન હતા.

આપણે જાણીએ છીએ કે 2014માં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પોતાનું પ્રથમ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષમાં એક દિવસ એટલેકે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની અપીલ કરી હતી. ત્યારબાદ ભારતે યુએનમાં આ અંગે એક પ્રસ્તાવ મૂક્યો હતો જેને 170થી પણ વધુ દેશોએ સમર્થન આપતા આ પ્રસ્તાવ પસાર થઇ ગયો હતો. આમ એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શક્ય બન્યો છે.

તો નરેન્દ્ર મોદી જે કોઇપણ કાર્ય કરે તેને નકામું બતાવવામાંથી કે પછી તેની મજાક ઉડાવવામાંથી રાહુલ ગાંધી કેમ પાછા પડે? આથી તેમણે ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક Tweet કરી જેમાં તેમણે ભારતીય સેનાના ડોગ સ્કવોડ દ્વારા કરવામાં આવતા યોગ દિવસના ફોટા એટેચ કર્યા હતા અને  ઉપર ટેગલાઈન આપી હતી કે ‘New India’.

પ્રથમ નજરે સાવ નિર્દોષ લાગતી આ ટેગલાઈન પાછળ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનો નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેટલો મોટો દ્વેષ છુપાયેલો છે તે જાણવું બધા માટે જરૂરી છે. New India પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ વિચાર છે. આ વિચાર અનુસાર 2022 જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવે ત્યારે ભારતમાં તમામ પ્રકારની સુખાકારી ઉપબ્ધ હોય એવું અત્યંત મુશ્કેલ લક્ષ્ય ધારવામાં આવ્યું છે.

ખરેખર તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહીત તમામ ભારતીયોએ વડાપ્રધાનના આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે મહેનત કરવી જોઈએ, પરંતુ જો એમ થાય તો રાહુલ ગાંધી અને તેમના પક્ષને રાજકીય લાભ ગુમાવવો પડે, કારણકે તેમને તો ભારત ગરીબ અને બિચારું જ જોઈએ છીએ જેથી તેઓ આ ગરીબ અને બિચારા ભારત પર શાસન કરીને પોતાના ઘર ભરે!

આથી જ્યારથી આ New Indiaનો વિચાર સામે આવ્યો છે ત્યારથી કોંગ્રેસ અને તેના નેતાઓ દેશમાં બનતી દરેક દુર્ઘટનાઓ સાથે તેને જોડીને નરેન્દ્ર મોદી અને તેમની સરકારની મજાક ઉડાડતા જોવા મળે છે. ખરેખર તો આ દ્રષ્ટિનો મતલબ જ એ છે કે ભારત કોઇપણ પ્રકારની તકલીફો સહન ન કરે અને સર્વે ભારતીયોનું કલ્યાણ થાય.

સરકારની ટીકા કરવા સુધી New Indiaની મજાક ઉડાવવામાં આવે ત્યાંસુધી તો કદાચ કોઈને પણ વાંધો ન હોય પરંતુ રાહુલ ગાંધીએ ઉપરોક્ત Tweet કરીને ભારતીય સેના અને તેના ડોગ સ્કવોડનું પણ અપમાન કર્યું છે અને તેની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના વરસારુપી યોગનું પણ અપમાન કર્યું છે. જો કે રાહુલ ગાંધી દેશની સેનાનું અપમાન કરે એમાં કોઈને પણ આશ્ચર્ય ન થાય.

અગાઉ સર્જીકલ સ્ટ્રાઈક્સ અને એર સ્ટ્રાઈક્સ વખતે ભારતીય સેના અને વાયુસેના પાસેથી તેના પૂરાવા માંગીને અને પુલવામા શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોબાઈલમાં વ્યસ્ત રહીને રાહુલ ગાંધી સેનાનું અપમાન કરી ચૂક્યા છે. અરે! 2019ના પોતાના ચૂંટણી ઢંઢેરામાં જો કોંગ્રેસની સરકાર આવશે તો જમ્મુ અને કાશ્મીરમાં સેનાને મળતા ખાસ અધિકારો એટલેકે AFSPAને તે નાબુદ કરી દેશે એવું સેનાને આતંકવાદીઓ સમક્ષ નિર્બળ બનાવતા નિર્ણય લેવાનું વચન પણ રાહુલ ગાંધી આપી ચૂક્યા છે.

રાહુલ ગાંધીની Tweetનો જો સહુથી યોગ્ય ઉત્તર કોઈએ આપ્યો હોય તો બેંગ્લોર સાઉથના સંસદસભ્ય તેજસ્વી સૂર્યાએ આપ્યો હતો. તેજસ્વીએ કહ્યું હતું કે આ એક જ Tweet દ્વારા રાહુલ ગાંધીએ આપણી સેના, સેનાના વીર જવાનો, તેના અદભુત ડોગ સ્કવોડ, યોગની પરંપરા અને આપણા દેશનું એકસાથે અપમાન કરી દીધું છે.

તો રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધીની ટીકા કરતા ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

આપણે એ ન ભૂલવું જોઈએ કે રાહુલ ગાંધીના પક્ષની જ સરકાર હેઠળ જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલાઓ થયા હતા ત્યારે સેનાની આ જ ડોગ સ્કવોડે તમામ ફાઈવ સ્ટાર હોટલ્સમાં ફરીવળીને ‘સબ સલામત’ નિશ્ચિત કર્યું હતું અને પછી જ આ હોટલ્સ તેમના મેનેજમેન્ટને સોંપવામાં આવી હતી. તેમ છતાં રાહુલ ગાંધીને આ ડોગ સ્કવોડની કદર તો નથી જ પરંતુ તેમને તેની મશ્કરી કરવાનું પણ સુજે છે.

લાગે છે કે દેશની સેનાનું અપમાનનું કારણ જેણે લોકસભાની હાલની ચૂંટણીઓમાં  કોંગ્રેસની કારમી હારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તેનાથી રાહુલ ગાંધી કશું જ શીખ્યા નથી. રાહુલ ગાંધીની એ Tweet અંગે જ્યારે કોંગ્રેસની નેતાઓની પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે સામાન્ય રીતે રાહુલ ગાંધીના કોઇપણ લોચાનો બચાવ કરવા સદાય તૈયાર રહેતા ઉત્સાહિત કોંગ્રેસી નેતાઓ પત્રકારોના એ પ્રશ્નથી બચી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ અંગે કોંગ્રેસના પ્રવક્તાઓ જવાબ આપશે. કદાચ તેમને હવે ભાન થઇ ગયું છે કે આ રીતે ભારતીય સેનાનું અપમાન કરવાથી આપણને અને આપણા પક્ષને જ મત ગુમાવવા પડે છે.

કદાચ રાહુલ ગાંધી અને કોંગ્રેસને હજીપણ વધુ કારમી હાર જોઈએ છીએ અને તો જ તેમને બંનેને ભગવાન કોઈ સદબુદ્ધિ આપી શકશે એવું લાગી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here