CWC 19 | M 33 | બાબર અને શાહીને ન્યુઝીલેન્ડનો વિજય રથ અટકાવ્યો

0
296
Photo Courtesy: twitter.com/cricketworldcup

ટુર્નામેન્ટ જીતવાના ફેવરીટ એવા ઇંગ્લેન્ડને પણ પાકિસ્તાને જ હરાવ્યું હતું અને ન્યુઝીલેન્ડને પણ ટુર્નામેન્ટની તેની પ્રથમ હાર પણ પાકિસ્તાને જ પીરસી છે, જે પાકિસ્તાનનો ઓલરાઉન્ડ દેખાવ અને ન્યુઝીલેન્ડની કેટલીક દેખીતી ભૂલોને આભારી છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ન્યુઝીલેન્ડની અત્યારસુધીની વર્લ્ડ કપ યાત્રા તેને અજય બનાવી રહી હતી. પરંતુ તેની છેલ્લી બે મેચોમાં એટલેકે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે તેને છેલ્લી ઓવરોમાં વિજય મેળવ્યો હતો. આ વિજયે તેની ઘણી નબળી બાબતો ખુલ્લી પાડી દીધી હતી. આ મેચમાં પાકિસ્તાને તેની આ નબળી બાજુઓને પરખીને બનાવેલી રણનીતિને લીધે ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. મજાની વાત એ છે કે ટુર્નામેન્ટ શરુ થવા અગાઉ અજેય મનાતી ઇંગ્લેન્ડની ટીમને પહેલો ધક્કો પણ પાકિસ્તાને જ માર્યો હતો અને ન્યુઝીલેન્ડને પણ પ્રથમ ધક્કો તેણે જ માર્યો છે.

આ જ પાકિસ્તાનની ટીમની ખાસિયત છે કે તે કયા દિવસે કેવી રમત રમશે તેની તેને પોતાને પણ ખબર નથી હોતી પરિણામે સામે રમનારી ટીમ સતત દબાણમાં હોય છે. જે શાહીન આફ્રિદી અત્યારસુધીમાં દિશાહીન બોલિંગ કરવાથી ટીકાને પાત્ર બન્યો હતો તેણે જ આ મેચમાં પાકિસ્તાન તરફથી વર્લ્ડ કપનું શ્રેષ્ઠ બોલિંગ એનાલિસિસ મેળવ્યું હતું. તો બાબર આઝમ જેને સ્પેશિયલ ટેલેન્ટ ગણવામાં આવે છે તેણે અત્યારસુધીમાં તેની પાસેથી અપેક્ષિત એવી મેચ વિનિંગ ઇનિંગ રમી ન હતી તેણે ન્યુઝીલેન્ડ સામે અત્યંત શાંતિપૂર્વક રમીને રન ચેઝ સફળતાપૂર્વક પૂરો કરી બતાવ્યો હતો.

ન્યુઝીલેન્ડની પણ શરુઆત અત્યંત ખરાબ રહી હતી એ પણ આપણે ભૂલવું ન જોઈએ. એક સમયે ન્યુઝીલેન્ડ 83 રનમાં પોતાની અડધી ટીમ ગુમાવી ચૂક્યું હતું. પરંતુ જીમી નીશમ અને કોલીન ડીગ્રેન્ડહોમે પહેલા સંભાળીને અને પછી આક્રમક બેટિંગ કરીને ન્યુઝીલેન્ડને 237નો ફાઈટીંગ ટોટલ અપાવ્યો હતો. નીશમ જ્યારે ફટકા  મારી રહ્યો હતો એટલેકે ન્યુઝીલેન્ડની ઇનિંગની છેલ્લી દસ ઓવર્સમાં, ત્યારે પાકિસ્તાનીઓની બોડી લેંગ્વેજ અત્યંત નકારાત્મક થઇ ગઈ હતી.

પરંતુ ઈમામ ઉલ હક્ક અને ફખર ઝમાનના તુરંત આઉટ થઇ ગયા પછી પણ બાબર આઝમે મક્કમતાથી રમવાનું ચાલુ રાખ્યું હતું અને જ્યાં સુધી તેણે ટીમને વિજય ન અપાવ્યો ત્યાં સુધી તેણે શ્વાસ લીધો ન હતો. તો સામે છેડે તેને પહેલા મોહમ્મદ હફીઝ અને પછી હારીસ સોહેલનો યોગ્ય સાથ મળ્યો હતો. પાકિસ્તાન માટે તેની બાકી રહેલી તમામ મેચો જીતવી હવે જરૂરી છે એવામાં આ મેચે તેને જરૂરી ઓક્સિજન પૂરો પાડ્યો છે.

ન્યુઝીલેન્ડે આ મેચમાં ખરાબ પ્રદર્શન કરવા ઉપરાંત કેટલીક મૂળભૂત ભૂલો પણ કરી હતી. પીચ લગભગ ટેસ્ટ મેચના પાંચમાં દિવસ જેવી હતી અને પાકિસ્તાની સ્પિનરો તેમજ ન્યુઝીલેન્ડના ખુદના સ્પિનર સેન્ટનરના બોલ જબરદસ્ત ટર્ન થતા હતા, એવામાં ઈશ સોઢીને ન રમાડવા પાછળનું કારણ સમજાતું ન હતું. પાર્ટ ટાઈમ બોલર અને કપ્તાન કેન વિલિયમ્સનના બોલ પણ આટલા મોટા ટર્ન લેતા હોય તો ઈશ સોઢી જે લેગસ્પિનર છે તેને આ પીચ પર કેટલી મદદ મળી હોત?

બીજું બોલિંગ ચેન્જીઝમાં પણ વિલિયમ્સને કેટલીક ભૂલો કરી  હતી. જ્યારે જ્યારે પાકિસ્તાન પર દબાણ રહેતું હતું ત્યારે ત્યારે તેણે સમજાય નહીં તેવા બોલિંગ ચેન્જીઝ કર્યા હતા અને કુલ 8 બોલર્સને બોલિંગ આપી હતી!

Preview: ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

આ જ મેદાન પર ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને આ જ મેચમાં ભારતીય સ્પિનરોના બોલ ટર્ન થઇ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની તાકાત તેની ફાસ્ટ બોલિંગ છે અને ભારતની તાકાત તેની બેટિંગ ઉપરાંત બોલિંગ અને ફિલ્ડીંગ પણ છે. મેચ શરુ થતા અગાઉ ભારત આ મેચ જીતવાનો પૂર્ણ દાવેદાર છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસોથી આશ્ચર્યજનક પરિણામો આવી રહ્યા છે તેનું ટીમે ધ્યાન રાખવું પડશે. વળી, અફઘાનિસ્તાન સામે પણ ભારતે અત્યંત કટોકટીભર્યા સંજોગોમાં વિજય મેળવ્યો હતો એ પણ તેણે ધ્યાનમાં રાખવું પડશે, અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ અફઘાનિસ્તાન કરતા દરેક દ્રષ્ટિએ બહેતર ટીમ છે જ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here