શું તમને ખબર છે ભારતમાં ઈન્ટરનેટ ક્યારે આવ્યું? કોણ લાવ્યું? – 2

0
170
Photo Courtesy: yourstory.com

ભારતમાં ઈન્ટરનેટના આગમન બાદ તેનો વિકાસ અને પ્રસાર થાય એ પણ એટલું જ જરૂરી હતું અને ભારતના સદનસીબે આ કાર્ય પણ અમુક ટેકનોક્રેટ્સ અને બ્યુરોક્રેટ્સ દ્વારા સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું.

Photo Courtesy: yourstory.com

ગત શુક્રવારથી આગળ…. રામાણી અને પ્રેમ પ્રકાશ ગુપ્તા નું ધ્યાન ગયું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) તરફ, તે વખતે PTIમાં અલગ અલગ શહેરોમાંથી આવતા હજારો ટેલેક્સ મશીનમાંથી શહેર વાઈઝ અલગ-અલગ ઇનપુટ મેસેજ રીસીવ કરી આગળ પોતાના સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવાનું કામ એનાલોગ સિસ્ટમથી થતું. રામાણી અને ગુપ્તાએ PTIના તત્કાલીન જનરલ મેનેજર પી. ઉન્નીક્રિષ્નનને મળી આ કામ પોતે બનાવેલી સિસ્ટમથી કરી આપવાની વાત કરી અને સામે ઉન્નીક્રિષ્નનને એવો વાયદો પણ કર્યો જો આ કામ કુશળતાથી પાર પડી જાય તો જ PTI આ નવી સિસ્ટમને ખરીદવાનો ઓર્ડર CMC ને આપશે. ત્યારબાદ PTI માં જ એક નાની ઓફિસ બનાવવામાં આવી અને દસેક મહિનાના અથક પરિશ્રમ બાદ આખરે આ દુષ્કર કાર્ય પૂર્ણ થયું અને વાયદા મુજબ PTI એ ટેકનોલોજી ખરીદી પણ લીધી. આ જ પ્રકારની ટેકનોલોજી રામાણી અને એમની ટીમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(TCS) ને પણ વિકસાવી આપવામાં મદદ કરી.

આમ જનરલ અને લિઝડ ટેલિફોન લાઈનનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નેટવર્ક મેનેજ કરવાનો સારો એવો અનુભવ મેળવ્યા બાદ રામાણી અને તેમની ટીમે પોતાનું ધ્યાન વાયરલેસ કમ્યુનિકેશન તરફ આપવાનું શરૂ કર્યું. દુનિયાના અન્ય દેશોમાં અત્યાર સુધી વાયરલેસ કમ્યુનિકેશનની પા પા પગલી શરૂ થઈ ચૂકી હતી. અહીં એક આડવાત, ઘણાને ખબર નથી અને સાયન્સ ટેક્સટબુક્સમાં પણ એજ રીતે ભણાવવા માં આવે છે કે બિનતારી સંદેશના (વાયરલેસ કમ્યુનિકેશન) પિતા ઇટાલિયન વૈજ્ઞાનિક ગૂગલીએમો માર્કોની છે, જ્યારે હકીકતમાં દુનિયામાં સૌપ્રથમ વાર પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉતપન્ન કરનાર જર્મન વૈજ્ઞાનિક હેનરિક હર્ટ્ઝ હતાં.

જ્યારે અમુક ચોક્ક્સ તરંગલંબાઇના (5 મીમી)  તરંગો ઉત્પન્ન કરી અમુક અંતર સુધી છેક 1895 માં મોકલનાર આપણા   ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ હતા! આપણે ભલે આપણા આ ભવ્ય વારસાને વિસારી દીધો હોય પણ આ ઐતિહાસીક શોધનાં 120 વર્ષ પછી ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ ક્ષેત્રે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત The Institute of Electrical and Electronics Engineers (IEEE) એ શ્રી બોઝના આ ટૂંકી તરંગલંબાઈ સંદેશાવ્યવહાર પ્રયોગ ને “માઈલ્સ્ટોન અચિવમેન્ટ” તરીકે પોંખી છે. કારણ કે આ જ ટેક્નોલોજી હજી ક્દાચ પાંચેક વર્ષ પછી આપણા હાથમાં આવનાર 5જી ટેક્નોલોજી નો આધારસ્તંભ રહેવાની છે! અલબત્ત જેને લાંબા અંતરનું પ્રોપર વાયરલેસ કમ્યુનિકેશન કહી શકાય તેનો શ્રેય માર્કોનીને આપવો જોઈએ કારણકે ટેલિગ્રાફ એ માર્કોનીની દેન હતી, પણ જગદીશચંદ્ર બોઝ ને સાવ વિસારી દેવા પણ યોગ્ય નથી!

