હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (16): 1975ની કટોકટી અને કોંગ્રેસને સપોર્ટ

0
346
Photo Courtesy: postoast.com

પોતાના સાથી પક્ષ જનસંઘથી સાવ વિરુદ્ધ જઈને બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાએ 1975ની કટોકટી સમયે ઇન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું. આ પાછળના કારણો અને કટોકટી ઉપાડી  લીધા બાદ શિવસેનાને આ ટેકાથી પડેલી અસરો વિષે અવગત થઈએ.

Photo Courtesy: postoast.com

1973 ના અંત સુધીમાં શિવસેનાએ ફરી એક વાર મહારાષ્ટ્ર-કર્ણાટકના મુદ્દા પર ચર્ચા અને કાર્યવાહી શરૂ કરી. બેલગામ અને કારવારમાં નોંધપાત્ર તણાવની સ્થિતિ હતી. ત્યાંના મરાઠીભાષી લોકોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવે છે. 18 ડિસેમ્બર 1973 ના રોજ કર્ણાટકમાં આવી ‘ક્રૂરતા’ ના વિરોધ માટે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેએ મુંબઈ બંધનું એલાન કર્યું. શિવસેના દ્વારા જાહેર કરાયેલા આ બંધને ઈન્દિરા ગાંધીની કોંગ્રેસે સમર્થન આપ્યું. જો કે બંધને સપોર્ટ કરવાનો મૂળ હેતુ જાન્યુઆરી 1974 માં કેન્દ્રીય મુંબઇ સંસદીય મતદારક્ષેત્રોની ચૂંટણીમાં શિવસેનાનું સમર્થન મેળવવાનો હતો.

ઠાકરેએ નવેમ્બર 1973 માં કૉંગ્રેસ (આર) સાથે જોડાણ કરવાની ના પાડી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જનસંઘને ટેકો આપશે નહીં કારણ કે જનસંઘે જાહેરાત કરેલી કે તે શિવસેનાના દરેક ઉમેદવારનો વિરોધ કરશે. પરંતુ ચૂંટણી નજીક હોવાને કારણે શિવસેનાએ પોતાનું વલણ બદલ્યું અને ઈન્દિરા કોંગ્રેસ સાથે જોડાવાનું પસંદ કર્યું.

શિવસૈનિકોનું એવું માનવું હતું કે મેયરની ચૂંટણી વખતે જનસંઘનો વિરોધ અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે થયેલી હડતાળમાં કૉંગ્રેસના ટેકાને કારણે આ બદલાવ આવ્યો હતો. પણ મહત્ત્વની બાબત એ પણ હતી કે કોંગ્રેસના ઉમેદવાર રામરાવ અધિક હતા જે ઠાકરેના જૂના મિત્ર હતા અને તેમણે ઓક્ટોબર 1966 માં શિવસેનાની પ્રથમ રેલીને સંબોધિત કરી હતી.

ઘણા શિવસૈનિકો આ નિર્ણયથી નિરાશ થયા અને ઠાકરેના આ અભિયાનમાં ધ્યાન ન આપ્યું. લાલબાગમાં આતંક તરીકે ઓળખાતા ‘બંડુ શિંગ્રે’એ શિવસેના સામે બળવો કર્યો. ઠાકરે સાથે છેડો ફાડીને તે હિન્દુ મહાસભા સાથે ગોઠવાયો. મરાઠી સાપ્તાહિક ‘સોબત’ના સંપાદક જી.વી.બેહેરે દ્વારા પણ શિવસેના અને ઠાકરે પર તેમના સાપ્તાહિકમાં ભયંકર શાબ્દિક હુમલાઓ થયા. હિંદુત્વના પ્રચારક બેહેરેએ 20 જાન્યુઆરીના અંકમાં ‘સેનાપતિ કે શેણાપતિ?’ આ શિર્ષક હેઠળ એક સંપાદકીય લેખ લખ્યો. મરાઠીમાં શેણનો અર્થ થાય – ગાયનું છાણ કે પોદળો!

આરોપો પ્રકાશિત થયાના થોડા જ સમય બાદ, બેહેરે, તેમના સામયિકના વાચકોની મીટિંગમાં હાજરી આપવા જતાં હતાં ત્યાં શિવસેના ભવન નજીક શિવસૈનિકો તેમની ઉપર ત્રાટકી પડ્યા. શિવસૈનિકોના ટોળાએ બેહેરેના કપડા પણ ફાડી નાખ્યાં અને છેવટે તેમને રસ્તામાં કોઈએ આપેલી લૂંગી પહેરીને નિર્ધારિત સ્થળે જવું પડ્યું. આ બનાવ પછી મધ્ય મુંબઇની પેટા ચૂંટણીમાં શિવસેનાની કારમી હાર થઈ. પરંતુ તેમણે કોંગ્રેસ સાથે જોડાણ ચાલુ રાખ્યું અને સમય જતાં આ જોડાણ મજબૂત બનતું ગયું.

