ભારતીય ક્રિકેટ ટીમ તો અફઘાનિસ્તાનને હરાવીને બે પોઈન્ટ લઇ ગઈ, પરંતુ આ મેચમાં ટીમ કરતા કહેવાતા ભારતીય ક્રિકેટ ફેન્સને માટે શીખવા માટે ઘણા બધા સંદેશ મળ્યા છે.

વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં દરેક વિજય આસાનીથી મળી જાય એ શક્ય નથી હોતું અને દરેક વિજય જો આસાનીથી મળી જાય તો એ વર્લ્ડ કપ નથી હોતો. ટીમ ઇન્ડિયાના કહેવાતા ફેન્સનો કાળો ચહેરો ત્યારે ત્યારે જરૂર ઉઘાડો પડી જાય છે જ્યારે જ્યારે ટીમ આ મેચની જેમ સંઘર્ષ કરીને વિજય મેળવતી હોય છે. આ ફેન્સને પીચ અને વાતાવરણની કોઈજ પડી નથી હોતી પરંતુ અફઘાનિસ્તાન કે સ્કોટલૅન્ડ જેવી ટીમ સામે હોય તો એમને પહેલી ઈનિંગમાં 400 રનના ટોટલથી ઓછું કશું જ ખપતું નથી.
અને પછી જ્યારે ટીમ બોલિંગ કરે ત્યારે તેમણે આવી નબળી ટીમોને સાવ સસ્તામાં પતાવી દે તે જ જોઈતું હોય છે. એ કહેવું જરૂરી નથી કે આ કહેવાતા ફેન્સ ક્યારેય શેરી ક્રિકેટ છોડીને ક્લબ ક્રિકેટ સુધી નથી પહોંચ્યા હોતા કે ન તો તેઓએ ભારત સિવાયની અન્ય દેશોની ક્રિકેટ મેચો સતત જોઇને કે પછી તેના સ્કોર બોર્ડ્સ જોઇને તેનું વિશ્લેષણ કરવાની કળા શીખ્યા હોય છે. એમના માટે તો ટીમ ઇન્ડિયા રમવા ઉતરે એટલે જીત સિવાય બીજું કશું જ ન ખપે અને વળી પાછું એ જીત ભવ્ય જ હોવી જોઈએ એ જરૂરી છે નહીં તો “જવા દો ને બધું ફિક્સ જ છે!!” એમ કહીને પોતાના કપડાં ખંખેરી બીજી મેચ જોવા માંડતા હોય છે.
ભારતનો અફઘાનિસ્તાન સામેનો અને ન્યુઝીલેન્ડનો વેસ્ટ ઇન્ડિઝ સામેનો વિજય એ સંઘર્ષપૂર્ણ વિજય હતો એમાં ના નહીં. બંને ટીમોમાંથી ભારતની પરિસ્થિતિ જરા વધુ નબળી હતી એ સ્વિકારવામાં પણ ના નહીં. માત્ર 225 રનનો ટાર્ગેટ આપવો એ બોલિંગ ઇનિંગમાં સતત અને અતિશય ટેન્શન આપી શકે એ બિલકુલ શક્ય હતું અને એવું થયું પણ ખરું, પરંતુ આમ કેમ થયું તે પાછળના કારણો જુદા હોય છે અને એટલેજ કદાચ ક્રિકેટ અન્ય રમતો કરતા અલગ પડે છે.
ગઈકાલની મેચ પહેલા ભારત આ જ મેદાન પર સાઉથ આફ્રિકા સામે તેની આ વર્લ્ડ કપની પહેલી મેચ રમ્યું હતું જેને અત્યારે યાદ કરવી અત્યંત જરૂરી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પહેલી બેટિંગ કરીને કેટલા રન કર્યા હતા યાદ છે? 227! ભારતના ગઈકાલના સ્કોર કરતા માત્ર 3 રન વધુ અને ભારતે આ મેચ કેટલી ઓવરોમાં જીતી? 47.3 ઓવરોમાં. ટૂંકમાં આ સ્કોર લાઈન એ સાબિત કરે છે કે સાઉથહેમ્પટનની પીચ બેટ્સમેનોને તકલીફ આપે એવી છે અને એ પણ બંને ઈનિંગમાં.