Photo Courtesy: wikipedia

લગભગ 1978માં ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) વિઝનરી વૈજ્ઞાનિકો ભારતના પહેલા સંદેશાવ્યવહાર  ઉપગ્રહ APPLE નું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે NCSCDT ની ટીમના અનુભવને ધ્યાનમાં લઈ અલગ અલગ શહેરો વચ્ચે સંદેશાવ્યવહારની પરમેનેન્ટ લિંક સ્થાપવા માટે મદદે બોલાવી. અન્ય બે સંસ્થાઓ સાથે મળીને રામાણીની ટીમે સફળતાપૂર્વક આ નેટવર્ક 1980ના અંતભાગમાં બનાવ્યું અને તેનો ડેમો પણ એક કોન્ફરન્સમાં બતાવવમાં આવ્યો.

આ બધાથી કમ્પ્યુટર નેટવર્કિંગની મદદથી સામન્ય ભારતીયનાં જીવનનું સ્તર સુધારી શકાય છે તેવો રામાણીનો વિશ્વાસ ઓર વધ્યો અને આ બાબતે જાગૃતિ લાવવા રામાણી, પ્રેમ પ્રકાશ ગુપ્તા અને હિંદટ્રોન ગ્રુપના ચેરમેન હેમંત સોનાવાલા સાથે મળી ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈનફોર્મએશન પ્રોસેસિંગના બેનર હેઠળ નેટવર્ક્સ 80 , ધ ઇન્ટરનેશનલ સિમ્પોઝીયમ ઓન કમ્પ્યુટર નેટવર્કીંગ શરૂ કર્યું.

આ સંસ્થાએ આપણી વિકાસશીલ આર્થિક વ્યવસ્થામાં નેટવર્કિંગ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે વિશે ગંભીર રીતે વિચારણા શરૂ કરી અને આ અંતર્ગત ત્રણ મુખ્ય પ્રોજેકટ ડેમોનું આયોજન કરવામાં આવ્યું. 1) કમ્પ્યુટરાઈઝડ રેલવે રિઝર્વેશન સિસ્ટમ 2) ઈમેલ સિસ્ટમ 3) પ્રેસ્ટેલ સિસ્ટમ (70 ના દાયકામાં બ્રિટનમાં શરૂ થયેલ પ્રેસ ટેલિવિઝન સિસ્ટમ). રેલવે રિઝર્વેશન સિસ્ટમ પ્રોજેકટ સમોસૂતરો પાર તો પડ્યો, પણ આમાં એક તકલીફ એવી આવી કે ઓરીજીનલ ડેમોમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હી રેલવેસ્ટેશનથી રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું પણ જે અધિકારી એ આ માટે સપોર્ટ કરવાનું વચન આપ્યું હતું તેમના નિવૃત્ત થઈ જવાથી એમ જ ડેમો આપી દેવો પડ્યો.

પરંતુ આ ડેમો પણ એટલો સફળ રહ્યો કે 1985માં પહેલી વાર ઇન્ડિયન રેલવેઝ એ સમગ્ર ઉત્તર રેલવે સર્કલ  માટે કમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન સિસ્ટમ માટે CMCના પ્રેમ પ્રકાશ ગુપ્તાને ઓર્ડર આપ્યો. એકાદ વર્ષમાં આ નેટવર્ક અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તારવામાં આવ્યું. ભારતની આમ જનતા અને તેમની જીવનશૈલીને અસર કરી શકે તેવું કદાચ કમ્પ્યુટર ટેકનોલોજી નું આ પ્રથમ યોગદાન ગણી શકાય! વી.એસ.રાઓ નામના NCSCDT ના વૈજ્ઞાનિકે ઈમેલ સિસ્ટમ નો ડેમો DEC 10 નામના કમ્યુટર પર આપ્યો. પ્રેસ્ટેલ સિસ્ટમ નો ડેમો બ્રિટિશ ટેલિકોમના રિસર્ચર માઈકલ મિલર દ્વારા મુંબઇ-લંડન વચ્ચે રિમોટ લિંક દ્વારા કરવામાં આવ્યો.

