CWC 19 | M 35 | બેફીકર સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની ફિકર વધારી દીધી

0
289
Photo Courtesy: twitter.com/cricketworldcup

સેમીફાઈનલમાં આવવાનું હવે કોઈજ દબાણ ન હોવાથી સાઉથ આફ્રિકા આ મેચમાં પોતાની કુદરતી રમત રમ્યું અને તેણે શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવાના તેના જબરદસ્ત પ્રયાસોને ધક્કો માર્યો છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

આ તો થવાનું જ હતું! ગઈકાલે આ જ મેચના પ્રિવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે સાઉથ આફ્રિકા પર હવે સેમીફાઈનલમાં ક્વોલીફાય થવાનું કોઈજ દબાણ નથી જ્યારે શ્રીલંકા પર આ મેચ જીતવાનું પૂરેપૂરું દબાણ હતું. જ્યારે કોઈ ટીમ પોતાની મેચો એક પછી એક હારી રહી હોય ત્યારે તેને જે ચિંતા કે દુઃખ હોય તે એક વખત તેના પર ક્વોલીફાય થવાનું દબાણ હટી જાય પછી તે બેફીકર થઇ જતી હોય છે અને બાકીની ટીમોના ભવિષ્ય માટે તે ખતરનાક થઇ જતી હોય છે.

સાઉથ આફ્રિકાએ એ જ પ્રકારે આ મેચમાં નીશ્ફિકર રમત દેખાડી હતી. તેની બોલિંગ, ફિલ્ડીંગ અને ખાસ કરીને તો બેટિંગ જેના પર અત્યારસુધી અસંખ્ય પ્રશ્નાર્થ ઉભા થયા હતા તેમાં અચાનક જ સુધારો જોવા મળ્યો હતો. અને આ સુધારો એવો તો હતો કે શ્રીલંકા પાસે આ ત્રણેય ક્ષેત્રોમાં કોઈજ જવાબ ન હતો. મેચ દરમ્યાન કોમેન્ટ્રી કરી રહેલા શ્રીલંકાના પૂર્વ કપ્તાન કુમાર સંગાકારા સતત એમ કહી રહ્યા હતા કે શ્રીલંકાના ખેલાડીઓ ટેલેન્ટેડ છે, ટેલેન્ટેડ છે, પરંતુ તેઓ રમત કેમ રમવી તે ઓળખી શકતા નથી.

સંગાકારાની વાત સાચી હોય તો પણ તે શ્રીલંકા માટે કોઈ સારી બાબત નથી. જો કોઈ ટીમમાં ભરપૂર ટેલેન્ટેડ ખેલાડીઓ હોય અને તેમ છતાં તેમને કઈ મેચ કેવી રીતે રમવી તેની પણ ખબર ન પડતી હોય તો એવી ટેલેન્ટને મંદિરમાં બેસાડીને તેની પૂજા કરવાની છે? શરૂઆતના બેટ્સમેનોએ ફક્ત સંભાળીને 10-15 ઓવરો ખેંચી કાઢવાની હતી અને પછી આ પીચ પર આરામથી રન બની શકે એમ હતા. આ હકીકત ફાફ દુ પ્લેસી અને હાશિમ આમલાએ બીજી ઈનિંગમાં સુપેરે સાબિત કરી બતાવી હતી.

પરંતુ તેના સ્થાને શ્રીલંકન ‘ટેલેન્ટેડ’ બેટ્સમેનોએ શું કર્યું? શરૂઆતમાં જ બિનજવાબદાર શોટ્સ માર્યા, વિકેટો ફેંકી દીધી પરિણામે મિડલ ઓર્ડર પર દબાણ આવ્યું જે તે સહન ન કરી શકતા માત્ર 203 રન જ બની શક્યા અને પચાસ ઓવર્સ પૂરી પણ ન થઇ શકી. જો ખેલાડીઓમાં ટેલેન્ટ હોય તો તે તેના પૂર્ણ સ્વરૂપે હોવી જોઈએ, જેમાં માત્ર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ઉપરાંત કેવા સંજોગોમાં કેવી રીતે રમવું તેની સમજ પણ સામેલ હોય છે.

સાઉથ આફ્રિકાએ છેવટે મોડા મોડા પણ પોતાનામાં રહેલી સમજદારીનો ઉપયોગ કર્યો અને માત્ર એક વિકેટ જ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જેમ અગાઉ વાત કરી તેમ આ મેચમાં સાઉથ આફ્રિકા ત્રણેય ક્ષેત્રોમાં શ્રીલંકા કરતા વધુ મજબૂત સાબિત થયું હતું. જાણવા મળ્યા અનુસાર ફાફ દુ પ્લેસીએ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ પોતાની ટીમના સભ્યોને બાકીની બે મેચોમાંથી એટલીસ્ટ એક મેચ જીતાડવાની વિનંતી કરી હતી અને તેની એ વિનંતી છેવટે સ્વીકારાઈ ગઈ હોય એવું લાગે છે. જો કે તેની બાકી રહેલી એક મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પણ તે મજબૂત ટીમ દેખાય છે.

Preview: પાકિસ્તાન વિ. અફઘાનિસ્તાન, હેડીન્ગલે, લીડ્ઝ અને ઓસ્ટ્રેલિયા વિ. ન્યુઝીલેન્ડ, લોર્ડ્ઝ, લંડન

વર્લ્ડ કપ સેમીફાઈનલ માટે આ બંને મેચો અત્યંત મહત્ત્વની છે. પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનને કોઇપણ હિસાબે હરાવવું પડે તેમ છે જ્યારે ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યું છે અને ન્યુઝીલેન્ડને ક્વોલીફાય થવા માત્ર એક જીતની જરૂર છે.

પાકિસ્તાન- અફઘાનિસ્તાનની મેચ પર પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ફેન્સની પણ નજર હશે જ. પાકિસ્તાને સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને જે રીતે હરાવ્યું તેનાથી અફઘાનિસ્તાન સામે તેને જીત મેળવવામાં કોઈજ વાંધો આવે તેમ નથી, તેમ છતાં આ તો પાકિસ્તાન છે ભાઈ! તો ઓસ્ટ્રેલિયા ક્વોલીફાય થઇ ગયું હોવાથી જો ન્યુઝીલેન્ડ સામે તે પૂરતું ધ્યાન રાખ્યા વગર રમશે, જેની શક્યતાઓ બહુ ઓછી છે, તો તેને પણ ધક્કો લાગી શકે તેમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here