આ પીચ પર બોલ માત્ર ધીમો જ નહોતો આવતો પરંતુ તેના પર તેને ‘ટેનીસ બોલ બાઉન્સ’ મળી રહ્યો હતો જે બેટિંગ કરવા માટે અત્યંત મુશ્કેલ ભરી સ્થિતિ હોય છે. આપણા ‘કટ્ટર ક્રિકેટ ચાહકોને’ આ ટેનીસ બોલ બાઉન્સ શું છે તેની ખબર હોતી નથી પરંતુ ધોની અને પંડ્યાએ કેમ રમવું જોઈએ એની સલાહ તેઓ જરૂર આપશે. ટેનીસ બોલ બાઉન્સ એટલે શું એ જાણવું હોય તો બે ઘડી આંખ બંધ કરીને કોઈ ટેનીસ મેચ રમાતી હોય એની કલ્પના કરી લેવી. જ્યારે ટેનીસનો એક ખેલાડી ‘વોલી’ મારે (હવે આ વોલી એટલે શું એને વિસ્તૃત રીતે સમજાવવા માટે એના અલગથી ચાર્જ લેવામાં આવશે, ઓકે?) અને બીજા ખેલાડીના હાફમાં જ્યારે બોલનો ટપ્પો પડે ત્યારે શું થાય એની પણ કલ્પના કરી લેજો. બસ તમને ટેનીસ બોલ બાઉન્સની ખબર પડી જશે.
હા, અંગત મતે 225 રન હજી પણ 10-15 રન ઓછા કહેવાય પરંતુ આ પીચ પર 300-350 બિલકુલ શક્ય ન હતા એ પણ એટલું જ સાચું છે. વત્તા અફઘાનિસ્તાનના બોલર્સે ખુબ સરસ બોલિંગ કરી અને પીચનો સ્વભાવ જાણીને બોલિંગ કરી. 225 રનની રક્ષા ભારત તેના બોલિંગ એટેકને લીધે કરી જ લેશે તેના પર લેશમાત્ર શંકા ન હતી, પરંતુ ભારત કેટલા રને જીતશે તેના પર શંકા જરૂર હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે અફઘાનિસ્તાન ઓછામાં ઓછા 70 રને હારવું જોઈએ કારણકે તેને આ પ્રકારની પીચ પર સટીક ભારતીય બોલિંગ સમજવામાં તકલીફ પડશે.
પરંતુ, અફઘાનિસ્તાનના બેટ્સમેનોની પ્રશંસા કરવી જોઈએ કે તેમણે ઠંડા મગજે બેટિંગ કરે રાખી અને શરૂઆતમાં બહુ જ ઓછી વિકેટો ગુમાવી. તેમ છતાં બીજી બેટિંગ કરનારી ટીમ પર હંમેશા સ્કોર બોર્ડ પ્રેશર હોય જ છે અને આવી ઓછા સ્કોર વાળી મેચમાં પણ જ્યારે જરૂરી રન રેટ 7 ઉપર જતો રહે ત્યારે લગભગ મેચ રનચેઝ કરનારી ટીમના કાબુ બહાર તે જતો રહેતો હોય છે. મોહમ્મદ નબીનું અહીં ખાસ નામ લેવું જોઈએ. નબીનો ટેમ્પરામેન્ટ જોઇને કાલે સતત વિરેન્દર સહેવાગની યાદ આવતી હતી. એકદમ નીશ્ફીકર થઈને ચ્યુંઈંગમ ચાવતો ચાવતો નબી એવી બોડી લેન્ગવેજ દેખાડતો હતો કે ભલભલી ટીમને પરસેવો આવી જાય.
