CWC 19 | M 30 | નીરસ સાઉથ આફ્રિકાની નીરસ સફરનો અંત આવ્યો

0
247
Photo Courtesy: twitter.com/cricketworldcup

છેવટે સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે અને તેને તેણે અત્યારસુધીમાં દેખાડેલા પ્રદર્શનનું જ ફળ મળ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાને આ જીત સાથે ટુર્નામેન્ટમાં ટકી રહેવાની આશા જીવંત રાખી છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકાને ટુર્નામેન્ટ જીતવાની પાંચમી ફેવરીટ ટીમ ગણવામાં આવતી હતી તેણે તેની 7 મેચ રમ્યા બાદ માત્ર 3 પોઈન્ટ્સ જ મેળવ્યા છે. આ 3 પોઈન્ટ્સમાંથી 2 પોઈન્ટ્સ અફઘાનિસ્તાન સામેની જીતથી અને 1 પોઈન્ટ મેચ ધોવાઈ જતા તેને મળ્યો છે. સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટ જ અત્યંત નબળી શરૂઆતથી થઇ હતી.

ઇંગ્લેન્ડ બેશક તેનાથી મજબૂત ટીમ હતી પરંતુ જે પ્રકારનું પ્રદર્શન તેણે એ મેચમાં કર્યું તેણે તેના બદનસીબે આખી ટુર્નામેન્ટનો ટોન સેટ કરી આપ્યો હતો. સાઉથ આફ્રિકા એકસમયે ઓસ્ટ્રેલિયા સાથે ખભેખભો મેળવીને ફિલ્ડીંગ કરતું તેણે આ ટુર્નામેન્ટમાં ગજબના ફિલ્ડીંગ લોચા કર્યા છે. તેઓ બોલિંગ અને બેટિંગ તો જાણે અહીં ખાનાપૂર્તિ માટે જ કરવા આવ્યા હોય તેવી તેમની વર્તણુક રહી હતી. એક બે બેટ્સમેન સિવાય અન્ય  કોઇપણ બેટ્સમેન તેમના અસલી રંગમાં દેખાયા નહીં.

હાશિમ આમલા જેના પર ટીમનો સારી અને મક્કમ માટેનો મદાર રહેતો તે ટુર્નામેન્ટ શરુ થવા અગાઉ જ ફોર્મવિહોણો હતો તેણે એ જ પ્રકારનું પ્રદર્શન ટુર્નામેન્ટ દરમ્યાન પણ ચાલુ રાખ્યું હતું જેને લીધે સાઉથ આફ્રિકા એક પણ  મેચમાં મજબૂત શરૂઆત કરી શક્યું નહીં. આ મેચમાં સાઉથ આફ્રિકાનું ઓવરઓલ પ્રદર્શન તેના અત્યારસુધીના આ ટુર્નામેન્ટના પ્રદર્શનનું જ પરાવર્તન હતું. ન બોલિંગમાં ઠેકાણા કે ન ફિલ્ડીંગમાં. રન ચેઝ કરવાનો આવ્યો તો તે માટે કોઈ પ્રકારની યોજના જ નહીં.

300+ સ્કોરને એ રીતે ચેઝ કરવાની શરૂઆત કરી અથવાતો સમગ્ર ઈનિંગમાં એ પ્રકારે બેટિંગ કરી કે જાણે 150નો સ્કોર ચેઝ કરવાનો હોય. જરૂરી રન રેટને જાણીજોઈને કાબુ બહાર જવા દીધી અને પછી તેના દબાણમાં આવી જઈને ફટાફટ વિકેટો ગુમાવી દીધી. આ પ્રકારનું પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાએ જાતેજ પોતાને સેમીફાઈનલમાં રમવા માટે ગેરલાયક ઠેરવી દીધું છે.