જેમ જેમ સહયોગમાં વધારો થયો તેમ, બાળ ઠાકરે, જે અગાઉ ઈન્દિરા ગાંધીની ટીકા કરતા થાકતા નહીં, તેમનામાં સદગુણો દેખાવા લાગ્યા અને તેમના નેતૃત્વમાં વિશ્વાસ બેઠો. 25 મી જૂન, 1975 ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતભરમાં કટોકટી લાદી ત્યારે બાળ ઠાકરેએ ખુલ્લા મેદાને પોતાનો ટેકો જાહેર કર્યો. આ સ્વ-હિતનું પરિણામ હોઈ શકે છે, અથવા તો ઠાકરેની એવી માન્યતા હોય કે આવા સત્તાધારી શાસનથી લોકોમાં અને દેશમાં શિસ્ત આવશે અને દેશને દિશાની સમજ આપશે. કેટલાક લોકો એવું સૂચવે છે કે ઠાકરેને શિવસેના પરના પ્રતિબંધની સંભાવના, તેમના પક્ષના માણસો સામે દમનકારી યુક્તિઓ અને પોતાને માટે જેલની સંભાવનાનો ડર લાગ્યો હતો.

ઈન્દિરા ગાંધીએ એવું દ્રશ્ય ઊભું કરી દીધું હતું કે કૉંગ્રેસ અને અન્ય મંતવ્યો વચ્ચે સમાધાન માટેની કોઈ જગ્યા જ ન હતી. પોતે સલામત રીતે રમવા માગે છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, સત્ય એ છે કે જો ઠાકરેએ કટોકટીનો વિરોધ જાહેરમાં કર્યો હોત તો પોતાના પ્રતિનિધિઓ સામે જ ભોંઠા પડત. અહીં ઈન્દિરા ગાંધી દ્વારા નિયુક્ત રાજકીય તકનીક એવી હતી, જે ઠાકરેને પોતાને પણ ઘણી વાર ઇચ્છનીય લાગતી. કટોકટી દરમિયાન એક જ વ્યક્તિ દ્વારા દરેક નીતિ અને નિર્ણય લેવામાં આવતા હતા અને એ જ શિવસેના પ્રમુખની કાર્યશૈલી હતી. ‘મને લોકશાહીમાં વિશ્વાસ નથી, હું ઠોકશાહીમાં વિશ્વાસ કરું છું’, એવું તેમણે વારંવાર કહ્યું હતું, અને કટોક્ટી દરમિયાન તેમણે કોઈ અસંમતિ દાખવી નહીં.

‘આ દેશને એક સરમુખત્યારની જરૂર છે’, એવું કહેનારા ઠાકરેએ જોયું કે ઈન્દિરા ગાંધી એ જ કરી રહ્યાં છે. જેમ ઠાકરેને એક શાસકે કરવું જોઈએ તેમ ઈન્દિરા ગાંધીએ એવા જ પગલાં ભરેલા – લોકશાહીની પ્રક્રિયાઓને તોડી નાખવી, રાજ્યના ઉપકરણો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું અને સર્વશક્તિમાન આદેશની સ્થાપના કરવી.

જો કે આવા સત્તાધિકારવાદને ટેકો આપવાથી શિવસેનાએ કોઈ જ ફાયદો ન થયો. પ્રેસ સ્વતંત્રતા પરના નિયંત્રણોના ભાગરૂપે ‘માર્મિક’ના પ્રકાશનને પ્રતિબંધિત કરવામાં આવ્યો. શિવસેનાએ લોકોની નજરમાં પોતાની વર્ષો જૂની છબીને ઇજા પહોંચાડી. કટોકટીની અતિશયોક્તિએ લોકોને ગુસ્સે કર્યા, અને તેઓ જયપ્રકાશ નારાયણ અને અન્ય વિપક્ષી નેતાઓની તરફેણમાં ગયા, જેમણે કોંગ્રેસના શાસન સામે બોલવાની હિંમત કરી હતી.

પરંતુ ઠાકરેએ 1975 થી 1977 દરમિયાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના નેતૃત્વની સતત પ્રશંસા કરી. આમ કરવાથી તેમની પોતાની હકીકતમાં અવગણના શરૂ થઈ. તેમના વધતા જતા સપોર્ટ અને પ્રશંસા શિવસેના માટે રાજકીય ક્ષેત્રે કેટલું નુકસાન કરી શકે છે એ વાતનો તેમને અંદાજ ન હતો. કટોકટી સમાપ્ત થયા પછી પણ શિવસેનાનો ટેકો ચાલુ રહ્યો અને બાળ ઠાકરેએ કોંગ્રેસના ઉમેદવાર મુરલી દેવરાને માર્ચ 1977 માં મુંબઈ મેયરની ચૂંટણીમાં સપોર્ટ કર્યો.

