વિવાદ: કોંગ્રેસને હવે ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સીથી પણ પ્રોબ્લેમ છે!

0
267
Photo Courtesy: Twitter

ભારત વર્લ્ડ કપમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની જર્સી જરા જુદા પ્રકારની હોવાની અપેક્ષા સેવાઈ રહી છે, પરંતુ આ મુદ્દો સ્પષ્ટ ન હોવા છતાં કોંગ્રેસ માત્ર તેના કહેવાતા એક રંગથી ડરીને વિવાદ ઉભો કરી રહી છે.

Photo Courtesy: Twitter

વર્લ્ડ કપ શરુ થયાના થોડા જ દિવસ પછી ટીમ ઇન્ડિયાની ઓલ્ટરનેટ જર્સી ચર્ચામાં રહી છે. વાત એમ છે કે વર્લ્ડ કપમાં ભારત, અફઘાનિસ્તાન અને યજમાન ઇંગ્લેન્ડ વગેરેની જર્સીનો રંગ એક સરખો એટલેકે બ્લ્યુ છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાની ટીમોની જર્સીનો કલર ગ્રીન છે. આ તમામ ટીમોના આ બંને પરંપરાગત રંગો છે અને અત્યારસુધીના તમામ વર્લ્ડ કપમાં તેઓ આ રંગની જર્સી પહેરીને જ રમતા આવ્યા છે.

પરંતુ તકલીફ કદાચ દર્શકોને થાય છે અથવાતો મેચ જોતી વખતે બંને સરખા રંગની જર્સી ધરાવતી ટીમોને રમતી વખતે કોઈકવાર દર્શકોને દ્રષ્ટિભ્રમ થઇ જતો હોય છે. આ બાબતને આ વખતે ધ્યાનમાં રાખતા ICCએ સરખા રંગની જર્સી ધરાવતી ટીમો જ્યારે આમનેસામને થાય ત્યારે તેમણે પોતાની કાયમી જર્સીમાં થોડો ફેરફાર કરવાનું કહ્યું હતું.

આથી સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે પીળા રંગની જર્સી પહેરી હતી, તો અફઘાનિસ્તાન ભારત સામે બ્લ્યુ કલરમાં લાલ રંગ ભેળવેલી જર્સી પહેરીને રમ્યું હતું. જાણવા મળ્યા અનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશની જ્યારે મેચ રમાશે ત્યારે બાંગ્લાદેશ પણ પોતાની જર્સીમાં લાલ રંગ ઉમેરવાનું છે. આવી જ રીતે જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તે બ્લ્યુ કલરમાં ઓરેન્જ રંગ ઉમેરીને રમશે તેવી શક્યતાઓ છે.

જો કે ઈંગ્લેન્ડના કિસ્સામાં જોઈએ તો તેનો બ્લ્યુ રંગ બ્લ્યુ નહીં પરંતુ આસમાની વધુ લાગે છે, તેમ છતાં તે વર્લ્ડ કપનું યજમાન હોવાથી ભારતને પોતાની જર્સીના કલરમાં ઓરેન્જ ઉમેરવાની ફરજ પડી છે, કારણકે ICCની આવી ઈચ્છા છે. આ ઓરેન્જ રંગ ધરાવતી જર્સીના ઘણા બધા વર્ઝન આપણે સોશિયલ મિડીયામાં જોઈ ચૂક્યા છીએ અને ઉપર જે તસવીર આપવામાં આવી છે તે પણ કદાચ ભારતની ઇંગ્લેન્ડ સામેની મેચની સાચી જર્સી તો નથી જ.

અફઘાનિસ્તાન સામે ભારત ઓરેન્જ રંગ ઉમેરેલી જર્સી પહેરીને રમવા ઉતરશે એવી ચર્ચા થઇ હતી પરંતુ તેમ થયું નથી અને ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા એ ઓલ્ટરનેટ જર્સી પહેરશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા ટીમ મેનેજમેન્ટ કે પછી BCCI તરફથી થઇ નથી, પરંતુ દરેક બાબતોમાં રાજકારણ જોતી અને હિંદુ સંસ્કૃતિની જરાક અમથી પણ ઝલક દેખાય એટલે ભડકી જતી કોંગ્રેસે ટીમ ઇન્ડિયાની આ ઓલ્ટરનેટ જર્સી અંગે પણ વાંધો ઉઠાવ્યો છે!

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા એમ એ ખાને પત્રકારોને એમ કહ્યું હતું કે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી તે દેશની વિવિધ સંસ્થાઓ, શિક્ષણ અને રમતોનું ‘ભગવાકરણ’ કરી રહી છે અને સર્વધર્મ સમભાવની ભાવનાનું અપમાન કરે છે. હવે ખાન સાહેબને એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જ્યારે ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ ‘ભગવો’ નહીં પરંતુ ‘નારંગી’ છે તો તેમણે વચ્ચે ભગવો લાવવાની જરૂર શું હતી? શું તેમનું આ નિવેદન સર્વધર્મ સમભાવની ભાવનાનું અપમાન નથી કરતું?

સર્વધર્મ સમભાવ એટલે એવું નહીં કે માત્ર હિંદુ ધર્મને ઉતારી પાડવો? પહેલી તો વાત જ એ કે ટીમ ઇન્ડિયા એ ઓરેન્જ કલરવાળી જર્સી ઇંગ્લેન્ડ સામે પહેરશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ નથી થયું ત્યારે અત્યારથી જ તેને વિવાદિત બનાવવાનો શો મતલબ? અને જો ઓરેન્જ કલર ખાન સાહેબને ભગવો લાગતો હોય તો પછી તેમની પાર્ટીના ધ્વજમાં પણ એ રંગ છે જ, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ એ રંગ છે જ! તો હવે શું કોંગ્રેસને પોતાના પક્ષનો ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સર્વધર્મ સમભાવની ભાવનાની કદર નથી કરતા એવું લાગે છે? તો શું તેઓ એટલીસ્ટ પોતાના પક્ષના ધ્વજને બદલવાની ઈચ્છા ધરાવે છે?

કોંગ્રેસ એ હકીકત પણ ભૂલે છે કે BCCI એક સ્વાયત્ત સંસ્થા છે અને તે ભારત સરકાર હસ્તક નથી. આથી આ પ્રકારે કોઇપણ નિર્ણય તેનો પોતાનો હોય છે જેમાં ભારત સરકારની કોઇપણ દખલગીરી હોતી  નથી. અને આ મુદ્દે જ ઘણા ભારતવાસીઓ જેમને ક્રિકેટ વિષે અધકચરું જ્ઞાન હોવા છતાં પોતાને ક્રિકેટના પંડિત માનતા હોય છે તેઓ ભારતીય ક્રિકેટને ભારતની ટીમ ગણવામાં પણ તકલીફ પડે છે, જે ચર્ચાનો એક અલગ મુદ્દો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here