આવિષ્કાર: માત્ર 25 મિનિટમાં બોરવેલમાં ફસાયેલું બાળક બહાર આવી જશે!

0
118
Photo Coutesy: zeenews.india.com

ગુજરાતના જ એક યુવાન એન્જીનીયરે એવો રોબો બનાવ્યો છે જેના ઉપયોગથી બોરવેલમાં છેક ઊંડે સુધી ફસાઈ ગયેલા બાળકને અડધા કલાકની અંદર જ આસાનીથી બહાર કાઢી શકે છે.

Photo Coutesy: zeenews.india.com

રાજુલા:  છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લા બોરવેલમાં બાળકોના પડી જવાના અને ફસાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ બાળકોને બહાર કાઢવા માટે ઘણીવાર તો સેનાના જવાનોને પણ બોલાવવા પડે છે.

અત્યારસુધીમાં આ પ્રકારના કિસ્સાઓમાં બાળકોને બોરવેલમાંથી સુખરૂપ બહાર કાઢવા માટે કલાકો નીકળી જતા હતા, પરંતુ હવે આ કાર્યને પૂર્ણ થવા માટે વધુ રાહ જોવી નહીં પડે. ગુજરાતીઓને ગૌરવ થાય એવા એક સમાચારમાં એક ગુજરાતી ઇન્જિનીયરે જ એક એવો આવિષ્કાર કર્યો છે કે તેની મદદથી બોરવેલમાં ફસાયેલા બાળકને માત્ર 25 મીનીટમાં બહાર કાઢી શકાશે.

અમરેલી જીલ્લાના રાજુલામાં ખેડૂતપુત્ર મહેશ આહીર જે વ્યવસાયે એન્જીનીયર છે તેમણે એક એવો રોબો બનાવ્યો છે જેનાથી બાળકોને અડધા કલાકની અંદર જ બોરવેલમાંથી બહાર કાઢી શકાશે. મહેશભાઈનું કહેવું છે કે તેમનો રોબો ગમે તેટલો ઊંડો બોરવેલ હોય તેમાંથી બાળકને બહાર કાઢવા માટે સક્ષમ છે.

Photo Coutesy: zeenews.india.com

મહેશ આહિરનું કહેવું છે કે તેઓ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા તે સમયથી જ ટીવીમાં અસંખ્ય બાળકોના બોરવેલમાં પડી જવાના સમાચાર જોતા રહેતા. આમાંથી અમુક બાળકો મૃત્યુ પણ પામતા અને આ બાબત તેમને ઘણું દુઃખ અપાવી જતી હતી.

આથી તે સમયે જ મહેશભાઈએ મનમાં ગાંઠ બાંધી લીધી કે તેઓ એવું કોઈ સાધન બનાવશે જેનાથી આ બાળકોને આસાનીથી બોરવેલમાંથી કાઢી શકાય અને તે પણ કોઇપણ પ્રકારની તકલીફ વગર. ત્યારબાદ મહેશભાઈએ આ અંગે એક પછી એક પ્રયોગો કરવા શરુ કર્યા અને છેવટે તેમણે એક એવો રોબો તૈયાર કર્યો જે બાળકોને બોરવેલમાંથી સુખરૂપ બહાર કાઢી શકે.

Photo Coutesy: zeenews.india.com

મહેશ આહીરનો આ રોબો મોબાઈલ ફોનથી ઓપરેટ થઇ શકે છે અને તે બોરવેલની અંદરના દ્રશ્યો સ્પષ્ટ દેખાડી શકે છે. બાળકની બોરવેલની અંદરની હલચલ જોઇને તેને આસાનીથી રેસ્ક્યુ કરી શકાય છે અને વધુમાં આ રોબોથી બોરવેલની અંદર પાણી અને ઓક્સીજન પણ પહોંચાડી શકાય છે.

મહેશભાઈને આ રોબો બનાવવા માટે લગભગ 60,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેમનો દાવો છે કે તેના ઉપયોગથી માત્ર 25 મિનિટમાં જ બાળકને બોરવેલની અંદરથી રેસ્ક્યુ કરી શકાય છે.

મહેશ આહીર કહે છે કે જો બાળક બોરવેલમાં છેક નીચે સુધી ફસાઈ ગયું હોય તો પણ આ રોબોમાં એવી સિસ્ટમ છે જેનાથી આસાનીથી તેને બહાર કાઢી શકાય છે. મહેશભાઈએ આ રોબોને અનેક લોકો સમક્ષ સફળતાપૂર્વક ઓપરેટ કરી બતાવ્યો છે.

મહેશ આહીરની હવે એક જ ઈચ્છા છે કે ભારત સરકાર તેમના આ આવિષ્કારને પ્રોત્સાહન આપે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here