અહીં એ નોંધવું જરૂરી છે કે પ્રેસ્ટેલ સિસ્ટમને સૌથી પહેલું ઇન્ટરનેટ નેટવર્ક અથવા ઇન્ટરનેટ નેટવર્કનું પૂર્વજ કહી શકાય, અને હજી વર્લ્ડ વાઈડ વેબનો જન્મ થવાને પૂરા એક દાયકાની વાર હતી!

1983માં રામાણીએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સને (DoE)  તેઓ એ અમેરિકામાં જોયું હતું તેવું ARPANET જેવું રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક સ્થાપવાની ભારતમાં તાતી જરૂરિયાત છે તે મતલબનો પત્ર લખ્યો. ત્યાં સુધી પ્રેમ પ્રકાશ ગુપ્તા ભારત સરકારમાં સેક્રેટરીના હોદ્દા સુધી પહોંચી ચુક્યા હતા અને તેઓ નેટવર્કિંગની ઉપયોગીતા થી વાકેફ જ હતા તો આ પ્રોજેકટ ને તરત જ લીલી ઝંડી મળી ગઈ. આ પ્રોજેકટ માટે DoE દ્વારા IIT Madras પાસ આઉટ અને દિમાગથી ટેક્નોક્રેટ વધુ અને બ્યુરોક્રેટ ઓછા એવા એસ. રામકૃષ્ણનને એપોઇન્ટ કરવામાં આવ્યા. તેમનું મુખ્ય કામ હતું આ પ્રોજેકટ માટે ફંડ જુટાવવાનું. આ માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) નો સંપર્ક કરવામાં આવ્યો અને આ એજન્સી ફંડ આપવા માટે મંજુર પણ થઈ ગઈ.

આ રીતે પાંચ IIT ( મુંબઇ, દિલ્લી, કાનપુર, ખડગપુર અને મદ્રાસ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી એક્સપર્ટ્સ ની એક કોર ટીમ તૈયાર કરવામાં આવી. ફાઈનલી, ઉપર જણાવેલ છ સંસ્થાઓ ઉપરાંત NCST અને DoE એમ કુલ આઠ સંસ્થાઓના સહિયારા પ્રયાસ થી ભારતનું પ્રથમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક (ERNET) નામનુ રાષ્ટ્રવ્યાપી એકેડેમિક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું.

1986 ના વર્ષમાં NCST અને IIT મુંબઈ વચ્ચે સૌથી પહેલી ડાયલ અપ લિંકેજ ઈમેલની આપ-લે માટે સ્થાપિત કરવામાં આવી. 1987 સુધી IIT મદ્રાસ અને દિલ્લી ને પણ આવરી લેવામા આવ્યા. આ માટે NCSTમાં VAX 8600(વિનસ) નામનાં કમ્પ્યુટર અને એમસ્ટર્ડમ ખાતે રહેલા હબના એક રાઉટર નો ઉપયોગ કરી ERNET ના તમામ સભ્યોને ઈમેલ એક્સચેન્જ માટે વ્યવસ્થા ઉભી કરી દેવાઈ. (હવે જો “કોઈ” એમ કહેતું હોય કે તેણે છેક 1988 માં ઈમેલ નો ભારતમાં ઉપયોગ કર્યો હતો તો એ વાતને સાવ નકારી પણ ન શકાય!!) આમ 1988 સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનું આગમન થઈ ચૂક્યું હતું. આમ પ્રચલિત માન્યતા કે, ભારતીયો એકબીજાના ટાંટિયા જ ખેંચી જાણે છે પણ કદી તેઓ સાથે મળી કોઈ મોટું કાર્ય પૂરું કરી શકે નહિ.

તો આ કથા આવી માન્યતા વિરુદ્ધ આટઆટલી સંસ્થાઓ અને પોતપોતાના ક્ષેત્રના તજજ્ઞો ભેગા મળી ભારત જેવા ઓછા સંસાધનો વાળા દેશમાં પણ કેટલી અસરકારક રીતે કોમ્પ્યુટર ક્રાંતિ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here