CWC 19 | M 38 | ક્યાંક ભારતે પગ પર કુહાડો તો નથી માર્યોને?

0
162
Photo Courtesy: twitter.com/cricketworldcup

ક્રિકેટ કે પછી કોઇપણ અન્ય રમતમાં પણ જીત-હાર તો ચાલતી રહેતી હોય છે, પરંતુ તમારી કેટલીક હાર આશ્ચર્ય સર્જતી હોય છે અને લોકોને તેનું વિશ્લેષણ કરવા માટે મજબૂર કરી દેતી હોય છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

વર્ષો અગાઉ જ્યારે વનડે ક્રિકેટમાં પહેલી બેટિંગ કરતા 250 રન પણ પૂરતા થઇ રહેતા ત્યારે એક મેચ દરમ્યાન બેટિંગ કરતી ટીમને અનુલક્ષીને સુનિલ ગાવસ્કરે એક સુંદર વાત કરી હતી જે આ મેચમાં ભારતની છેલ્લી પાંચ ઓવર્સની બેટિંગ જોઇને સતત યાદ આવી રહી હતી. ગાવસ્કરે તે સમયે કહ્યું હતું કે, “મને 48 ઓવર્સમાં 230 ઓલ આઉટનો સ્કોર 50 ઓવર્સમાં 250 પર 5 કરતા વધુ પસંદ આવશે.” એ વખતે જે-તે ટીમ વધુ સ્કોર કરી શકવા માટે સક્ષમ હોવા છતાં માત્ર 250 રન બનાવવા માટે જ રમી રહી હતી એવું અત્યારે આછું પાતળું યાદ આવી રહ્યું છે.

બરોબર એવી જ રીતે 45મી ઓવર માં 267 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ જે રીતે મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવે કછુઆ છાપ બેટિંગ કરી હતી તે અત્યંત આઘાતજનક હતી. ભારતે નિશ્ચિત હાર બાદ માત્ર આબરૂ બચાવવા માટે જ 300 રન કરવાની સભાન કોશિશ કરી હોય એવું લાગી રહ્યું હતું. કારણકે આ બંને બેટ્સમેનો ટ્વેંટી20 ક્રિકેટમાં અગાઉ આ જ પ્રકારનો સ્કોરનો પીછો કરતા છેલ્લી પાંચ ઓવર્સમાં ધમાલ મચાવતા આપણે ઘણીવાર જોયા છે. બહેતર એ રહેત કે ભારત હવાઈ શોટ્સ રમવાની કોશિશમાં 280-290 પર ઓલ આઉટ થઇ જાત નહીં કે તેણે પૂરી પચાસ ઓવર રમીને 306 રન તો કર્યા પરંતુ માત્ર 5 જ વિકેટ ગુમાવી.

મેચ તો હારવાના હતા જ એ પંડ્યાના આઉટ થતા જ નક્કી થઇ ગયું હતું, તો શા માટે છેલ્લી લડાઈ લડીને ન હાર્યા? આ સવાલ સતત મનમાં વલોપાત કરી રહ્યો છે. જો કે ભારતની હારનું આ એકમાત્ર નહીં પરંતુ ચારથી પાંચ સ્તર હતા. પહેલું સ્તર કે તેણે શરૂઆતની 25 ઓવર્સમાં અત્યંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સિવાય ખરાબ બોલિંગ કરી. જ્યારે યુઝવેન્દ્ર ચાહલ અને કુલદીપ યાદવ ધોવાઈ રહ્યા હતા ત્યારે એકાદી ઓવર કેદાર જાધવને આપીને વિરાટ કોહલી ઇંગ્લેન્ડને આશ્ચર્ય આપી શક્યો હોત.

ત્યારબાદ છેલ્લી ઓવરોમાં બોલિંગ કરતી વખતે મોહમ્મદ શામીએ ભલે એક પછી એક વિકેટો લીધી હોય પરંતુ જોસ બટલરને આઉટ કરતા અગાઉ તેણે સતત ફૂલટોસ બોલ નાખ્યા અને દરેક બોલ પર તેણે બાઉન્ડ્રી ખાવી પડી હતી. એક વખત પણ તેણે પોતાની લેન્થ બદલવાની કોશિશ ન કરી અને જ્યારે તેણે બટલરને શોર્ટ પીચ બોલ નાખ્યો ત્યારે તેને તેણે આઉટ પણ કરી બતાવ્યો! આ બેઝીક વસ્તુઓ છે જેનું જ્ઞાન આપણે આપણા અનુભવી બોલર્સને આપવાનું ન હોય.