જ્યારે ઈન્દિરા ગાંધીએ માર્ચ 1977 માં સામાન્ય ચૂંટણીઓ બોલાવી ત્યારે ઠાકરેએ વિચાર્યું કે જે 19 મહિના માટે જાહેર દૃષ્ટિકોણથી બહાર રહ્યો હતો અને જેના મંતવ્યો સાંભળવાની કોઈને ઈચ્છા ન હતી એવા વિપક્ષની કોઈ તાકાત નહીં રહે માટે ઠાકરે ફરીથી ઈન્દિરા ગાંધીની પાછળ ઊભા રહ્યા. ઈન્દિરા ગાંધી માનતા હતા કે ચૂંટણીમાં તેમને કોઈ હરાવી નહીં શકે પરંતુ શિવસેનાએ કોઈ રીસ્ક ન લીધું. તેમણે કોંગ્રેસ માટે સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવ્યું. તેમણે ઈન્દિરાના સરમુખત્યારશાહીના પ્રયોગનો બચાવ કર્યો અને સંજય ગાંધીના રાજકીય બખ્તરને સ્પર્શતા ગૌરવની પ્રશંસા કરી.

આમ છતાં, કૉંગ્રેસને ખતરનાક હારનો સામનો કરવો પડ્યો. 32 કરોડ ભારતીય મતદારોમાંથી અંદાજે 60% લોકોએ ‘જનતા પાર્ટી’ને મત આપ્યો.

કોંગ્રેસ સાથે વધતી જતી ઓળખના પરિણામે ગંભીર સંકટનો સામનો કરીને, શિવસેનાને નવેમ્બર 1978 માં યોજાયેલી બી.એમ.સી. ચૂંટણી લડવાની ફરજ પડી. બાળ ઠાકરેને ખબર હતી કે તેમની માટે આ ચૂંટણી લોઢાના ચણા સમાન હશે. કૉંગ્રેસ અને જનતા પાર્ટી – બે મોટી પાર્ટીઓ હતી. મુખ્યત્વે તેમની વચ્ચે તમામ સ્તરે જંગ હતી – રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક. જનતા પાર્ટીએ પોતાની તાજી હવાનો સ્વાદ લોકોને ચખાડ્યો અને પોતાની લોકસભાની જીત પછી, સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિના ખ્યાલમાં નવી આશા ઊભી કરી હતી. ઉપરાંત બે ભૂતપૂર્વ શિવસેનાના નેતાઓ, ડૉ. હેમચંદ્ર ગુપ્તે અને દત્તા પ્રધાન પણ જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

મ્યુનિસિપલ પાવરની સીટ મેળવવા માટે ઠાકરેએ તેમની પાસે જે હતું એ બધું જ દાવ પર મૂકવાનો નિર્ણય લીધો – પોતાનું પ્રમુખપદ અને નેતૃત્વ પણ! તેમણે જાહેર કર્યું કે, જો હું બી.એમ.સી. માં ભગવો ઝંડો ન ફરકાવી શકું તો હું શિવસેનાના વડા તરીકે રાજીનામું આપીશ.

મુંબઈના લોકોએ ઠાકરેની આ ચેતવણી તરફ ઓછું ધ્યાન આપ્યું. જનતાએ 21 સેના કૉર્પોરેટર્સને પરત કર્યા, જે 1973 ની ચૂંટણી પછી આશરે 50% જેટલા ઓછા હતાં. જનતા પાર્ટીએ 140 બેઠકોમાંથી 83 બેઠકો જીતી અને કોંગ્રેસને 17 બેઠકો સાથે ત્રીજા સ્થાને લઇ જવામાં આવી હતી, જે શિવસેના કરતા પણ ઓછી હતી. ચૂંટણીના પરિણામોએ દર્શાવ્યું કે મુંબઇમાં શિવસેનાની શક્તિ ઓછી થતી જાય છે. સંસદમાં અથવા એસેમ્બલીમાં પહેલાથી જ તેનો કોઈ સભ્ય નહોતો. હવે, નાગરિક સંસ્થા પણ તેની પહોંચમાં ન હતી.

આ ક્ષણે, ઠાકરેની સેના અને શિવસૈનિકો ભાંગીને અસંતુષ્ટ જણાયા. ચૂંટણી પરાજય પછી શિવાજી પાર્કમાં એક રેલીમાં, ઠાકરેએ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને વાંચવાનું શરૂ કર્યું: હું કોર્પોરેશનની ટોચ પર કેસરી ધ્વજને ફરકાવવામાં નિષ્ફળ ગયો છું. જો લોકો મારામાં વિશ્વાસ નથી કરતા તો મારે શા માટે તેમની ફરિયાદને ઉકેલવામાં મારો સમય બગાડવો જોઈએ? હું એક એવો માણસ છું જે પોતાના શબ્દો દ્વારા જીવે છે. હું શિવસેનાને છોડી રહ્યો છું.

પડઘોઃ

ભારતમાં ‘ઇમરજન્સી’ કે ‘કટોકટી’ 1975 થી 1977 સુધી 19 મહિનાના સમયગાળા માટે રહી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પ્રવર્તમાન “આંતરીક ખલેલ” હોવાના કારણે બંધારણીય કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ દ્વારા દેશભરમાં કટોકટી જાહેર કરેલી. મોટા ભાગની કટોકટી માટે, ઈન્દિરા ગાંધીના મોટાભાગના રાજકીય વિરોધીઓને કેદ કરવામાં આવ્યા હતા અને પ્રેસ પણ સેન્સર કરવામાં આવ્યું હતું.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here