CWC 19 | M 32 | ઓસ્ટ્રેલિયન બોલર્સની ધમાલ સામે ઇંગ્લેન્ડ બેહાલ

0
284
Photo Courtesy: twitter.com/cricketworldcup

એકતરફી બની રહેવા છતાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની લોર્ડ્ઝ ખાતેની આ મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ સદા માટે યાદ રહેશે તેવું પર્ફોર્મન્સ આ ટીમે દેખાડ્યું હતું જેની સામે ઇંગ્લેન્ડ બેહાલ દેખાઈ રહ્યું હતું.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ગઈકાલે આ મેચના પ્રિવ્યુમાં આપણે આ મેચના મહત્ત્વ વિષે જાણ્યું હતું. પરંતુ ક્રિકેટમાં ઘણીવાર એવું બનતું હોય છે કે જે મેચની ફેન્સ ઉત્કટતાથી રાહ જોઈ રહ્યા હોય તે જ મેચ એકતરફી બની જતી હોય છે. ઉદાહરણ તરીકે 1999ના વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ કે પછી આ જ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. આ મેચ પણ શરૂઆતથી અંત સુધી લગભગ ઓસ્ટ્રેલિયા તરફી બની રહી હતી.

સામાન્ય રીતે એકતરફી મેચ નિરાશ કરે તેવી બની જતી હોય છે, પરંતુ અહીં માઈકલ સ્ટાર્ક અને જેસન બેહરેનડોર્ફની બોલિંગે દર્શકોને મેચમાં જરા પણ કંટાળો આવવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયાએ ભલે 285 રન કર્યા હતા પરંતુ જે રીતે તેની શરૂઆત રહી હતી તેને ધ્યાનમાં લઈએ તો તે લગભગ 30-35 રન ઓછા કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાને બોલિંગને મદદ થાય એવા વાતાવરણમાં બેટિંગ કરવાની આવી હતી. પરંતુ એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે શરૂઆતની ઓવરો સંભાળી લેતા તેની ઇનિંગનો પાયો મજબૂત બન્યો હતો.

ઇંગ્લેન્ડના ઓપનર્સ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો એ ન કરી શક્યા જે ઓસ્ટ્રેલિયાના ઓપનર્સ કરી ચૂક્યા હતા. એવી જ રીતે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સે જે રીતની બોલિંગ શરૂઆતથી જ કરી હતી તેનાથી સાવ વિરુદ્ધ પ્રકારની બોલિંગ ઈંગ્લીશ બોલરોએ કરી હતી જેને લીધે ઓસ્ટ્રેલિયન ઓપનર્સ માટે ઓછી પરેશાની ઉભી થઇ હતી. ઓસ્ટ્રેલિયાના બોલર્સે શરૂઆતની ઓવર્સમાં તેમના વધુને વધુ દડા ગૂડ લેન્થ અથવાતો ફૂલ લેન્થ પર નાખ્યા હતા અને પછી શોર્ટ પીચ બોલ નાખીને વિકેટો મેળવી હતી.

તેનાથી સાવ વિરુદ્ધ ઇંગ્લેન્ડના બોલરોએ શરૂઆતની બોલિંગ તરફી પરિસ્થિતિ જોઇને ઉત્સાહમાં આવી જઈને વધુ શોર્ટ પીચ દડા નાખ્યા હતા અને ગૂડ અથવાતો ફૂલ લેન્થ્સ પર બહુ ઓછા દડા નાખ્યા હતા અને તેને લીધે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને સ્કોર કરવામાં અથવાતો પીચ પર ટકી રહેવામાં ખાસ વાંધો ન આવ્યો. તેમ છતાં મધ્ય ઓવરોમાં એક પછી એક વિકેટો ગુમાવી દેતા ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને મેચમાં પરત આવવાનો મોકો જરૂર આપ્યો હતો પરંતુ જે રીતે ઇંગ્લેન્ડે બેટિંગ કરી તેનાથી ઓસ્ટ્રેલિયાની એ ખોટ પણ પુરાઈ ગઈ હતી.

બેહરેનડોર્ફે જે રીતે જેમ્સ વિન્સને બોલ્ડ કર્યો અને સ્ટાર્કે જે રીતે જો રૂટને અંદર આવતા બોલથી LBW અને બેન સ્ટોક્સને એક ખતરનાક યોર્કર વડે ક્લીન બોલ્ડ કર્યો આ ત્રણ ઘટનાઓ આ વર્લ્ડ કપની યાદગાર ઘટનાઓ ગણાશે. તેમાં પણ સ્ટોક્સ જે 89 રને અત્યારસુધી આરામથી રમી રહ્યો હતો તે પણ સ્ટાર્કના યોર્કર સામે થાપ ખાઈ ગયો તે બોલરની ઘાતકતા તેમજ તેનું કૌશલ્ય દર્શાવે છે. આ ઉપરાંત ક્રિસ વોક્સનો ડીપમાં ગ્લેન મેક્સવેલ અને ફિન્ચના તાલમેલથી કરવામાં આવેલો કેચ પણ અદભુત રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યારે ઇંગ્લેન્ડની સેમીફાઈનલની એક્સપ્રેસ ટ્રેન જે શરૂઆતના વિજયો દ્વારા ઝડપથી દોડી રહી હતી તે પહેલા શ્રીલંકા સામે અને હવે ઓસ્ટ્રેલિયા સામેની હારને લીધે પાટા પરથી ઉતરી ગઈ છે. ઇંગ્લેન્ડે હવે અત્યારસુધી આ વર્લ્ડ કપની બે અપરાજીત ટીમો અનુક્રમે ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે અને અત્યારે કદાચ તેને આ જ હકીકત પરેશાન કરતી હશે.

Preview ન્યુઝીલેન્ડ વિ. પાકિસ્તાન, એજબેસ્ટન, બર્મિંગહામ

પાકિસ્તાન ભલે સાઉથ આફ્રિકા સામે જીતીને પોરસાતું હોય પરંતુ ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકાની અત્યારની ટીમ કરતા અતિશય બહેતર ટીમ છે. વળી ન્યુઝીલેન્ડ આ જ સાઉથ આફ્રિકા સામે તેમજ વેસ્ટ ઇન્ડિઝ સામે, જેણે પાકિસ્તાનને હરાવ્યું હતું તે બંનેને બે ક્લોઝ મેચમાં હરાવીને રમવાનું છે. આમ આ મેચમાં ન્યુઝીલેન્ડના વિજયની શક્યતાઓ પાકિસ્તાન કરતા અનેક ગણી વધારે છે, તેમ છતાં પાકિસ્તાનને હળવાશથી ક્યારેય ન લેવાય, ખાસ કરીને ત્યારે જ્યારે તેના માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકીની દરેક મેચ જીતવી જરૂરી હોય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here