ત્રીજું કારણ રહ્યું હતું બેટિંગ ઇનિંગની શરૂઆતની 10 ઓવર્સમાં માત્ર 28 રન. વિકેટ એક જ પડી હતી પરંતુ રોહિત શર્મા રીતસર સંઘર્ષ કરી રહ્યો હતો. તો સામે છેડે વિરાટ કોહલી પણ ઇંગ્લેન્ડની સટીક બોલિંગ સામે લાચાર દેખાઈ રહ્યો હતો. આ બંનેએ 10 ઓવર્સ સમાપ્ત થયા બાદ બેશક રનની ગતિ વધારી પરંતુ પહેલી 10 ઓવર્સમાં એટલીસ્ટ 4 કે પછી 4.50ની ગતિએ જો તેમણે રન કર્યા હોત, જે આ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ 10 ઓવર્સની એવરેજ રહી જ છે તો છેલ્લે ભારત પર એટલું દબાણ ન આવત જે તેણે સહન કરવું પડ્યું.

ચોથી વાત એ રહી હતી કે હાર્દિક પંડ્યાએ શરૂઆત તો ઘણી સારી કરી, પરંતુ જેવા તેની બેટિંગ થોડી મોડી સ્ટાઈલ સમજીને ઇંગ્લેન્ડે લોંગ ઓન અને લોંગ ઓફ બાઉન્ડ્રી પર બે-બે ફિલ્ડરો મૂકી દીધા અને સર્કલમાં થર્ડ મેન અને ફાઈન લેગ પર બે-બે ફિલ્ડર મૂકી દીધા એટલે એના શોટ્સ સાવ બંધ થઇ ગયો, એ બાઉન્ડ્રી મારવા માટે સાવ લાચાર લાગવા માંડ્યો. હાર્દિક પંડ્યાની આ નબળાઈ હતી જેને ઓઇન મોર્ગને માત્ર એક પ્રયોગ કરીને ખુલ્લી પાડી છે જેનો આવનારી મેચોમાં ખાસકરીને સેમીફાઈનલમાં કે ફાઈનલમાં અન્ય ટીમો ફાયદો ઉઠાવી શકે છે. આ નબળાઈ દૂર કરવા પંડ્યા એ માત્ર બળવાન શોટ્સ જ નહીં પરંતુ કેટલાક નજાકતભર્યા શોટ્સ રમવાનું પણ શીખવું પડશે જે તે થર્ડ મેન કે પછી ફાઈન લેગ પરથી મારીને જરૂર પડે તેના માટે બાઉન્ડ્રી મેળવી શકે.

પાંચમું કારણ જેની આપણે પહેલા જ ચર્ચા કરી છે તે છેવટની 5 ઓવર્સની બેટિંગ. વિરાટ કોહલીએ આ પ્રકારની બેટિંગની તમામ જવાબદારી ધોની અને જાધવ પર ઢોળી દીધી છે અને તેમાં ખોટું પણ કશું નથી. જ્યારે બે-બે અનુભવી ખેલાડીઓ રમતા હોય ત્યારે તેઓ ભલે પરાજય નિશ્ચિત હોય પરંતુ તેમ છતાં જીતની કોશિશ પણ ન કરે એ કોઈને પણ ગળે ઉતરે તેમ નથી. જો આ પ્રકારની રમત એ ટીમનો સંયુક્ત નિર્ણય હશે કે પાકિસ્તાનને દૂર રાખવા કે પછી સેમીફાઈનલમાં ક્વોલીફાય થવા માટે હવે માત્ર એક જ વિજયની જરૂર છે એટલે આ મેચને હળવાશથી લેવામાં વાંધો નથી, તો તેનો આ નિર્ણય તેને જ નડી શકે તેમ છે.

કારણકે બાંગ્લાદેશ અને શ્રીલંકા આ જ વર્લ્ડ કપમાં ચમત્કાર સર્જી ચૂક્યા છે અને એ પણ એવી ટીમો સામે જે વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચી રહી હતી. ક્યાંક પાકિસ્તાનને દૂર રાખવામાં કે ઇંગ્લેન્ડને સરળ વિજય આપી દેવાની મહાનતા દેખાડતા ખુદ ભારતનો સેમીફાઈનલ પ્રવેશ ઘોંચમાં ન પડી જાય! ઓવરઓલ ભારતનો પરાજય અત્યંત નિરાશાજનક રહ્યો છે, એટલા માટે નહીં કે તેનો પરાજય થયો છે પરંતુ એટલા માટે કે તેણે આ પરાજયનો સ્વીકાર એકદમ હળવાશથી કર્યો છે.

Preview – શ્રીલંકા વિ. વેસ્ટ ઇન્ડિઝ, ચેસ્ટર-લી-સ્ટ્રીટ, ડરહમ

બંને ટીમો એકબીજાને સમાંતર છે, પરંતુ શ્રીલંકા માટે આ મેચમાં જીતના વધુ ચાન્સીઝ છે કારણકે આ મેદાન એ હાઈસ્કોરિંગ મેદાન રહ્યું નથી આ ઉપરાંત શ્રીલંકા પાસે વેસ્ટ ઇન્ડિઝ કરતા સારા સ્પિન બોલર્સ છે અને બેટ્સમેન પણ છે જે સ્પિનરોને અથવાતો એક ધીમી પીચ પર સારી રીતે રમી શકે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here