તો સામે પક્ષે ભારતના બોલર્સના પણ વખાણ કરીએ એટલા ઓછા. સમગ્ર બોલિંગ ઈનિંગમાં એવી એક પણ ઓવર રહી ન હતી જેમાં આપણા બોલરોએ 15 કે તેનાથી વધુ રન આપ્યા હોય. જો આવી બે ઓવર પણ રહી હોત તો મેચનું પરિણામ કદાચ અલગ હોત. જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ માટે આશિર્વાદ બનીને આવ્યો છે એમાં શંકા નથી. માત્ર અમુક પગલાનું રનઅપ અને તો પણ બોલિંગ પર ગજબનો કાબુ અને ઈચ્છે ત્યારે 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ નાખી શકવી એ કોઈ કાચાપોચાનું કામ નથી.
એક જ ઓવરમાં અફઘાનિસ્તાનની બે વિકેટો લઈને જસપ્રીતે મેચ નિર્ણાયક રીતે ભારત તરફ કરી દીધી હતી તો છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને મોહમ્મદ શમીએ ભારતને છેવટે સંઘર્ષપૂર્ણ વિજય અપાવવામાં મદદ કરી હતી. ભારતીય ટીમ માટે આ એક સ્વપ્નશીલ ગાળો છે જ્યારે એક ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થાય તો પણ તેને ચિંતા નથી થતી, કારણકે તેની પાસે બીજો એવો ફાસ્ટ બોલર છે જે કદાચ પહેલા કરતા પણ વધુ સારી બોલિંગ કરી દેખાડે છે.
છેલ્લે ભારતીય ફેન્સને એટલો જ સંદેશ છે કે વિજય આખરે વિજય હોય છે, પછી તે ભારતનો અફઘાનિસ્તાન સામે હોય કે ન્યુઝીલેન્ડનો વેસ્ટ ઇન્ડિઝ સામે. બલ્કે અફઘાનિસ્તાન જેવી ટીમ સામે જો ટીમને જીત માટેસંઘર્ષ કરવો પડ્યો હોય તો સેમીફાઈનલ કે ફાઈનલ જેવી મોટી મેચોમાં ટીમ ઓલરેડી માનસિક રીતે તૈયાર હોવાથી ફાયદો મળતો હોય છે.
જો વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ હોય તો 1 રને કે 1 વિકેટે મળેલો વિજય પણ તમને 2 પોઈન્ટ્સ આપે છે જે સેમીફાઈનલમાં પહોંચવામાં તમને મદદ કરે છે. અને જો દ્વિપક્ષીય શ્રેણી હોય તો તે શ્રેણીના સ્કોરને વધારવા કે ઘટાડવામાં મદદ કરે છે. ક્રિકેટમાં ‘જો’ અને ‘તો’ ને કોઈજ સ્થાન નથી હોતું, અહીં તો ‘જો જીતા વોહી સિકંદર’ નો ન્યાય તોળવામાં આવે છે.
Preview: સાઉથ આફ્રિકા વિ. પાકિસ્તાન, લોર્ડ્ઝ, લંડન
આ મેચ બરોબરીની મેચ બની શકે છે. સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન બંને ટીમોનો આત્મવિશ્વાસ અત્યારે તળીએ છે. સાઉથ આફ્રિકા હાલમાં જ ન્યુઝીલેન્ડ સામે બહુ કટોકટી ભરી મેચમાં હાર્યું છે જ્યારે પાકિસ્તાન ભારત સામે ગત શનિવારે ‘તબિયતથી’ હાર્યું છે. તેમ છતાં પાકિસ્તાનની ટીમ વિષે ક્યારેય કશું કહેવાય નહીં એવી એની છાપ વિરુદ્ધ સાઉથ આફ્રિકા જેનો વર્લ્ડ કપ લગભગ પૂરો થઇ ગયો છે, તે મરતા ક્યા ન કરતા ના ન્યાયે આક્રમક રમત રમે તો નવાઈ નહીં.
eછાપું