હવે તેણે બે મેચ રમવાની બાકી છે અને તે બંને મેચ જીતે તો પણ તેના 7 પોઈન્ટ થાય અને અત્યારે ચોથા નંબરની ટીમ જે સેમીફાઈનલમાં આવી શકે છે તે ઇંગ્લેન્ડના ઓલરેડી 8 પોઈન્ટ્સ છે જ. આમ સાઉથ આફ્રિકાનો વર્લ્ડ કપ આ મેચની હાર બાદ પૂર્ણ થઇ ગયો છે. ગત વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચ્યું હતું, આ ચાર વર્ષમાં તેનું સતત નબળું પડી રહેલું પ્રદર્શન માત્ર એ ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો માટે ચિંતાજનક છે.

એક તરફ ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ દિવસેને દિવસે વધુ મજબૂત બનતા જાય છે તો પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ સાથે હવે સાઉથ આફ્રિકા પણ લડત વિહીન અથવાતો અસાતત્યપૂર્ણ રમત રમીને નબળું પડતું જાય છે. આશા કરીએ કે ક્રિકેટ સાઉથ આફ્રિકાના અધિકારીઓ પોતાની ટીમના આ નિર્બળ અને નિર્માલ્ય પ્રદર્શનમાંથી કોઈ ધડો લે અને સાઉથ આફ્રિકન ક્રિકેટને કોઈને કોઈ રીતે પુનરાગમન કરાવે.

સામે પક્ષે પાકિસ્તાને આ મેચ માત્ર પોતાની બેટિંગ અને બોલિંગને કારણે જીતી છે તે વાતમાં કોઈજ શંકા ન હોઈ શકે. કારણકે ફિલ્ડીંગમાં તે આ મેચમાં પણ એટલું જ નબળું રહ્યું હતું જેટલું તે આ સમગ્ર ટુર્નામેન્ટમાં રહ્યું છે. નહીં નહીં તો 5 મહત્ત્વના કેચ તેણે છોડ્યા હતા. આ તો સાઉથ આફ્રિકન ટીમનો આત્મવિશ્વાસ તળીએ છે નહીં તો ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ જેવી ટીમ તેના આ પ્રકારના ‘ભગાનો’ ભરપૂર લાભ લઈને મેચ જીતી ચૂક્યા હોત.

બેટિંગમાં પણ હારિસ સોહેલ અને બાબર આઝમની પાર્ટનરશીપે પાકિસ્તાનને એક મજબૂત સ્કોર બનાવવામાં મદદ કરી હતી. બોલિંગ બેશક તેની જોરદાર રહી હતી. પાકિસ્તાન હવે 5 પોઈન્ટ્સ ધરાવે છે અને તેની ત્રણ મેચ બાકી છે. આ ત્રણ મેચમાંથી અફઘાનિસ્તાન સામેની તેની મેચ સરળ રહી શકે છે, બાકી ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે તેને તકલીફ પડી શકે તેમ છે. તેમ છતાં આ મેચ જીતીને પાકિસ્તાને પોતાની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવાની આશા જીવંત રાખી છે.

Preview: બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન, સાઉથહેમ્પટન

બાંગ્લાદેશ આ ટુર્નામેન્ટની સૌથી મોટી શોધ છે એમ કહીએ તો જરાય ખોટું નથી. તો બીજી તરફ અફઘાનિસ્તાને ગત મેચમાં ભારતને આપેલી લડત સિવાય આ વર્લ્ડ કપમાં ખાસ કશું કરી બતાવ્યું નથી. મેચ સાઉથહેમ્પટનમાં જ છે આથી જોવાનું એ રહેશે કે મેચ કઈ પીચ પર રમાશે. જો ભારત-અફઘાનિસ્તાનની જ પીચ પર આ મેચ રમાશે તો ફરીથી આપણને એક લો સ્કોરિંગ મેચ જોવા  મળી શકે છે. જો એવું હશે તો બંને ટીમોને જીતનો સરખો ચાન્સ હશે પરંતુ જો પીચ જરાક પણ બેટ્સમેનોને મદદ કરતી હશે તો બાંગ્લાદેશનું પલ્લું ભારે રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here