વિક્રમ: ભગવાન કેદારનાથના દર્શન કરવા આ વર્ષે રેકોર્ડતોડ શ્રદ્ધાળુઓ આવ્યા

0
156
Photo Courtesy: news.euttaranchal.com

સાત વર્ષ અગાઉ ભયંકર પૂરથી અસર પામેલા કેદારનાથ મંદિરની મુલાકાતે આ વર્ષે માત્ર દોઢ મહિનામાં જ રેકોર્ડતોડ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. મંદિરના વ્યવસ્થાપકો આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે.

Photo Courtesy: news.euttaranchal.com

કેદારનાથ: હિન્દુ ધર્મના પ્રત્યેક આસ્તિક માટે અતિશય પવિત્ર એવા ચારધામમાંથી એક એવા કેદારનાથ યાત્રાધામમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડતોડ વધારો થયો છે. આ વર્ષે ચારધામ યાત્રા શરુ થયાને હજી 50 દિવસ પણ પૂર્ણ નથી થયા, એવામાં અહીં સાત લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન કેદારનાથના દર્શન કરવાનો લાભ મેળવી લીધો છે.

કેદારનાથના ઇતિહાસમાં યાત્રાળુઓની સંખ્યામાં આ સહુથી મોટો વધારો છે. ગયા વર્ષે દર વર્ષની જેમજ  જ્યારે છ મહિના માટે ચારધામ યાત્રા ચાલી હતી ત્યારે કુલ 7.35 લાખ શ્રદ્ધાળુઓએ અહીં દર્શન કર્યા હતા.

આ વર્ષે માત્ર 45 દિવસમાં જ કેદારનાથ દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 7.32 લાખને પાર કરી ગઈ છે. આટલું જ નહીં આ 45 દિવસોમાં કેટલાક એવા દિવસો પણ રહ્યા હતા જ્યારે એક જ દિવસમાં મહત્તમ યાત્રીઓ અને શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી.

7મી જુને અત્યારસુધીમાં સહુથી વધુ 36,000 દર્શનાર્થીઓ અહીં આવ્યા હતા જ્યારે 10 જુને આ સંખ્યા 36,021ની રહી હતી. મંદિરના વ્યવસ્થાપકો મંદિરની મુલાકાતે અને કેદારનાથબાબાના દર્શને શ્રદ્ધાળુઓનો ધસારો થાવા પાછળનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે.

ગઢવાલ મંડલ વિકાસ નિગમના જનરલ મેનેજર બી એલ રાણાએ કહ્યું હતું કે, “કેદારનાથ એ વડાપ્રધાનના હ્રદયની ઘણું નજીક છે અને તેઓ અહીં ચાલી રહેલા પુનર્નિર્માણના કાર્યનું બહુ ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીની અહીંની વારંવારની મુલાકાતોએ દેશભરના લોકોનું કેદારનાથ પ્રત્યે ધ્યાન દોર્યું છે.

2013માં આવેલા વિનાશક પૂર બાદ છેલ્લા છ વર્ષમાં કેદારનાથ મંદિરના દર્શને આવનારા લોકોની સંખ્યા પર નજર નાખીએ તો પૂર આવ્યાના તુરંત બાદ 3.33 લાખ મુલાકાતીઓ અહીં આવ્યા હતા, તો 2014માં 40,922, 2015માં 1.54 લાખ, 2016માં 3.09 લાખ, 2017માં 4.71  લાખ અને 2018માં અગાઉ જણાવ્યા અનુસાર 7.32 લાખ જેટલી સંખ્યા રહી હતી.

બદ્રી-કેદાર ટેમ્પલ કમિટીના CEO બી ડી સિંગે જણાવ્યું હતું કે ચારધામ યાત્રા પૂર્ણ થવાને હજી પણ પાંચ મહિના બાકી છે. આવામાં તેમને આશા છે કે ઓક્ટોબર મહિનામાં જ્યારે યાત્રા પૂર્ણ થશે ત્યારે શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા 15 લાખને પાર કરી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ પૂરથી ભારે અસર પામેલા કેદારનાથ મંદિરના પુનર્નિર્માણ અંગેના કાર્યમાં અંગત રસ લઈને તેને શરુ કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ આ કાર્યની પ્રગતિ માટે વારંવાર બેઠકો કરે છે અને અધિકારીઓ પાસેથી આંકડાઓ પણ મેળવતા હોય છે.

ગયા મહીને પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીના પ્રચાર સંપન્ન થયા બાદ વડાપ્રધાન મોદી કેદારનાથ પાસે આવેલી એક ગુફામાં એક રાત્રી ધ્યાન કરવા માટે રોકાયા હતા. ત્યારબાદ સામાન્ય જનતાને આ પ્રખ્યાત યાત્રાધામ વિષે જાણવાની તેમજ તેની મુલાકાત લેવાની ઉત્સુકતા વધી ગઈ છે તે ઉપરોક્ત આંકડાઓ જોતાં સ્પષ્ટ થાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here